સૂર્યકુમાર યાદવના કેપ્ટન બનવાથી ખુશ છે ટીમ ઈન્ડિયા, અક્ષર પટેલે જણાવ્યું કેવું હોય છે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20I સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20I સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યાને T20 ટીમની કમાન સોંપવામાં આવી હતી.
હાર્દિકને કેપ્ટનશિપ ન આપવાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ સૂર્યાને કેપ્ટનશિપની જવાબદારી મળતા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખુશ છે, આ વાતનો ખુલાસો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે કર્યો છે. અક્ષરે સૂર્યાને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવા માટે સમર્થન આપ્યું હતું અને તેને બોલરોનો કેપ્ટન કહ્યો હતો.
અક્ષર પટેલે જણાવ્યું કેવું છે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ
અક્ષર પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "મેં સૂર્યકુમાર સાથે ઘણો સમય વિતાવ્યો છે. સૂર્યાભાઈ ખુશખુશાલ વ્યક્તિ છે. તેઓ વાતાવરણને જીવંત રાખે છે, મિમિક્રી કરવી અને અન્યની સાથે મસ્તી કરવી તેમને પસંદ છે. હું જાણું છું કે તેઓ વાતાવરણ શાંત રાખશે."
તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેચની T20 સીરીઝમાં સૂર્યાની કેપ્ટનશિપવાળી ટીમનો ભાગ હતો. તેણે કહ્યું કે, સૂર્યા બોલરોને ઘણી સ્વતંત્રતા આપે છે અને તેને આશા છે કે હવે સૂર્યાએ T20ની ફૂલ ટાઈમ કેપ્ટનશિપ સંભાળી લીધી છે, તેમાં કોઈ ફેરફાર નહીં થાય.
અક્ષરે વધુમાં કહ્યું કે, "મેં તાજેતરમાં જ પાંચ મેચની T20 સિરીઝ રમી હતી ત્યારે સૂર્યાભાઈ કેપ્ટન હતા. તેઓ બોલરોના કેપ્ટન છે. તેઓ બોલરોને તે ફિલ્ડ આપે છે જે તેઓ માંગે છે. મારી સાથે પણ એવું જ થયું હતું. મને નથી લાગતું કે બહુ ફેરફાર થશે. હવે તેમની કેપ્ટનશિપમાં રમતી વખતે તેમની માનસિકતા વિશે જાણીશું. તમે એક પ્રવાસમાંથી કોઈની કેપ્ટનશિપને જજ નથી કરી શકતા. જ્યારે અમે વધુ રમીશું ત્યારે તેમની કેપ્ટનશિપની સ્ટાઇલ વિશે વધુ જાણી શકીશું."








