Ashes 2025 / બીજી ટેસ્ટમાંથી બહાર થયો ઓસ્ટ્રેલિયન બોલર, કેપ્ટનની વાપસી પર આવ્યું અપડેટ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા, ઓસ્ટ્રેલિયન કેમ્પમાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ હાલમાં સ્વસ્થ થવા માટે સખત મહેનત કરી રહ્યો છે અને 4 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમશે તેવી અપેક્ષા છે.
ઓસ્ટ્રેલિયાના કોચે જોશ હેઝલવુડ અંગે મોટું નિવેદન આપ્યું
હેઝલવુડને હેમસ્ટ્રિંગ ઈજાને કારણે પર્થમાં પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં એક મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી. એવું માનવામાં આવે છે કે તે પોતાનું રિહેબ ચાલુ રાખવા માટે બ્રિસ્બેનમાં ટીમમાં જોડાશે અને કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડને અપેક્ષા છે કે તે બાકીની ત્રણ મેચ માટે ઉપલબ્ધ રહેશે. મેકડોનાલ્ડે કહ્યું કે, "હેઝલવુડ તેના રિહેબ પર કામ કરી રહ્યો છે. મને નથી લાગતું કે અમારે તેના પર કોઈ અપડેટ આપવાની જરૂર છે. એકવાર તે સ્વસ્થ થઈ જશે, પછી અમે તમને કહી શકીશું કે તે ક્યારે મેદાનમાં પાછો ફરશે. અમને આશા છે કે તે આ સિરીઝની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે."
પેટ કમિન્સની વાપસી અંગે મોટું અપડેટ
પેટ કમિન્સની વાત કરીએ, તો તે આ દિવસોમાં નેટમાં નિયમિતપણે બોલિંગ કરી રહ્યો છે. એવી અપેક્ષા છે કે તે બીજી ટેસ્ટ માટે પાછો ફરશે. તેને લઈને હેડ કોચે કહ્યું કે તે બ્રિસ્બેનમાં ડે-નાઈટ ટેસ્ટમાં રમશે કે નહીં તે પછીથી નક્કી કરવામાં આવશે. જો કમિન્સ પાછો ફરે છે અને બીજી ટેસ્ટ પાંચ દિવસ ચાલે છે, તો એડિલેડમાં ત્રીજી ટેસ્ટ પહેલા આઠ દિવસનો અંતર રહેશે. મેકડોનાલ્ડે કહ્યું કે, "એકવાર અમે તેને ફરીથી જોઈશું, તો અમે તેની ફિટનેસનું મૂલ્યાંકન કરી શકીશું. તે તેના રિહેબને પૂર્ણ કરવાની નજીક છે. આશા છે કે, તે ટૂંક સમયમાં સંપૂર્ણ તીવ્રતાથી બોલિંગ કરશે."
સ્ટાર્કે પહેલી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી
કમિન્સ અને હેઝલવુડની ગેરહાજરીમાં, મિચેલ સ્ટાર્કે પહેલી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી અને 10 વિકેટ લીધી હતી. સ્કોટ બોલેન્ડે પહેલા દિવસના ખરાબ પ્રદર્શનથી વાપસી કરતા બીજી ઈનિંગમાં ચાર વિકેટ લીધી, જ્યારે ડેબ્યુટન્ટ બ્રેન્ડન ડોગેટે બંને ઈનિંગમાં પાંચ વિકેટ લીધી. બીજી ટેસ્ટમાં આ બોલર્સ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી ટેસ્ટ પહેલા, કેનબેરામાં ઈંગ્લેન્ડ અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે બે દિવસીય વોર્મ-અપ મેચ રમાશે.

