ગોંગડી ત્રિશાએ U19 મહિલા T20 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાયેલા બીજા ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ટીમ

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાયેલા બીજા ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન ગોંગડી ત્રિશા પોતાના બેટથી એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી. આ ટૂર્નામેન્ટમાં ત્રિશા ટીમ ઈન્ડિયા માટે બેટથી સૌથી મોટી મેચ વિનર સાબિત થઈ, તે ટૂર્નામેન્ટમાં 300થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી.
ત્રિશાએ શ્વેતા સહરાવતનો રેકોર્ડ તોડ્યો
ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં, એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ગોંગડી ત્રિશાના નામે નોંધાયો છે. ત્રિશાએ ટૂર્નામેન્ટમાં 7 મેચમાં બેટિંગ કરી અને 77.25ની એવરેજથી 309 રન બનાવ્યા છે. આ કિસ્સામાં, ત્રિશાએ ટીમ ઈન્ડિયાની જ ખેલાડી શ્વેતા સહરાવતનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2023માં આયોજિત ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં 7 ઈનિંગ્સમાં 99ની એવરેજથી કુલ 297 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ત્રિશાના બેટમાંથી સદીની ઈનિંગ પણ જોવા મળી હતી, જ્યારે તે 3 ઈનિંગમાં અણનમ રહીને પવેલિયન પરત ફરવામાં સફળ રહી હતી. ફાઈનલ મેચમાં પણ ત્રિશાના બેટથી 33 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ જોવા મળી. આ સાથે ત્રિશાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં, એક જ આવૃત્તિમાં 300થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
વૈષ્ણવી વર્માએ સૌથી વધુ 17 વિકેટ લીધી
ટીમ ઈન્ડિયાની લેફ્ટ આર્મ સ્પિનર વૈષ્ણવી શર્માએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 6 મેચમાં 4.35ની એવરેજથી કુલ 17 વિકેટ લીધી છે. વૈષ્ણવી હવે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે સેમીફાઈનલ મેચમાં જ મેગી ક્લાર્કનો 12 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.






