VIDEO / પાકિસ્તાને અપીલ કરી હોત તો 41 રને આઉટ થઈ ગયો હોત વિરાટ કોહલી, ગાવસ્કરે આ ભૂલ માટે આપ્યો ઠપકો
ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની 5મી મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે ચોગ્ગા

ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની 5મી મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી અને ટીમને 6 વિકેટથી વિજય અપાવ્યો હતો. પરંતુ જો પાકિસ્તાની ટીમે ધ્યાન આપ્યું હોત, તો કોહલી અડધી સદી પણ ફટકારી ન શક્યો હોત, સદી તો દૂરની વાત છે. કોહલીએ મેચમાં એક મોટી ભૂલ કરી. જો કોઈ પાકિસ્તાની ખેલાડીએ આ વાત ધ્યાનમાં લીધી હોત અને અપીલ કરી હોત, તો વિરાટ કોહલીને 41 રનના સ્કોર પર પવેલિયન પરત ફરવું પડ્યું હોત.
ભારતીય દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર, જેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા, તેમણે પણ વિરાટ કોહલીને આ અંગે ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરાટે આવી ભૂલ ન કરવી જોઈ. જો અપીલ કરવામાં આવી હોત તો તેને બહાર જવું પડ્યું હોત.
આ કારણે વિરાટ કોહલીને આઉટ આપી શકાયો હોત
ઓબ્સટ્રકટીંગ ધ ફિલ્ડના નિયમ હેઠળ બેટ્સમેનને આઉટ આપી શકાય છે, જો તે જાણી જોઈને ફિલ્ડિંગ ટીમને કેચ લેવા, સ્ટમ્પ કરવા અથવા બોલ ફેંકવાથી અટકાવે છે. વિરાટ કોહલીએ પણ જાણી જોઈને થ્રો પકડવાનો પ્રયાસ કર્યો. જો પાકિસ્તાને અહીં અપીલ કરી હોત, તો શક્ય છે કે વિરાટ કોહલીને મેદાન છોડવું પડ્યું હોત.
સુનીલ ગાવસ્કરે ઠપકો આપ્યો
સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, "તેણે (કોહલીએ) આ ન કરવું જોઈ. જો બોલ પાછળ ગયો હોત, તો કોણ જાણે ફિલ્ડર તેને ચૂકી ગયો હોત અને એક વધારાનો રન મળવાની શક્યતા હોત. જો પાકિસ્તાની ટીમે અપીલ કરી હોત, તો ઓબ્સટ્રકટીંગ ધ ફિલ્ડના નિયમને કારણે તેને મેદાન છોડવું પડ્યું હોત."
કોહલીએ 82મી આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કરી
પાકિસ્તાન સામે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં દેખાયો હતો. તેણે પોતાની વનડેમાં 51મી અને તમામ ફોર્મેટની ગણીને 82મી સદી ફટકારી હતી. કોહલીએ 111 બોલમાં રમેલી 100 રનની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા કોહલીએ પોતાની વનડે કારકિર્દીના 14 હજાર રન પણ પૂરા કર્યા હતા.








