ફાઈનલ જીતવા છતાં ભારત પાસે નહીં રહે વર્લ્ડ કપ, ICCના આ નિયમને કારણે પાછી લઈ લેવાશે ટ્રોફી

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો. ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય ટીમે પહેલીવાર ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ઉજવણીમાં જોવા મળેલી મૂળ ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે, કારણ કે ICCનો એક ખાસ નિયમ છે, જેના કારણે આ ટ્રોફી પાછી લઈ લેવામાં આવશે.
ICCનો 26 વર્ષ જૂનો નિયમ
અહેવાલો અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા લગભગ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવવામાં આવ્યા હતો. જે મુજબ વિજેતા ટીમને મૂળ ટ્રોફી કાયમી ધોરણે નથી આપવામાં આવતી. વિજેતા ટીમને માત્ર ફોટોશૂટ અને વિક્ટ્રી પરેડ માટે જ મૂળ ટ્રોફી આપવામાં આવે છે. ત્યારબાદ ટ્રોફી ICCના દુબઈ હેડક્વાર્ટરમાં પરત કરવામાં આવે છે. આ નિયમ ટ્રોફીને ચોરી અથવા નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. વિજેતા ટીમને પાછળથી એક રેપ્લિકા ટ્રોફી (પ્રતિકૃતિ) રજૂ કરવામાં આવે છે, જે મૂળ ટ્રોફી જેવી જ હોય છે અને તે કાયમી ધોરણે તેમની પાસે રહે છે.
વિમેન્સ વર્લ્ડ કપ 2025 ટ્રોફીની વિશેષતા
વિમેન્સ વર્લ્ડ કપ 2025 ટ્રોફીનું વજન આશરે 11 કિલો છે અને તેની ઊંચાઈ આશરે 60 સેમી છે. તે સોના અને ચાંદીથી બનેલી છે. ટ્રોફીમાં ત્રણ ચાંદીના કોલમ સ્ટમ્પ અને ટોચ પર સોનાનો ગોળો છે. ટ્રોફી પર અત્યાર સુધીની બધી વિજેતા ટીમોના નામ કોતરેલા છે. આ વર્ષે ભારતનું નામ પહેલીવાર ટ્રોફી પર સમાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી રમાયેલી 13 વિમેન્સ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ 7 વખત, ઈંગ્લેન્ડે 4 વખત, ન્યુઝીલેન્ડ અને ભારતે 1-1 વખત ટાઈટલ જીત્યું છે.
ભારતે ઈતિહાસ રચ્યો
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં, ભારતે પહેલા બેટિંગ કરીને 298 રન બનાવ્યા. જવાબમાં સાઉથ આફ્રિકા ફક્ત 246 રન જ બનાવી શક્યું. ભારત તરફથી, શેફાલી વર્માએ 87 રનની શાનદાર ઈનિંગ રમી અને બે વિકેટ લીધી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 58 રન બનાવ્યા અને પાંચ વિકેટ લીધી હતી. તેણે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 215 રન બનાવ્યા અને 22 વિકેટ લીધી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.

