IND vs AUS / ચોથી T20I પહેલા બંને ટીમમાં થયા ફેરફાર, આ ખેલાડીઓ નહીં રમે બાકીની બે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ ચાલી રહી છે. પાંચ મેચની સિરીઝના ત્રણ મેચ રમાઈ ચૂક્યા છે અને બે બાકી છે. બંને ટીમોએ 1-1 મેચ જીતી છે અને સિરીઝહાલમાં બરાબરી પર છે. દરમિયાન, આગામી મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. આ મેચ પહેલા ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ બાકીની મેચોમાંથી તેના કેટલાક ખેલાડીઓને બહાર કર્યા છે. કારણ કે તેઓ બીજી મેચ રમવા જવાના છે.
ટ્રેવિસ હેડ ભારત સામે આગામી મેચમાં નહીં રમે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રણ મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતી હતી. જ્યારે ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને તે મેચ જીતી લીધી, એટલે કે સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. ગુરુવારે રમાનારી ચોથી મેચ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, એવું સામે આવ્યું છે કે ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ આગામી મેચ નહીં રમે. હેડ ઉપરાંત, સીન એબોટને પણ આગામી મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝ માટે તૈયારી કરી રહી છે
એવા અહેવાલ આવ્યા છે કે ટ્રેવિસ હેડ ભારત સામેની T20 સિરીઝ છોડીને હવે શેફિલ્ડ શીલ્ડના આગામી રાઉન્ડમાં રમશે. તે આ ટુર્નામેન્ટમાં સાઉથ ઓસ્ટ્રેલિયા માટે રમે છે. આ મહિનાના અંતમાં ઈંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝ માટે ખેલાડીઓનો વર્કલોડ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યો છે. એશિઝ ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી સિરીઝ માનવામાં આવે છે. દરમિયાન, એવા સમાચાર છે કે બેન દ્વારશુઈસ બાકીની બે મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પાછો ફરશે.
કુલદીપ યાદવને ભારતની ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો
બાકીની બે મેચ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે નક્કી કરશે કે કઈ ટીમ સિરીઝ પોતાના નામે કરશે. જે પણ ટીમ ચોથી મેચ જીતશે તે સિરીઝ નહીં હારે તે નક્કી છે, કારણ કે હાલમાં સિરીઝ બરાબરી પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તો બીજી તરફકુલદીપ યાદવને પણ ભારત પરત મોકલવામાં આવ્યો છે. આ મહિનાની 14મી તારીખથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. તે પહેલા, ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે બીજી અનઓફિશિયલ ટેસ્ટ રમાશે. એવું માનવામાં આવે છે કે કુલદીપ યાદવ ટેસ્ટની પ્રેક્ટિસ કરવા માટે ઈન્ડિયા- A માટે આગામી મેચ રમી શકે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

