IND vs PAK T20 WC: પાકિસ્તાનના બોલર્સ હાંફ્યા, ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી

ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ઇશાન કિશનની તોફાની અડધી સદી આવી. ઇશાન કિશને 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પછી કિશન 40 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થઈ ગયો હતો. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને પોતાના નામે કરિયરની આ સૌથી ઝડપી ફિફ્ટી નોંધી લીધી છે.

હવે તિલાક વર્માની સાથે કેપ્ટન સૂર્યા ક્રિઝ પર રમી રહ્યો છે. 11 ઓવર પછી, ભારતનો સ્કોર બે વિકેટે 98 રનનો થઈ ચૂક્યો છે.
આજે ICC T20 વર્લ્ડ કપમાં મહામુકાબલો છે. આ વર્લ્ડ કપની 27મી મેચ આજે(15 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આમ, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરી રહી છે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાઈ રહી છે.
બંને ટીમો વચ્ચે આ મેચનો નિર્ણય નક્કી કરશે કે અંતે આ ગ્રુપ Aનું ટોપર કોણ રહે છે. ભારતીય ટીમની કમાન સૂર્યકુમારના હાથમાં છે, જેઓ કોઈપણ સંજોગોમાં સલમાન અલી આગાની પાકિસ્તાન ટીમને હરાવવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતર્યા છે.

