મેદાન પર પરત ફરતા જ હાર્દિક પંડ્યાએ બેટથી મચાવી ધમાલ, તોફાની ઈનિંગ રમીને ટીમને અપાવી જીત

લગભગ બે મહિના પછી ફિટ થઈને પરત ફરેલા હાર્દિક પંડ્યાએ મેદાન પર ઉતરતાની સાથે જ પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેચ્યું છે. પંજાબ સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં, હાર્દિકની વિસ્ફોટક બેટિંગે બરોડાને શાનદાર જીત અપાવી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા, હાર્દિકે 183ની સ્ટ્રાઈક રેટથી 42 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી. હાર્દિકની ધમાકેદાર ઈનિંગને કારણે બરોડાએ પંજાબના 223 રનનાટાર્ગેટને પાંચ બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો.
હાર્દિકે ધમાલ મચાવી
223 રનનો ટાર્ગેટ ચેઝ કરતા બરોડાએ મજબૂત શરૂઆત કરી હતી. વિષ્ણુ સોલંકી અને શાશ્વત રાવતે માત્ર 5.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 66 રન ઉમેર્યા. વિષ્ણુ 31 બોલમાં 43 રનની જ્વલંત ઇનિંગ રમીને પવેલિયન પરત ફર્યો. જ્યારે શાશ્વત 18 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ શિવાલિક શર્મા અને હાર્દિક પંડ્યાએ ત્રીજી વિકેટ માટે સદીની પાર્ટનરશિપ કરી.
શિવાલિક 31 બોલમાં 47 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો. જોકે, હાર્દિકે બીજા છેડેથી પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી. હાર્દિકે 42 બોલમાં 77 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન હાર્દિકે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક અણનમ રહ્યો અને બરોડાને યાદગાર જીત અપાવી.
બોલ સાથે ફ્લોપ રહ્યો હાર્દિક
જોકે, હાર્દિક પંડ્યાનું બોલ સાથે પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેના 4 ઓવરના સ્પેલમાં તેણે 52 રન આપ્યા અને ફક્ત એક જ વિકેટ મેળવી શક્યો. તેનો ઈકોનોમી રેટ 13નો હતો. પંજાબ માટે, અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી, જ્યારે અનમોલપ્રીત સિંહે 32 બોલમાં 69 રન બનાવ્યા હતા. નમન ધીરે પણ અંતિમ ઓવર્સમાં 28 બોલમાં 39 રન બનાવ્યા, જેના કારણે પંજાબ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 222 રન સુધી પહોંચવામાં મદદ મળી.

