મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Ind vs nz: ભારતે પાંચમી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 46 રનથી હરાવ્યું, ઇશાન કિશનના ઝંઝાવાત સામે કિવી બોલરો ઘૂંટણિયે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની 5મી અને અંતિમ મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. આજે (31

Ind vs nz: ભારતે પાંચમી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 46 રનથી હરાવ્યું, ઇશાન કિશનના ઝંઝાવાત સામે કિવી બોલરો ઘૂંટણિયે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની 5મી અને અંતિમ મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. આજે (31 જાન્યુઆરી) ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરૂવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 46 રનથી હરાવ્યું છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન કિશાનની સદી અને સૂર્યાની તોફાની ફિફ્ટીના દમ પર 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 271 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 225 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડની ટીમ ધરાશાયી થઈ છે. આ ભવ્ય જીત સાથે ભારતે આ સીરિઝ 4-1થી જીતી લીધી છે. ભારતની આ ભવ્ય જીત ટી20 વર્લ્ડ કપ પહેલા સારા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સીધા વર્લ્ડકપમાં ઉતરશે.  

ઈશાન કિશનનો શાનદાર દેખાવ

આજની મેચમાં ભારતને ભવ્ય જીત અપાવવામાં ઈશાન કિશને મોટી ભૂમિકા ભજવી હતી. ઈશાને આજે તોફાની ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડના બોલર્સને ઘૂંટણિયે લાવી દીધા હતા. ટીમ ઈન્ડિયાએ આજે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને ત્યારબાદ માત્ર 14 બોલમાં સદી પણ પૂર્ણ કરી લીધી હતી. તે 10 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 43 બોલમાં 103 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. જેમાં સતત 7 બોલમાં 7 બાઉન્ડ્રી પણ સામેલ છે.  

ભારતના અન્ય બેટર્સે પણ કરી કમાલ

ઈશાન કિશન ઉપરાંત આજની મેચમાં ભારતના અન્ય બેટર્સે પણ સારું યોગદાન આપ્યું હતું. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 63 રનની ભવ્ય ઈનિંગ રમી હતી, જેમાં તેણે 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ 4 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 17 બોલમાં 42 રનની તાબડતોબ ઈનિંગ રમી હતી. 

બોલિંગમાં પણ જબરદસ્ત દેખાવ, અર્શદીપે 5 વિકેટ ઝડપી

આજની મેચમાં ભારતીય બોલર્સે પણ શાનદાર દેખાવ કરીને ન્યૂઝીલેન્ડના બેટર્સને હંફાવી દીધા હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 5 વિકેટ ઝાટકી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે 3 અને વરુણ ચક્રવર્તીએ પણ 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય એક વિકેટ રિંકુ સિંહે ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ ઝડપી.

ઈશાન કિશનના નામે સતત 7 બોલ પર 7 ચોગ્ગા છગ્ગાની ઐતિહાસિક સિદ્ધિ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે એક એવો પરાક્રમ કર્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે. મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો 12મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યા. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો.

ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત 3 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ 29 રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યુઝીલેન્ડ માટે T20I માં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. ઈશાન કિશન રીતસરનો ન્યૂઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત 7 બોલમાં 7 ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો.

માત્ર 14 બોલમાં 50 થી 100 સુધીની સફર!

આશ્ચર્યની વાત એ છે કે માત્ર 14 બોલ ઈશાન કિશને 50 રન થી 100 રન સુધી ફટકાર્યા હતા એટલે કે ફિફ્ટી (28 બોલ) જડ્યા બાદ બીજી ફિફ્ટી માત્ર 14 બોલમાં લગાવી હતી. ન્યુઝીલેન્ડ સામે T20માં આ સૌથી ઝડપી સદી છે. ઈશાન કિશને પોતાની 103 રન( 43 બોલ)ની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ભલે તે સદી બાદ તરત આઉટ થઈ ગયો, પણ તેની આ ઈનિંગે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા અને કીવી ટીમ સામે પહાડ જેવો ટાર્ગેટ ઊભો કરી દીધો હતો.

આ સમાચાર શેર કરો