એલેના રિબાકીનાએ ઈતિહાસ રચ્યો, આર્યના સબાલેન્કાને હરાવીને પહેલી વખત જીત્યું યુએસ ઓપનનું ટાઈટલ

એલેના રિબાકીનાએ યુએસ ઓપન ટાઈટલ જીત્યું છે. તેણે મહિલા સિંગલ્સની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેન્કાને 6-4, 5-7, 6-2થી હરાવ્યું. આ જીત રિબાકીના માટે પણ ખાસ હતી કારણ કે તે આવતા અઠવાડિયે જાહેર થનારા રેન્કિંગમાં સબાલેન્કાને પાછળ છોડીને વિશ્વની નંબર 1 ખેલાડી બનશે તેવી અપેક્ષા છે.
રિબાકીનાએ ન્યૂયોર્કમાં પ્રથમ વખત યુએસ ઓપન ટ્રોફી જીતી. સબલેન્કાએ અગાઉ સતત બે વર્ષ ટાઈટલ જીત્યું હતું, પરંતુ આ વખતે રિબાકીનાએ તેનો ટાઈટલનો સિલસિલો રોકી દીધો. આનાથી યુએસ ઓપનમાં સબાલેન્કાની 19 મેચની જીતનો સિલસિલો પણ સમાપ્ત થયો. 2023ની ફાઈનલમાં કોકો ગૌફ સામે હાર્યા બાદ તે ન્યૂયોર્કમાં એક પણ મેચ નહતી હારી. આ રિબાકીનાનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ અને આ વર્ષે તેની બીજી મોટી ટ્રોફી છે. નોંધનીય છે કે, તેણે સબાલેન્કાને હરાવીને બંને ગ્રાન્ડ સ્લેમ જીત મેળવી હતી. આ વર્ષની શરૂઆતમાં રિબાકીનાએ સબાલેન્કાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ પણ જીત્યું હતું.
5.5 મિલિયન ડોલર ઈનામી રકમ જીતી
યુએસ ઓપન જીત સાથે રાયબાકીનાને 5.5 મિલિયન ડોલર ઈનામી રકમ પણ મળી, જે ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ છે. આ જીતથી તેને આ સિઝનમાં ત્રણ ટાઈટલ મળ્યા છે. તે સબાલેન્કા અને ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન મીરા એન્ડ્રીવા સાથે આ વર્ષે સૌથી વધુ જીત મેળવનારી ખેલાડીઓમાં જોડાઈ છે. રિબાકીના રશિયામાં જન્મી હતી પરંતુ તે કઝાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે 2022માં વિમ્બલ્ડન જીતીને પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. હવે તેની પાસે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવા માટે ફક્ત ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતવાનું બાકી છે.
સબાલેન્કાના સ્વપ્ન ચકનાચૂર
આર્યના સબાલેન્કાએ સતત ત્રીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. જો તે સફળ થઈ હોત, તો તે સેરેના વિલિયમ્સ પછી 2012 અને 2014 વચ્ચે ફ્લશિંગ મીડોઝમાં સતત ત્રણ ટાઈટલ જીતનાર પ્રથમ ખેલાડી બની હોત. જોકે, તે ફાઈનલમાં રિબાકીના સામે હારી ગઈ. મેચ પછી, સબાલેન્કાએ રિબાકીનાને થોડા સમય માટે ગળે લગાવીને પોતાનું રેકેટ તોડી નાખ્યું. તેને રનર-અપ તરીકે 2.8 મિલિયન ડોલર મળ્યા.

