Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Bad news comes amid FIFA World Cup, footballer dies in Israeli firing; The marriage took place 5 months ago

FIFA વર્લ્ડ કપ વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, ઈઝરાયલના ગોળીબારમાં ફૂટબોલરનું મોત; 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
FIFA વર્લ્ડ કપ વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, ઈઝરાયલના ગોળીબારમાં ફૂટબોલરનું મોત; 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન
સોર્સ : gstv

વર્તમાન સમયમાં ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) ની ધૂમ મચેલી છે. 48 ટીમો વચ્ચે ત્રણ દેશો કેનેડા, મેક્સિકો અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આનું આયોજન થઈ રહ્યું છે. ગ્રુપ સ્ટેજ પછી રાઉન્ડ ઓફ 32ની મેચો ચાલી રહી છે. આ દરમિયાન ફૂટબોલ જગતમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. પેલેસ્ટાઈનના 32 વર્ષના સ્ટાર ફૂટબોલર અને ગોલકીપર સલીમ ખાદર અલ-અશ્કરનું ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સેના (IDF) ની ગોળી વાગવાથી મોત થયું છે. પેલેસ્ટાઈન ફૂટબોલ સંઘ (PFA) એ 29 જૂનના રોજ આ દુ:ખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

App Store

પેલેસ્ટાઈન ફૂટબોલ સંઘ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ અકસ્માત ખાન યુનિસના ઉત્તર-પૂર્વમાં આવેલા અલ-કરારા નગરમાં થયો હતો, જ્યાં સલીમ ઈઝરાયલી ગોળીબારનો ભોગ બન્યા હતા. સલીમ ખાદર અલ-અશ્કર (Saleem Al-Ashqar) આ જ વિસ્તારમાં હાજર હતા, જ્યારે તેમને ઈઝરાયલી સેનાની ગોળીનો શિકાર બનવું પડ્યું હતું. સંઘે તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

5 મહિના પહેલાં જ થયા હતા લગ્ન

સલીમના લગ્ન માત્ર 5 મહિના પહેલાં જ થયા હતા. તેમના પત્ની હાલ ગર્ભવતી છે, અને પોતાના પ્રથમ બાળકની આશા રાખી રહ્યા છે. સલીમ પોતાના પ્રથમ બાળકનો ચહેરો જોયા વગર જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. એટલું જ નહીં, તે પોતાના પરિવારમાં માતા-પિતાના ઘડપણનો એકમાત્ર સહારો અને 7 બહેનોના એકના એક ભાઈ હતા. તેમના જવાથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

કેવું રહ્યું સલીમ અલ-અશ્કરનું ફૂટબોલ કરિયર

સલીમ અલ-અશ્કર ગાઝા પટ્ટીના સ્થાનિક ફૂટબોલ સર્કિટનું એક જાણીતું નામ હતા. તેમણે પોતાના કરિયરમાં ગાઝા સ્ટ્રિપના 3 અગ્રણી ક્લબોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં અલ-અક્સા સ્પોર્ટ્સ ક્લબ અને અલ-મસ્દર સ્પોર્ટ્સ ક્લબ સામેલ છે. પોતાના મોત પહેલાં તે ખદામત ખાન યુનિસ ક્લબ માટે રમી રહ્યા હતા. ઓક્ટોબર 2023માં શરૂ થયેલા યુદ્ધના કારણે અન્ય ઘણા સ્થાનિક એથ્લેટ્સની જેમ તેમનું વ્યાવસાયિક કરિયર પણ અચાનક થંભી ગયું હતું, અને હવે તેમને જીવ ગુમાવવો પડ્યો છે. તેમના મોત પર ચિલીના ફૂટબોલ ક્લબ ડેપોર્ટિવો પેલેસ્ટિનો (Deportivo Palestino) એ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

1,000થી વધુ પેલેસ્ટાઈન એથ્લેટ્સ અને કોચના મોત

ઓક્ટોબર 2023થી ચાલી રહેલા આ સંઘર્ષમાં પેલેસ્ટાઈન રમત જગતને ન પૂરી શકાય તેવું નુકસાન વેઠવું પડ્યું છે. પેલેસ્ટાઈન ફૂટબોલ સંઘ (PFA) ના આંકડા અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધી 1,000 થી વધુ પેલેસ્ટાઈન એથ્લેટ્સ અને સેંકડો કોચ, રેફરી તથા રમતગમતના અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. પેલેસ્ટાઈન ઓલિમ્પિક સમિતિના ઉપાધ્યક્ષ અસદ અલ-મજદલાવીએ ફેબ્રુઆરી 2026માં જણાવ્યું હતું કે, જીવ ગુમાવનારા રમત જગતના લોકોમાં 45 મહિલાઓ પણ સામેલ હતી. આ સિવાય, ગાઝા સ્ટ્રિપમાં 265 રમત-ગમતની સુવિધાઓ (સ્પોર્ટ્સ ફેસિલિટીઝ) ને નુકસાન પહોંચ્યું છે, જેમાંથી 184 સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી છે.