IND v BAN / ભારતે બાંગ્લાદેશને કર્યું ક્લીન સ્વીપ, કાનપુર ટેસ્ટ જીતીને બનાવ્યો ખાસ રેકોર્ડ
કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ એવો ચમત્કાર કર્યો જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. ટીમ ઈન્ડિય

કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ એવો ચમત્કાર કર્યો જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશને 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ રીતે ભારતે ઘરઆંગણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી અને હવે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ઘરઆંગણે મોટી સિદ્ધિ મેળવી છે.
ટીમ ઈન્ડિયાની ઘરઆંગણે સતત 18મી સિરીઝ જીતી છે. ભારતીય ટીમ પહેલાથી જ ઘરઆંગણે સતત સૌથી વધુ સિરીઝ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ મામલે બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, જેણે ઘરઆંગણે સતત 10 સિરીઝ જીતવાની મોટી સિદ્ધિ મેળવી હતી, તમને જણાવી દઈએ કે, ભારત છેલ્લા 12 વર્ષથી ઘરઆંગણે એક પણ ટેસ્ટ સિરીઝ નથી હારી. ટીમ ઈન્ડિયા છેલ્લે 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી હતી. ત્યારે ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 2-1થી હરાવ્યું હતું. આ સિરીઝ બાદથી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે એકપણ ટેસ્ટ સિરીઝ નથી હારી. છેલ્લા 12 વર્ષમાં ભારતે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સિરીઝમાં વિરોધી ટીમને હરાવી છે.
કાનપુર ટેસ્ટમાં 7 વિકેટે જીતી ટીમ ઈન્ડિયા
કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. આ દરમિયાન બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 3 વિકેટે 107 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો, પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતે ચોથા દિવસે આક્રમક રીતે ઈનિંગની શરૂઆત કરી હતી અને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 50, 100, 150 અને 200 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 285/9ના સ્કોર પર ડિકલેર કર્યો હતો.
ભારત 2-0થી જીત્યું
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ માત્ર 146 રન જ બનાવી શકી, જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો. છેલ્લા દિવસના બીજા સેશનમાં ભારતીય ઈનિંગની ધમાકેદાર શરૂઆત થઈ હતી પરંતુ રોહિત શર્મા 8 રનમાં પવેલિયન પરત ફર્યો હતો. ગિલ પણ 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ચાર્જ સંભાળ્યો હતો. જયસ્વાલ 45 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમીને આઉટ થયો હતો. વિરાટ કોહલી (29) અને રિષભ પંત (4) અણનમ રહ્યા હતા. આ રીતે ભારત મેચની સાથે સાથે સિરીઝ પર કબજો કરવામાં સફળ રહ્યું હતું.






