મહિલા જુનિયર એશિયા કપ 2026માં ભારત બન્યું ચેમ્પિયન, ચીનને તેના જ ઘરમાં હરાવ્યું

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ચીનના હુલુનબુઇરમાં ઈતિહાસ રચ્યો. AHF મહિલા જુનિયર એશિયા કપ 2026ની રોમાંચક ફાઈનલમાં ભારતે યજમાન ચીનને 1-0 થી હરાવીને ટાઇટલ જીત્યું. આ ભારતનો સતત ત્રીજું જુનિયર એશિયા કપ ટાઈટલ છે, ટીમે હેટ્રિક પૂર્ણ થઈ છે. આ ઐતિહાસિક ટાઈટલ જીત સાથે, ભારતીય ટીમે આગામી FIH જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં પણ પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.
સાનિકા ચંદ્રકાંત માનેનો 'ગોલ્ડન ગોલ'
ફાઈનલમાં બંને ટીમો વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી. યજમાન ચીનને ઘરઆંગણાના ફેન્સનો મજબૂત ટેકો મળ્યો, પરંતુ ભારતીય ડિફેન્સ અને ફોરવર્ડ લાઈને સંયમ દર્શાવ્યો. બીજા ક્વાર્ટરની 17મી મિનિટે, ભારતીય સ્ટ્રાઇકર સાનિકા ચંદ્રકાંત માનેએ વિરોધી ગોલકીપરને હરાવીને ફિલ્ડ ગોલ કર્યો. સાનિકાનો ગોલ મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ સાબિત થયો.
ત્યારબાદ ચીની ટીમે બરાબરી કરવાના અનેક આક્રમક પ્રયાસો કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સ અને ગોલકીપરે અભેદ્ય દિવાલ તરીકે કામ કર્યું, ચીનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ શક્તિશાળી પ્રદર્શન સાથે ભારતે સતત ત્રીજી વખત ટાઈટલ સુરક્ષિત કર્યું.
હોકી ઇન્ડિયાએ ઈનામની જાહેરાત કરી
પ્રભાવશાળી ટાઈટલ અભિયાન અને સતત ત્રીજી ટ્રોફી જીત બદલ હોકી ઈન્ડિયાએ યુવા ભારતીય ટીમ પર ઈનામનો વરસાદ કર્યો છે. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ચેમ્પિયન ટીમના દરેક ખેલાડીને 3,00,000 રૂપિયાનું ઈનામ મળશે. ટીમના સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1,50,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. બોર્ડે ખેલાડીઓની લડાઈની ભાવના અને ચીનની ધરતી પર ભારતીય ધ્વજ લહેરાવવાના તેમના સમર્પણની પણ પ્રશંસા કરી. આ ટાઈટલ જીતથી ટીમનું મનોબળ વધ્યું છે અને હવે તેમનું ધ્યાન જુનિયર વર્લ્ડ કપમાં પોડિયમ ફિનિશ પ્રાપ્ત કરવા પર રહેશે.

