IND vs PAK T20 WC: દમદાર બેટિંગ કરી ઈશાન કિશને બનાવ્યા 5 મોટા રેકોર્ડ

ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઈશાન કિશને દમદાર બેટિંગ કરી હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયા બાદ ઈશાન કિશને મોરચો સંભાળ્યો હતો. માત્ર 27 બોલમાં ફિફ્ટી ફટકારી ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. પણ તે સદી ચૂક્યો હતો અને 40 બોલમાં 77 રન બનાવી સૈમ અયૂબનો શિકાર બન્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ સાથે ઈશાન કિશને 5 મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
ઈશાન કિશને બનાવેલા 5 મોટા રેકોર્ડ્સ
1. યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો
ભારત-પાકિસ્તાન ટી20 મેચમાં ઈશાન કિશન હવે ત્રીજો સૌથી ઝડપી અર્ધશતક (27 બોલ) ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યુવરાજ સિંહના(29 બોલ)ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
2. શુભમન ગિલનો પાવરપ્લે રેકોર્ડ ધ્વસ્ત
પાકિસ્તાન સામે ટી20માં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ઈશાનના નામે છે. તેણે પાવરપ્લેમાં 42 રન બનાવ્યા, જે પહેલા શુભમન ગિલ (35 રન)ના નામે હતો.
3. ગૌતમ ગંભીરને પછાડ્યો
પાકિસ્તાન સામે ટી20માં સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે ઈશાન કિશને ગૌતમ ગંભીર (75 રન)ને પાછળ છોડી દીધો છે. ઈશાન 77 રન સાથે હવે ચોથા ક્રમે છે.
4. ઓપનર તરીકે સર્વશ્રેષ્ઠ સ્કોર
ભારત તરફથી પાકિસ્તાન સામે ઓપનિંગ કરતા સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ હવે ઈશાન કિશનના નામે નોંધાયો છે. આ પહેલા ગંભીરે ઓપનર તરીકે 75 રન બનાવ્યા હતા.
5. બીજી સૌથી ઝડપી ફિફ્ટી
પાકિસ્તાન સામે ભારત તરફથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાના મામલે ઈશાન કિશન હવે બીજા નંબરે છે. આ યાદીમાં અભિષેક શર્મા (24 બોલ) પ્રથમ ક્રમે છે.

