મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup: આયર્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાનો જીતથી આરંભ, હિટમેને આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ટી-20 વર્લ્ડકપમાં બુધવારે ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમા

T20 World Cup: આયર્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાનો જીતથી આરંભ, હિટમેને આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ટી-20 વર્લ્ડકપમાં બુધવારે  ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને વિરોધી ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 96 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટના નુકસાને 12.2 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને વિજયથી ટી-20 વર્લ્ડકપમાં પ્રારંભ કર્યો છે. 

આયર્લેન્ડે આપેલા 97 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં રોહિત શર્મા અને રિષભ પંતે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. 

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી

રોહિત શર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. રોહિત 52 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.  આ સાથે તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા સૌથી ઓછા બોલમાં 4 હજાર ટી-20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટર બની ગયો છે.  રોહિત 2860 બોલમાં 4 હજાર રન પુરા કર્યા હતા. જ્યારે કોહલીએ 2900 બોલમાં 4 હજાર રન બનાવ્યા હતા. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 સિક્સર ફટકારી છે. 

પંડ્યાની પાવર બોલિંગ

ભારતીય બોલરો સામે આયર્લેન્ડના ખેલાડીઓ ઘૂંટણીએ બેસી ગયા હતા. માત્ર 4 બેટરો ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યા હતા. હાર્દિક પંડ્યાને સૌથી વધુ વિકેટ મળી હતી. જ્યારે બુમરાહ અને અર્શદીપને બે-બે વિકેટ ખેરવી હતી. પંડ્યાએ 4 ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલવેન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

આયર્લેન્ડ: એન્ડ્રુ બાલબિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ અને બેન્જામિન વ્હાઇટ.

આ સમાચાર શેર કરો