ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, કેપ્ટન બેન સ્ટોક્સ સહિત 4 ખેલાડી 5મી ટેસ્ટ નહીં રમે

ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ભારત સામેની 5મી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થયો છે. સ્ટોક્સના ખભામાં ઈજા છે. જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ ઓવલમાં 31 જુલાઈ ગુરુવારથી શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડ માટે આ મોટા ઝટકા સમાન છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ હાલ 2-1થી આગળ છે. છેલ્લી ફાઈનલ ટેસ્ટ મેચ હોવાથી તેની ગેરહાજરી ટીમ માટે ફટકા સમાન છે.
પાંચમી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. યજમાન ટીમે પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. સ્ટોક્સ જમણા ખભાની ઈજાને કારણે રમશે નહીં, જ્યારે સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ પણ છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.
ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ મેચ માટે જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે, જે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટન ઉપરાંત નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટોંગનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની શ્રેણીમાં યજમાન ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડ છેલ્લી ટેસ્ટ જીતવા સાથે શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે ભારત ભારત છેલ્લી ટેસ્ટ જીતીને શ્રેણી બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જૈક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને પણ એક મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ નહીં રમે. બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પહેલા સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ ઈજાને કારણે પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે ભારતે આ બે અનુભવી ખેલાડીઓ વિના છેલ્લી ટેસ્ટ મેચ રમવી પડશે.
BCCI મેડિકલ ટીમે વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેને પાંચમી ટેસ્ટમાં આરામ કરવાની સલાહ આપી છે. મેડિકલ ટીમનું માનવું છે કે જો ભવિષ્યમાં લાંબા સમય સુધી ફિટ રહેવું હોય તો બુમરાહના વર્કલોડ મેનેજ કરવો ખૂબ જ જરૂરી છે. શ્રેણી પહેલા પણ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે બુમરાહ આ શ્રેણીમાં ફક્ત ત્રણ ટેસ્ટ રમશે અને કંઈક આવું જ થયું.
ઇંગ્લેન્ડ શ્રેણીમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન રહ્યું હતું શાનદાર
જસપ્રીત બુમરાહએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આ શ્રેણીમાં મોહમ્મદ સિરાજ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બંને બોલરોએ અત્યાર સુધીમાં 14 વિકેટ લીધી છે. તેમજ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે શ્રેણીમાં 17 વિકેટ લીધી છે.

