કેપ્ટન રજત પાટીદારે વધુ એક મોટું ટાઈટલ જીત્યું, 11 વર્ષ પછી આ ટીમને બનાવી દુલીપ ટ્રોફી ચેમ્પિયન

રજત પાટીદારે આ વર્ષે પહેલીવાર RCBને IPL ચેમ્પિયન બનાવ્યું. રજત પાટીદારની કેપ્ટનશિપમાં RCBનો 18 વર્ષનો ટાઈટલનો દુકાળ સમાપ્ત થયો. હવે પાટીદારે તેની કેપ્ટનશિપમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પાટીદારે કેપ્ટન તરીકે વધુ એક મોટું ટાઈટલ જીત્યું છે.
સેન્ટ્રલ ઝોને દુલીપ ટ્રોફી 2025નો ટાઇટલ જીત્યો છે. આ ટીમનો કેપ્ટન રજત પાટીદાર હતો. સેન્ટ્રલ ઝોને ફાઈનલમાં સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવીને 7મી વખત દુલીપ ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. અગાઉ, ટીમ 1971-72, 1996-97, 2004-05 અને 2014-15માં ચેમ્પિયન બની હતી. જ્યારે 1997-98માં, સેન્ટ્રલ ઝોને વેસ્ટ ઝોન સાથે દુલીપ ટ્રોફીનું ટાઈટલ શેર કર્યું હતું.
યશ રાઠોડ બેવડી સદી ચૂકી ગયો
સેન્ટ્રલ ઝોનને ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન રજત પાટીદાર અને યશ રાઠોડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાઉથ ઝોનના 149 રનના જવાબમાં, સેન્ટ્રલ ઝોને પ્રથમ ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા હતા. પાટીદારે પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, યશ રાઠોડે 194 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સારાંશ જૈન (69) અને દાનિશ માલેવર (53) એ અડધી સદી ફટકારી હતી. આ રીતે, સેન્ટ્રલ ઝોન પ્રથમ ઈનિંગમાં સ્કોરબોર્ડ પર 511 રન બનાવવામાં સફળ રહ્યું હતું.
બીજી ઈનિંગમાં, સાઉથ ઝોને શાનદાર વાપસી કરી અને 426 રન બનાવ્યા. આ રીતે, સેન્ટ્રલ ઝોનને જીતવા માટે 65 રનનો ટાર્ગેટ મળ્યો, જે તેણે પાંચમા દિવસે 4 વિકેટ ગુમાવીને 21મી ઓવરમાં હાંસલ કર્યો. યશ રાઠોડને 194 રનની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો જ્યારે સારાંશ જૈન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો.
કેપ્ટને ખુશી વ્યક્ત કરી
દુલીપ ટ્રોફીનું ટાઈટલ જીત્યા બાદ, કેપ્ટન રજત પાટીદારે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, "દરેક કેપ્ટનને ટ્રોફી ગમે છે. ટીમમાં ઘણા ખેલાડીઓ છે જેમણે માત્ર ફાઈનલમાં જ નહીં પરંતુ છેલ્લી બે મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પિચ બેટિંગ માટે યોગ્ય હતી, અમારા બોલર્સે દબદબો બનાવ્યો. વિકેટ થોડી સૂકી હતી, તેથી અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અમારું લક્ષ્ય પ્રથમ ઈનિંગમાં શક્ય તેટલી વહેલી તકે તેમને આઉટ કરવાનો હતો. અમને અપેક્ષા હતી કે ફાસ્ટ બોલર્સને મદદ મળશે, પરંતુ બોલર્સ કેવું પ્રદર્શન કરી રહ્યા છે તે જોવા માટે મારે સ્પિનરને ઓવર આપવી પડી. સ્પિનર્સને વધુ મદદ મળી."

