VIDEO: ઈંગ્લેન્ડના લિવિંગસ્ટોનની વિસ્ફોટક બેટિંગ, મિચેલ સ્ટાર્કના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ સામે ઇનિંગમાં છેલ્લી ઓવર ફેંકવા આવેલા સ્ટાર્કે 28 રન આપ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનારો બોલર બન્યો છે. ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોને વિસ્ફોટક બેટિંગ કરતા સ્ટાર્કની ચારેબાજુ ધોલાઈ કરી હતી. સ્ટાર્કની એક ઓવરમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.
અગાઉ ઓસ્ટ્રેલિયન વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકવાનો રેકોર્ડ ઝેવિયર ડોહર્ટીના નામે હતો. વર્ષ 2013માં ભારત વિરુદ્ધ એક ઓવરમાં 26 રન આપ્યા હતા. આ સિવાય કેમરુન ગ્રીન અને એડમ જૈમ્પાએ પણ એક ઓવરમાં 26-26 રન આપ્યા છે. પરંતુ હવે આ રેકોર્ડમાં સૌથી ટોચ પર મિચેલ સ્ટાર્કનું નામ જોડાયું છે.
વનડેમાં ઓસ્ટ્રેલિયન બોલરની સૌથી મોંઘી ઓવર
મિશેલ સ્ટાર્ક વિ ઇંગ્લેન્ડ, લોર્ડ્સ, 2024 - 28 રન
ઝેવિયર ડોહર્ટી વિ ભારત, બેંગલુરુ, 2013 - 26 રન
કેમરુન ગ્રીન વિ ભારત, ઇન્દોર, 2023 - 26 રન
એડમ જૈમ્પા વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન, 2023 - 26 રન
વરસાદને પગલે 39 ઓવરની રમતમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા હતા. જેમાં બ્રુકે 58 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 87 રન બનાવ્યા હતા, જ્યારે લિવિંગસ્ટોને 27 બોલમાં અણનમ 62 રન બનાવીને ટીમ માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ઈંગ્લેન્ડે આપેલા 313 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 126 સ્કોર સમેટાઈ જતાં 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે ક્રિકેટના ઈતિહાસમાં રનના મામલે ઓસ્ટ્રેલિયાની આ ચોથી સૌથી મોટી હાર છે. ઈંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સે 4 વિકેટ, બ્રાયડન કારસે 3 અને જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી હતી.






