લો સ્કોરીંગ મેચમાં ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાનને 6 રને હરાવ્યું
T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન) ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન) ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રને હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાનું હવે પછીના રાઉન્ડમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ ગયું, જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં માત્ર 119 રન બનાવ્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયાની જબરદસ્ત બોલિંગની સામે પાકિસ્તાન આ રન પણ બનાવી શક્યું ન હતું અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિરાટ-રોહિત નિષ્ફળ
ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત ટક્કર થવાને લઈને ઘણો ઉત્સાહ રહ્યો હતો,પરંતુ પિચના તણાવને કારણે પહેલાથી જ હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી. હાઈવોલ્ટેજ મેચમાં વિરાટ કોહલી (4) અને રોહિત શર્મા (13) રન જ ફટકાર્યા હતા. પ્રથમ 3 ઓવરમાં જ બન્ને ઓપનર આઉટ થઈ જતા મોટા સ્કોર થવાની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ.
મેચમાં વિરાટ કોહલી (4) અને રોહિત શર્મા (13) રન જ ફટકાર્યા
પાકિસ્તાન સામે હંમેશા શાનદાર પ્રદર્શન કરનાર કોહલી પ્રથમ વખત બીજી ઓવરમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિતે પ્રથમ ઓવરમાં ચોક્કસપણે સિક્સર ફટકારી હતી, પરંતુ શાહીન શાહ આફ્રિદીએ તેને પણ ત્રીજી ઓવરમાં આઉટ કર્યો હતો.
અક્ષર અને ઋષભ પંતની 30 બોલમાં 39 રનની ભાગીદારી
ટીમ ઈન્ડિયાએ બંને ઓપનર માત્ર 19 રનમાં ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અક્ષર પટેલને ચોથા નંબર પર પ્રમોટ કર્યો અને તેનો થોડો ફાયદો થયો હતો. અક્ષર અને ઋષભ પંતે સાથે મળીને 30 બોલમાં 39 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાના સ્કોરને આગળ ધપાવ્યો હતો. અક્ષર પટેલ 20 રન કરીને આઉટ થયો હતો.
અક્ષરના આઉટ થયા બાદ ઋષભ પંતે કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે ફક્ત 7 રન જ કર્યા અને તે ફરી એકવાર નિષ્ફળ ગયો. પંતે (42) રનની દમદાર ઈનિંગ રમી હતી. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે 16 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી નસીમ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી.
બૂમરાહ અને પંડ્યાએ દમદાર બોલિંગ કરી
પાકિસ્તાન માટે બાબર આઝમ (13) અને મોહમ્મદ રિઝવાન (31 રન, 44 બોલ)ની ઈનિંગ રમી હતી. બન્ને બેટ્સમેનોએ શરૂઆતમાં જ પકડ બનાવવા માટે દમદાર શોર્ટ્સ ફટકાર્યા હતા. બંનેએ 4 ઓવરમાં 21 રન ઉમેર્યા હતા. આ બન્નેને રોકવા માટે ટીમ ઈન્ડિયાએ પોતાના અનુભવી અને વિકેટ ટેકર બોલરને બોલિંગ આપી હતી.
5મી ઓવરમાં જસપ્રિત બુમરાહે પ્રથમ વિકેટ ઝડપી
5મી ઓવરમાં જસપ્રિત બુમરાહે (3/14) બાબરની વિકેટ લઈને પ્રથમ સફળતા અપાવી હતી. સૂર્યકુમાર યાદવે સ્લિપમાં શાનદાર કેચ પકડ્યો હતો. આ પછી તમામ ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા, જેમાં સારી ફિલ્ડિંગનું પણ યોગદાન હતું.
ટીમ ઈન્ડિયાને આગલી વિકેટ માટે 11મી ઓવરની રાહ જોવી પડી, જ્યારે અક્ષર પટેલ (1/11)ને ઉસ્માન ખાનની વિકેટ મળી. ત્યારબાદ 13મી ઓવરમાં ઋષભ પંતે હાર્દિકના બોલ પર ફખર ઝમાનનો શાનદાર કેચ લીધો હતો.
મોહમ્મદ રિઝવાનની વિકેટ ટર્નિંગ પોઈન્ટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 14 ઓવરમાં 3 વિકેટે 80 રન બનાવી લીધા હતા. એટલે કે પાકિસ્તાનની ટીમની 7 વિકેટ બાકી હતી અને તેને જીતવા માટે 36 બોલમાં માત્ર 40 રનની જરૂર હતી. અહીંથી જીત પાકિસ્તાનની ટીમના કોથળામાં હોય તેમ લાગી રહ્યું હતું, પરંતુ આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુમરાહને 15મી ઓવર આપી જેનાથી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ. બૂમરાહે મોહમ્મદ રીઝવાનને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ વિકેટ ટીમ ઈન્ડિયા માટે ટર્નિંગ પોઈન્ટ હતી. હાર્દિક પંડ્યાએ (2/24) શાદાબ ખાનને પેવેલિયનમાં પાછો મોકલ્યો, જ્યારે અક્ષર અને સિરાજે બે ઉત્તમ ઓવર ફેંકી હતી.
બુમરાહ-અર્શદીપે છેલ્લી 2 ઓવર નાખી
જસપ્રીત બુમરાહએ 19મી ઓવર નાખી હતી, આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા. સૌથી મોટી સફળતા પણ મેળવી. બુમરાહે ઈફ્તિખાર અહેમદને અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને 18 રનની જરૂર હતી.
કેપ્ટન રોહિતે આ છેલ્લી ઓવર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આપી હતી. જ્યારે શાહીન આફ્રિદી અને ઈમાદ વસીમ ક્રીઝ પર હાજર હતા. આ સ્થિતિમાં અર્શદીપે ઇમાદને પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવીને પાકિસ્તાનની છેલ્લી આશાનો અંત લાવી દીધો હતો. ત્યારપછી આફ્રિદી અને નસીમ શાહ મળીને ઓવરમાં માત્ર 11 રન બનાવી શક્યા અને પાકિસ્તાનની ટીમ 6 રનથી મેચ હારી ગઈ.
આ મેચમાં ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમઃ મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર અને હરિસ રઉફ.








