Asia Cup 2025 / સુપર-4માં પાકિસ્તાન સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, બુમરાહ કરશે ટીમમાં વાપસી!

ભારત અને પાકિસ્તાન બંને T20 એશિયા કપ 2025ના સુપર-4માં પહોંચી ગયા છે, હવે બંને વચ્ચે ટુર્નામેન્ટની બીજી મેચ 21 સપ્ટેમ્બરે રમાશે. છેલ્લી વખત જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે ભારતે મેચ 7 વિકેટથી જીતી હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમ અસાધારણ પ્રદર્શન કરી રહી છે, તેણે ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ જીતી લીધી છે. તેથી, ભારતીય ટીમ પાકિસ્તાન સામે સુપર-4ની શરૂઆત જીત સાથે કરવા માંગશે.
અભિષેક અને ગિલ ઈનિંગ ઓપન કરી શકે છે
અત્યાર સુધી, શુભમન ગિલ અને અભિષેક શર્મા એશિયા કપ 2025માં ભારતીય ટીમ માટે ઈનિંગ ઓપન કરી છે. આ બંને ખેલાડીઓને વધુ એકવાર તક મળી શકે છે. અભિષેક તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેણે વર્તમાન ટુર્નામેન્ટની ત્રણ મેચમાં 225ની સ્ટ્રાઇક રેટથી કુલ 99 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે. સંજુ સેમસન ત્રીજા નંબર પર ઉતરી શકે છે. સંજુએ ઓમાન સામેની મેચમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને પોતાની રમતથી ભારતીય ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. ઓમાન સામેની મેચમાં તેણે બેટિંગ નહતી કરી. તિલક વર્મા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. તિલક વર્મા, એકવાર ક્રીઝ પર સ્થિર થઈ જાય, પછી મોટી ઇનિંગ રમી શકે છે. હાર્દિક પંડ્યાને છઠ્ઠા નંબર પર તક મળી શકે છે. શિવમ દુબે અને અક્ષર પટેલને ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. અક્ષર ઓમાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે જણાવ્યું છે કે તે હાલમાં સ્વસ્થ છે.
જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરી શકે છે
ઓમાન સામેની મેચ અબુ ધાબીમાં રમાઈ હતી, અને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. તે સમયે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને તક આપવામાં આવી હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 મેચ દુબઈના મેદાન પર રમાશે. આ મેદાન પર સ્પિનર્સને મદદ મળે છે. તેથી, અર્શદીપ અને હર્ષિતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી પાછા આવી શકે છે.
પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.

