VIDEO: FIFA 2026 / પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આવ્યા દુઃખદ સમાચાર, આ ટીમના કોચના પિતાનું નિધન થયું
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે ડેમોક્રેટિક રીપબ્લિકન ઓફ ધ કોંગોના હેડ કોચ સેબેસ્ટિયન ડેસાબ્રે પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 1 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે રમાયેલી રાઉન્ડ ઓફ 32ની રોમાંચક મેચમાં તેની ટીમને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય બાદ જ્યારે તે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યો હતો, ત્યારે જ તેને માહિતી મળી કે તેના પિતાનું અવસાન થયું છે. આ દર્દનાક સમાચાર સાંભળતા જ સેબેસ્ટિયન ડેસાબ્રે સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ રૂમ છોડતા પહેલાં સૌનો આભાર માન્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોચ ડેસાબ્રે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યારે જ એક અધિકારીએ તેની પાસે આવીને ફ્રેન્ચ ભાષામાં તેના પિતાના નિધનની માહિતી આપી હતી. આ અણધાર્યા સમાચાર મળતા જ પ્રેસ કોન્ફરન્સ હોલનો માહોલ સંપૂર્ણપણે ગમગીન થઈ ગયો હતો. અધિકારીએ તાત્કાલિક સંવેદના વ્યક્ત કરી અને જાહેરાત કરી કે આ વાતચીત અહીં જ સમાપ્ત કરવામાં આવે છે. શરૂઆતમાં કોચ ડેસાબ્રેને આ વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ સત્ય સમજાતા જ તેણે ધીમેથી 'થેન્ક યૂ' કહ્યું અને તરત જ ત્યાંથી ઊભા થઈને બહાર નીકળી ગયો હતો.
ડેમોક્રેટિક રીપબ્લિકન ઓફ ધ કોંગોના પ્રદર્શનથી જીત્યા દિલ
ઈંગ્લેન્ડ સામેની મેચમાં હાર સાથે ડેમોક્રેટિક રીપબ્લિકન ઓફ ધ કોંગોની વર્લ્ડ કપની સફર ભલે સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ આ આખી ટુર્નામેન્ટમાં ટીમે જે પ્રકારે લડત આપી તેણે વિશ્વભરના ફૂટબોલ ફેન્સના દિલ જીતી લીધા છે. કોચ સેબેસ્ટિયન ડેસાબ્રેના માર્ગદર્શનના પણ ભારે વખાણ થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ કોંગોની ટીમ 73મી મિનિટ સુધી 1-0થી આગળ ચાલી રહી હતી અને અપસેટ સર્જવાની નજીક હતી. પરંતુ ઈંગ્લિશ કેપ્ટન હેરી કેને માત્ર 10 મિનિટની અંદર 2 બેક-ટુ-બેક ગોલ ફટકારીને આખી મેચનો પાસો પલટી નાખ્યો હતો.
આ દુઃખદ અંત હોવા છતાં, કોચ ડેસાબ્રેએ કોંગો દેશને વર્ષ 1974 પછી પહેલીવાર વર્લ્ડ કપ સુધી પહોંચાડીને એક ઐતિહાસિક સિદ્ધિ અપાવી છે. તેની આગેવાની હેઠળ કોંગોની નેશનલ ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાનો પહેલો ગોલ કર્યો, પ્રથમ જીત નોંધાવી અને વર્ષ 2026માં નોકઆઉટ સ્ટેજમાં પહોંચીને નવો ઈતિહાસ રચ્યો છે.
હાર બાદ કોચ ડેસાબ્રેનું નિવેદન
પિતાના નિધનના સમાચાર મળતા પહેલા હાર અંગે વાત કરતા કોચ ડેસાબ્રેએ જણાવ્યું હતું કે, "ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું પરંતુ મેદાન પર અનુભવની કમી સ્પષ્ટપણે જોવા મળી હતી. ખેલાડીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ અંતિમ ક્ષણોમાં કેટલીક તકો ગુમાવવી અમને ભારે પડી ગઈ. અમે આ પરિણામથી નિરાશ છીએ કારણ કે અમને પૂરો ભરોસો હતો કે અમે આગળ વધી શકીશું. અમે શાનદાર ફૂટબોલ રમ્યા, પરંતુ દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક હેરી કેને એ તકનો ફાયદો ઉઠાવી લીધો. તેમ છતાં, મને મારા ખેલાડીઓ પર ગર્વ છે."
તેણે વધુમાં ઉમેર્યું કે, ડેમોક્રેટિક રીપબ્લિકન ઓફ ધ કોંગોમાં ફૂટબોલની રમત સતત સુધારા તરફ આગળ વધી રહી છે અને આ ટુર્નામેન્ટ ટીમ માટે એક મોટો લર્નિંગ એક્સપિરિયન્સ સાબિત થશે. આ સ્તરની મેચો રમીને ખેલાડીઓ વધુ પરિપક્વ બનશે અને ભવિષ્યમાં વધુ મજબૂતીથી વાપસી કરશે.

