IND vs AUS / ભારતે જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચમાં 295 રન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચમાં 295 રનથી જીતી ગઈ છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 487/6 રનના સ્કોર પર પોતાની ઈનિગ ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 238 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ભારત આ સિરીઝમાં 1-0થી આગળ છે. બુમરાહને કેપ્ટન તરીકે આ પહેલી જીત મળી છે.
16 વર્ષ બાદ પર્થમાં જીત્યા ટેસ્ટ
ટીમ ઈન્ડિયાએ પર્થમાં 16 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા વર્ષ 2008માં કુંબલેની કેપ્ટનશિપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવનારી પ્રથમ મુલાકાતી ટીમ પણ બની ગઈ છે.
બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો
ભારત તરફથી બેટિંગ કરતી વખતે યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલે 15 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 161 રન બનાવ્યા હતા. દરમિયાન, વિરાટ કોહલીએ 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી (100*) ફટકારી હતી. જ્યારે કેએલ રાહુલે 5 ચોગ્ગાની મદદથી 77 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ સિવાય નીતિશ કુમાર રેડ્ડીએ 27 બોલમાં 38 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આ તમામ બેટ્સમેનોની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 487 રનનો જંગી સ્કોર લગાવ્યો અને ઓસ્ટ્રેલિયા સામે મોટો ટાર્ગેટ મૂક્યો.
બુમરાહનું શાનદાર પ્રદર્શન
ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે આખી મેચમાં 8 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બુમરાહે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 3 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.






