વર્લ્ડ કપ દરમિયાન જેમિમા રોડ્રિગ્સે અનઇન્સ્ટોલ કરવું પડ્યું હતું WhatsApp, કારણ જણાવતા કહ્યું- 'મને 1 હજાર મેસેજ...'

ભારતીય વિમેન્સ ટીમની સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમ્યા બાદ સોશિયલ મીડિયા અને તેના ફોન પર સતત કોલ અને મેસેજ આવવાને કારણે તેણે તેના ફોનમાંથી WhatsApp અનઇન્સ્ટોલ કરવું પડ્યું હતું. જેમિમાના જણાવ્યા મુજબ, તેનો નંબર ઘણા અજાણ્યા લોકો સુધી પહોંચી ગયો હતો અને તેને 1,000થી વધુ WhatsApp મેસેજ મળ્યા હતા.
'મારી પાસે લગભગ 1,000 વોટ્સએપ મેસેજ હતા'
જેમિમાએ જણાવ્યું કે સેમીફાઈનલ પછી તેનો ફોન સતત વાગી રહ્યો હતો અને તેને ચારે બાજુથી અભિનંદનના કોલ આવી રહ્યા હતા. તેણે કહ્યું, "મને ખબર નથી કે મારો નંબર અજાણ્યા લોકો સુધી કેવી રીતે પહોંચ્યો. હું મજાક નથી કરી રહી, મને ખરેખર લગભગ 1,000 વોટ્સએપ મેસેજ મળ્યા હતા." જેમિમાના જણાવ્યા મુજબ સેમીફાઈનલની ભાવનાત્મક ઉથલપાથલ અને ફાઈનલની તૈયારી વચ્ચે આ બધું તેના માટે ખૂબ ભારે થઈ ગયું હતું.
ફાઈનલ પહેલા એપ અનઇન્સ્ટોલ કરવાનો નિર્ણય
આ વિક્ષેપ ટાળવા માટે તેણે ફાઇનલ પહેલા WhatsAppથી સંપૂર્ણપણે દૂર રહેવાનું નક્કી કર્યું. એપ ડિલીટ કરતા પહેલા તેણે ફક્ત તેના 4-5 નજીકના લોકોને જ જાણ કરી હતી કે જો જરૂર પડે તો તેઓ સામાન્ય કોલ અથવા મેસેજ દ્વારા તેનો સંપર્ક કરી શકે છે. જેમિમાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે ફાઈનલ સુધી સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું, સેમીફાઈનલ પછી ફક્ત એક જ પોસ્ટ શેર કરી હતી, ત્યારબાદ તે સંપૂર્ણપણે ઓફલાઈન રહી હતી.
ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી જ્યારે તેણે તેની સોશિયલ મીડિયા ફીડ ફરીથી ખોલી, ત્યારે તેની આખી ફીડ તેના વીડિયો, પોસ્ટ અને ભારતની ઐતિહાસિક જીતથી ભરેલી હતી. તેણે વધુમાં કહ્યું, "આજે પણ જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરું છું, ત્યારે અચાનક મારો જ વીડિયો સામે આવી જાય છે. કોઈને કોઈ મારા વિશે વાત કરતું રહે છે."

