IND W vs AUS W / બેથ મૂનીએ ઉડાવ્યા ભારતીય બોલર્સના હોશ, 57 બોલમાં ફટકારી સદી
ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા બેટ્સમેન બેથ મૂનીએ શનિવારે ભારત સામેની ત્રીજી અને છેલ્લી ODIમાં ધમા

ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા બેટ્સમેન બેથ મૂનીએ શનિવારે ભારત સામેની ત્રીજી અને છેલ્લી ODIમાં ધમાકેદાર સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. લેફટી બેટ્સમેને માત્ર 57 બોલમાં તેના ODI કારકિર્દીની ચોથી સદી ફટકારી. મૂની 75 બોલમાં 138 રન બનાવ્યા બાદ રન આઉટ થઈ ગઈ, તેની આ ઈનિંગમાં 23 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
બેથ મૂની વર્લ્ડ અને ઓસ્ટ્રેલિયા માટે સંયુક્ત રીતે ODI બીજી સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા બેટ્સમેન બની ગઈ છે. તેણે કરેન રોલ્ટનની બરાબરી કરી છે, જેણે વર્ષ 2000માં લિંકનમાં સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ સામે 57 બોલમાં સદી ફટકારી છે.
મેગ લેનિંગના નામે છે વર્લ્ડ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગ વિશ્વની સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ ધરાવે છે. મેગ લેનિંગે 2012માં નોર્થ સિડની ઓવલ ખાતે ન્યુઝીલેન્ડ વિમેન્સ ટીમ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી.
ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન સૌથી ઝડપી ODI સદી ફટકારવાની યાદીમાં ત્રીજા સ્થાને છે. ડિવાઈને 2018માં ડબલિનમાં આયર્લેન્ડ સામે 59 બોલમાં સદી ફટકારી હતી.
વિમેન્સ ODIમાં સૌથી ઝડપી સદી
- 45 - મેગ લેનિંગ vs ન્યુઝીલેન્ડ, નોર્થ સિડની ઓવલ, 2012
- 57 - કરેન રોલ્ટન vs દક્ષિણ આફ્રિકા, લિંકન, 2000
- 57 - બેથ મૂની vs ભારત, દિલ્હી, 2025
- 59 - સોફી ડિવાઇન vs આયર્લેન્ડ, ડબલિન, 2018
- 60 - ચમારી અટાપટ્ટુ vs ન્યુઝીલેન્ડ, ગેલ, 2023
સૌથી ઝડપી અડધી સદી
બેથ મૂનીએ તેની આક્રમક બેટિંગથી ભારતીય બોલર્સના હોશ ઉડાવી દીધા. તેણે માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. મૂની ભારત સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન મહિલા બેટ્સમેન બની. મૂનીએ તેના પહેલા 50 રન ફક્ત 31 બોલમાં પૂરા કર્યા અને પછીના 50 રન ફક્ત 26 બોલમાં પૂરા કર્યા. તેની સદીમાં મૂનીએ 23 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
પેરી સાથે પાર્ટનરશિપ
બેથ મૂની મેચમાં ચોથા નંબરે બેટિંગ કરવા આવી. તેણે એલિસ પેરી (68) સાથે ત્રીજી વિકેટ માટે 106 રનની પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપ ત્યારે તૂટી ગઈ જ્યારે પેરી રેણુકાના બોલ પર રાધા યાદવના હાથે કેચ આઉટ થઈ ગઈ. પેરીના આઉટ થયા પછી, મૂનીએ એશ્લે ગાર્ડનર (39) સાથે ચોથી વિકેટ માટે 82 રન ઉમેર્યા હતા.








