IND vs SA / 13 બોલની ઓવર... અર્શદીપ સિંહે બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, બોલર પર ભડક્યો કોચ ગંભીર

અર્શદીપ સિંહ T20Iમાં ફૂલ મેમ્બર દેશોમાં સંયુક્ત રીતે એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર બન્યો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની બીજી T20Iમાં એક ઓવરમાં 13 બોલ ફેંક્યા હતા અને આ રેકોર્ડમાં નવીન-ઉલ-હકની બરાબરી કરી હતી. આ ઓવરમાં અર્શદીપે 18 રન આપ્યા હતા.
અર્શદીપ સિંહે પ્રથમ T20Iમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજી મેચમાં તે લયમાં નહતો દેખાતો. બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અર્શદીપ સિંહે સાઉથ આફ્રિકાની ઈનિંગની 11મી ઓવર ફેંકી, જેમાં તેણે 7 વાઈડ બોલ ફેંક્યા. 7 વાઈડ અને 6 લીગલ બોલ ફેંક્યા જેનાથી ઓવર કુલ 13 બોલની બની, જેમાં 18 રન આપ્યા.
અર્શદીપ સિંહે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો
અર્શદીપ સિંહ T20Iમાં ફૂલ મેમ્બર દેશોના બોલર દ્વારા સયુંકત રીતે એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર બન્યો છે. તેના સિવાય અફઘાનિસ્તાનના નવીન ઉલ હકે પણ એક ઓવરમાં 13 બોલ ફેંક્યા હતા. તેણે 2024માં ઝિમ્બાબ્વે સામે 13 બોલની ઓવર ફેંકી હતી.
અર્શદીપની આ ઓવરની શરૂઆત છગ્ગાથી થઈ હતી. ત્યારબાદ તેની લય બગડી ગઈ અને તેના બે બોલ સતત વાઈડ હતા. બીજી લીગલ બોલ પર કોઈ રન ન આવ્યો અને પછી તેણે સતત ચાર વાઈડ ફેંક્યા હતા.
ગંભીર અર્શદીપ પર ગુસ્સે થયો
જ્યારે અર્શદીપ સિંહે સતત ત્રીજો વાઈડ બોલ ફેંક્યો, ત્યારે ડગઆઉટમાં બેઠેલો હેડ કોચ ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો. તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જોકે ઘણા ફેન્સ તેની ગુસ્સાવાળી પ્રતિક્રિયાની ટીકા પણ કરી રહ્યા છે.
અર્શદીપ અને બુમરાહને વિકેટ ન મળી
પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 213 રન બનાવ્યા, જેમાં ક્વિન્ટન ડી કોકે 90 રનની ઝડપી ઈનિંગ રમી. આશ્ચર્યજનક રીતે, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ વિકેટ વગર રહ્યા અને બંનેના સ્પેલમાં ઘણા રન બન્યા. અર્શદીપે તેની 4 ઓવરમાં 54 રન આપ્યા, જ્યારે બુમરાહે તેની 4 ઓવરમાં 45 રન આપ્યા.
વરુણ ચક્રવર્તીએ તેની 4 ઓવરમાં 29 રન આપીને બે વિકેટ લીધી, જ્યારે અક્ષર પટેલે 1 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ તેની 3 ઓવરમાં 34 રન આપ્યા અને શિવમ દુબેએ તેની 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.

