ACCના અધ્યક્ષ મોહસીન નકવીને પાકિસ્તાનમાં સન્માનિત કરાશે, આ ગોલ્ડ મેડલ મળશે
એશિયા કપ 2025ની ફાઈનલ બાદ ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ પાકિસ્તાન ક

એશિયા કપ 2025ની ફાઈનલ બાદ ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી સતત સમાચારમાં છે. હવે જાણવા મળ્યું છે કે, મોહસીન નકવીને પાકિસ્તાનમાં સન્માનિત કરવામાં આવશે. ભારત સામેના તેમના મક્કમ અને સિદ્ધાંતવાદી વલણ માટે નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરાશે.
ટ્રોફી વિવાદમાં નકવીએ કર્યું હતુ આ કામ
એશિયા કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે મોહસીન નકવી (જે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટના બાદ મોહસીન નકવી લાંબા સમય સુધી સ્ટેજ પર રાહ જોયા પછી ટ્રોફી લઈને મેદાન છોડી ગયા હતા અને ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના જ જીતનું સેલિબ્રેશન કર્યું હતુ.
હું BCCIની માફી માંગીશ નહીં: નકવી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નકવીને સ્ટેડિયમમાંથી હટાવવાની અને તેમને ACC અધ્યક્ષ પદેથી દૂર કરવાની માંગ કરાઈ હતી. આ વચ્ચે પણ નકવીનું વલણ અડગ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતુ કે, 'ACC અધ્યક્ષ તરીકે હું તે જ દિવસે ટ્રોફી સોંપવા માટે તૈયાર હતો અને હું અત્યારે પણ તૈયાર છું. જો તે (ભારતીય ટીમ) ખરેખર ઈચ્છતા હોય, તો તે ACC ઓફિસમાં આવી શકે છે અને મારી પાસેથી તે લઈ શકે છે. મેં કંઈ ખોટું કર્યું નથી અને હું BCCIની માફી માંગીશ નહીં.' નકવીના આ નિર્ણયને પાકિસ્તાનમાં સમર્થન પણ મળ્યું.







