અર્શદીપ સિંહે T20Iમાં પૂર્ણ કરી ખાસ સદી, આ કારનામું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025ના પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં ઓમાનને 21 રનથી હરાવ્યું. ઓમાને મેચમાં ભારતને કઠિન મુકાબલો આપ્યો. જોકે, અંતે ભારતને જીત મળી. પહેલા બેટિંગ કરતા ભારતે 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાન ફક્ત 167 રન જ બનાવી શક્યું.
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચમાં વિકેટ લઈને એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. અર્શદીપ સિંહ એશિયા કપ 2025માં પહેલી મેચ રમી રહ્યો હતો. તેણે ઓમાન સામેની મેચની 20મી ઓવરમાં વિનાયક શુક્લાની વિકેટ લીધી, અને તેની 100 T20I વિકેટ પૂર્ણ કરી.
ભારત માટે સૌથી વધુ T20I વિકેટ લેનારા બોલર્સ
- અર્શદીપ સિંહ - 100
- યુજવેન્દ્ર ચહલ - 96
- હાર્દિક પંડ્યા - 96
- જસપ્રીત બુમરાહ - 92
- ભુવનેશ્વર કુમાર - 90
પ્રથમ ઝડપી બોલર બન્યો
અર્શદીપ T20I ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. આ પહેલા કોઈ ભારતીયે આ સિદ્ધિ નહતી મેળવી. તે સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર પણ બન્યો. રાશિદ ખાન 100 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર છે.
100 T20I વિકેટ સુધી પહોંચવા માટે સૌથી ઓછી મેચો (ફૂલ મેમ્બર ટીમો)
- 53 - રાશિદ ખાન
- 63 - વાનિન્દુ હસરંગા
- 64 - અર્શદીપ સિંહ
- 71 - હારિસ રઉફ
- 72 - માર્ક અડાયર
2022માં કર્યું હતું ડેબ્યુ
નોંધનીય છે કે અર્શદીપ સિંહે 2022માં ભારતીય ટીમ માટે T20I ડેબ્યુ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય બોલિંગ એટેકમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 64 T20I મેચ રમી છે, આ સમયગાળા દરમિયાન કુલ 100 વિકેટ લીધી છે. 9 રન આપીને 4 વિકેટ લેવી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

