ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે પોતાનું મૌન તોડ્યું, કહ્યું- 'હવે તે સમય ગયો...'

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને સતત બે IPL ટાઈટલ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ભારતીય ટીમમાં વાપસીની માંગણીઓ તેજ થઈ ગઈ છે.
36 વર્ષીય અનુભવી બોલર જેણે છેલ્લે 2022માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે પણ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભુવનેશ્વરે IPL 2025માં 17 વિકેટ અને IPL 2026માં 28 વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમારે શું કહ્યું?
ભુવનેશ્વર કુમારે જતીન સપ્રુની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, "હું કંઈપણ સાબિત કરવા માટે નથી રમી રહ્યો. પરંતુ હું ફરીથી ભારત માટે રમવામાં ખુશ થઈશ. હવે અ સમય જતો રહ્યો, જ્યારે હું આગામી સિરીઝની રાહ જોતો હતો."
ભુવનેશ્વરે કહ્યું કે તેને શરૂઆતમાં ભારતીય ટીમમાં વાપસી અંગે ફોન આવ્યા હતા, જેનાથી તેને આશા હતી કે તેને આગામી સિરીઝમાં તક મળી શકે છે. જોકે, તેને પાછળથી ખ્યાલ આવ્યો કે આ એવું નથી. જ્યારે રાષ્ટ્રીય ટીમમાં વાપસી દૂર જણાતી હતી, ત્યારે ભુવનેશ્વરના પરિવારે તેને પરિસ્થિતિ સમજવામાં મદદ કરી.
પરિવારે મુખ્ય ભૂમિકા ભજવી
ફાસ્ટ બોલરે કહ્યું, "જ્યારે મને મારા વાપસી અંગે ફોન આવ્યો, ત્યારે મેં વિચાર્યું કે તેઓએ કહ્યું છે તો મને આગામી સિરીઝ માટે બોલાવવામાં આવશે. પરંતુ પછી મને સમજાયું કે તે તેઓ જે કહી રહ્યા હતા તેવું નહતું. હું દુઃખી નહતો કારણ કે મને ખબર હતી કે તે થઈ રહ્યું છે અને હું તેને સમજી ગયો. તે સરળ નહતું, પરંતુ મારા પરિવારે મોટી ભૂમિકા ભજવી હતી."
ભુવનેશ્વરની કારકિર્દી
ભુવનેશ્વર કુમારે છેલ્લે નવેમ્બર 2022માં T20I ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયે ભારતીય ટીમની સફર T20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં સમાપ્ત થઈ હતી. કુમારે 229 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેણે 29.50ની એવરેજથી 294 વિકેટ લીધી હતી.

