વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતનો ભાવુક વીડિયો વાયરલ, પૂર્વ ખેલાડીઓનું સન્માન કર્યુ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, 2025) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો હતો. આ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ કરી.
ભાવુક વીડિયો વાયરલ
વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી મેળવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી હતી. આ ઉજવણીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેના સાથી ખેલાડીઓ ડ્રેસિંગ રૂમની બહાર પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓનું સન્માન કરતા જોવા મળ્યા હતા.
હું માફી માંગુ છું: હરમનપ્રીત કૌર
હરમનપ્રીત કૌરે આ ટ્રોફી અંજુમ ચોપરા, મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી પૂર્વ ખેલાડીઓને અર્પણ કરી હતી. આ યાદગાર ક્ષણે હરમનપ્રીત કૌરે મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીને ભેટીને ભાવુક અંદાજમાં કહ્યું, 'દીદી, આ તમારા માટે છે.' આ દરમિયાન ભારતીય કેપ્ટને એક ખાસ માફી પણ માંગી. તેણે કહ્યું કે, 'ગઈ વખતે તમારા માટે વર્લ્ડ કપ ન જીતી શક્યા તે બદલ હું માફી માંગુ છું.'

આ પળોએ ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા હતા, કારણ કે આ પૂર્વ ખેલાડીઓ લાંબા સમયથી ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું સપનું જોતા હતા અને તે તેમના નિવૃત્તિ પછી તે સાકાર થયું. ટીમની આ ઉજવણીએ પૂર્વ અને વર્તમાન પેઢી વચ્ચેના મજબૂત બંધનને દર્શાવ્યું હતું.

