સૌથી લાંબી ODI કારકિર્દી... 40 વર્ષની ઉંમરે બ્રેન્ડન ટેલરે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ

હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ક્રિકેટ ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ સ્થાપિત થયો. ઝિમ્બાબ્વેના 40 વર્ષીય બેટિંગ દિગ્ગજ, બ્રેન્ડન ટેલરે મેદાનમાં જ ઉતરતાની સાથે જ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો સૌથી લાંબી ODI કારકિર્દીનો રેકોર્ડ તોડ્યો. ટેલરની ODI કારકિર્દી હવે 22 વર્ષ અને 148 દિવસ સુધી પહોંચી ગઈ છે, જેનાથી તે પુરુષોના ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી એક્ટિવ રહેનાર ખેલાડી બની ગયો છે.
બુલાવાયો 2004થી હરારે 2026
સચિન તેંડુલકરે 22 વર્ષ અને 91 દિવસ સુધી ODI કારકિર્દીમાં રમવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ટેલરે આ સીમાચિહ્નને 22 વર્ષ અને 4 મહિનાથી વધુ સમય સાથે પાર કર્યો હતો. ટેલરે 2004માં શ્રીલંકા સામે બુલાવાયોમાં માત્ર 18 વર્ષની ઉંમરે ODIમાં ડેબ્યૂ કર્યું હતું. આજે 40 વર્ષની ઉંમરે, તેણે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરીને 22 વર્ષ અને 148 દિવસની સફર પૂર્ણ કરી.
ટેલરની સફર સરળ નહતી. તેણે 2021માં નિવૃત્તિ લીધી અને ત્યારબાદ ICC તરફથી સાડા ત્રણ વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો. બધી મુશ્કેલીઓને પાર કરીને, તે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો અને હવે ઈતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કરી લીધું છે. ઝિમ્બાબ્વે માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ 11 સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે
મેદાન પર ચીતા જેવી ચપળતા
40 વર્ષની ઉંમરે પણ, બ્રેન્ડન ટેલરની ફિટનેસ અને રિફ્લેક્સ ઉત્કૃષ્ટ હતા. તેણે ઓસ્ટ્રેલિયાના ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ ઈંગ્લિસને આઉટ કરવા માટે એક અદ્ભુત ડાઈવિંગ કેચ લીધો. તેના કેચે હરારેમાં ફેન્સને રોમાંચિત કર્યા અને સાબિત કર્યું કે તે ફક્ત રેકોર્ડ માટે જ નહીં પરંતુ ટીમના સૌથી અસરકારક ખેલાડી તરીકે ત્યાં છે.

