નવી કાર ખરીદીને મુશ્કેલીમાં ફસાયો આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ફટકારી નોટીસ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાના ઉમદા પર્ફોર્મન્સના કારણે પ્રશંસા મેળવી હતી. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ આકાશ દીપે લખનૌના એક ડીલર પાસેથી બ્લેક કલરની ટોપ મોડલ ફોર્ચ્યુનર ખરીદી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે, બાદમાં આ કારના કારણે ભારતીય પેસરે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આકાશ દીપને અને ગાડીના ડીલરને નોટિસ ફટકારી છે.
ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્દ્રીય મોટરયાન નિયમાવલી 1989ના નિયમ 44 હેઠળ આકાશદીપ અને લખનૌ સ્થિત સની મોટર્સ ડીલરશીપ મેસર્સ વિરૂદ્ધ શો-કોઝ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ ફટકારવા પાછળનું કારણ રજિસ્ટ્રેશનની અધૂરી પ્રોસેસ હતી. આકાશ દીપે આ કાર માટે UP32QW0041 નો ફેન્સી નંબર લીધો છે. જોકે, ડીલરે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક લગાવી ગાડી ડિલિવર કરી હતી. ARTO લખનૌની તપાસ અને વાહન પોર્ટલ રેકોર્ડ અનુસાર, ગાડીનું વેચાણ 7 ઓગસ્ટના રોજ થયું હતું. ઈન્સ્યોરન્સ 8 ઓગસ્ટના રોજ કરાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી રોડ ટેક્સની ચૂકવણી પણ નથી કરી. સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ અધૂરી છે.
આકાશ દીપને ફટકાર્યો મેમો
આકાશ દીપને મોટરયાન એક્ટ, 1988ની કલમ 39,41 (6) અને 207 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. તેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, રજિસ્ટ્રેશન, હાઈ સિક્યોરિટી નંબર અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક સાથે કાર રસ્તા પર ચલાવશો નહીં. આદેશના ભંગની સ્થિતિમાં ગાડી જપ્ત કરવાની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તેમજ 9 ઓગસ્ટે રજિસ્ટ્રેશન વિના ગાડી હંકારવા બદલ આકાશ દીપને મેમો પર ફટકારવામાં આવ્યો હતો.
આકાશ દીપે શેર કરી હતી તસવીર
આકાશ દીપે ફોર્ચ્યુનર કાર ખરીદ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં કેપ્શન લખી હતી કે, "સપનું સાકાર થઈ ગયું, ચાવી હાથમાં આવી ગઈ, એવા લોકોની સાથે જે મારા જીવનમાં સૌથી વધુ મૂલ્ય ધરાવે છે."
ભારત-ઈંગ્લેન્ડ મેચમાં 10 વિકેટ ઝડપી
હાલમાં જ ઈંગ્લેન્ડ ખાતે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં આકાશદીપે આકર્ષક પર્ફોર્મન્સ આપી ફેન્સના દિલમાં સ્થાન મેળવ્યું હતું. તેણે બીજી ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી. તેણે પાંચમી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારીને જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

