બ્લડ કેન્સરથી પીડિત અંશુમન ગાયકવાડની મદદ માટે BCCIએ હાથ લંબાવ્યો, પૂર્વ ક્રિકેટરને કરશે 1 કરોડ રૂપિયાની સહાય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આખરે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડની મદદ માટે આગળ આવ્યું છ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આખરે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડની મદદ માટે આગળ આવ્યું છે. BCCIએ અંશુમન ગાયકવાડ માટે 1 કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડ્યું છે. પૂર્વ ક્રિકેટર બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે અંશુમન ગાયકવાડનો મુદ્દો ઉઠાવ્યો હતો. BCCI સેક્રેટરીએ આ અંગે નિર્ણય લીધો અને ટૂંક સમયમાં અંશુમન ગાયકવાડની મદદ માટે ભંડોળ બહાર પાડવામાં આવ્યું હતું.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, BCCIની એપેક્સ કાઉન્સિલે કહ્યું છે કે, "BCCI સેક્રેટરી જય શાહે BCCIને કેન્સર સામે લડી રહેલા ભારતના દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડને નાણાકીય સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક અસરથી 1 કરોડ રૂપિયા રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જય શાહે ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરી હતી. પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મદદ કરી."
પૂર્વ કેપ્ટન કપિલ દેવને ખબર પડી કે તેની ટીમના સાથી અંશુમન બ્લડ કેન્સરથી પીડિત છે, તેમણે તેમના અન્ય સાથી ખેલાડીઓને તેમની મદદ કરવા કહ્યું. તેમણે BCCIને એવી સિસ્ટમ બનાવવા માટે પણ કહ્યું કે જેથી કરીને ભૂતપૂર્વ ખેલાડીઓને આવા સંકટના સમયમાં મદદ કરી શકાય, કારણ કે આજના ક્રિકેટરો પાસે અઢળક પૈસા છે, પરંતુ જ્યારે કપિલ દેવ, સંદીપ પાટીલ, સુનીલ ગાવસ્કર અને અન્ય મહાન ક્રિકેટરો રમતા હતા, ત્યારે ન તો તેમની પાસે પૈસા હતા કે ન બોર્ડ પાસે પૈસા હતા.
કપિલ દેવે કહ્યું હતું કે, 'એક એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેમાં ભૂતપૂર્વ ક્રિકેટરો પણ થોડો ફાળો આપે, જેથી અન્ય કોઈ ક્રિકેટરને પૈસાને લઈને કોઈ સમસ્યા ન થાય.' કપિલ દેવ તેમનું પેન્શન પણ દાન કરવા તૈયાર હતા. જો કે, હવે BCCIએ મદદ કરી છે, પરંતુ બોર્ડે કપિલ દેવની વાત પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો ગરીબીનું જીવન જીવી રહ્યા છે.






