Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Women cannot be freed from the home and employees from the office - is the Right to Disconnect appropriate in Western countries or

Sahiyar: ઘરથી નારી અને ઓફિસથી કર્મચારી મુક્ત ન થઈ શકે - રાઈટ ટુ ડિસકનેક્ટ પશ્ચિમી દેશોમાં શોભે અથવા તો અમલમાં આવી શકે?

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ઘરથી નારી અને ઓફિસથી કર્મચારી મુક્ત ન થઈ શકે  - રાઈટ ટુ ડિસકનેક્ટ પશ્ચિમી દેશોમાં શોભે અથવા તો અમલમાં આવી શકે?
સોર્સ : GSTV

- રાઈટ ટુ ડિસકનેક્ટ પશ્ચિમી દેશોમાં શોભે અથવા તો અમલમાં આવી શકે કારણ કે ત્યાં વ્યક્તિમાત્રની સ્વતંત્રતા, સ્વમાન અને લાગણીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા એવી કોઈ સંસ્કૃતિ નથી અને એવી કોઈ માનસિકતા પણ હોતી નથી. 

App Store

સંસદમાં હાલમાં એક સાંસદ દ્વારા પ્રાઈવેટ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલનું નામ છે રાઈટ ટુ ડિસકનેક્ટ. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે વ્યક્તિના કામના કલાકો પૂરા થઈ જાય છે ત્યારબાદ ઓફિસમાંથી આવતા કોલ, ફોન, ઈમેલનો જવાબ આપવામાંથી મુક્તિ આપવામાં આવે. બિલ જણાવે છે કે કર્મચારી ઓફિસમાં હોય અને તેના કામના કલાકો દરમિયાન ઓફિસનું કામ કરી લે છે. ત્યારબાદ તે ઓફિસથી નીકળ્યા પછી તેની સાથે ડિસકનેક્ટ થઈ શકે છે. 


વાત એવી છે કે, જ્યારથી આપણે ડિજિટલી ઈક્વિપ્ડ થઈ રહ્યા છીએ ત્યારથી આપણી કામ કરવાની સ્થિતિ, પદ્ધતિ અને વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. તેમાંય કોરોનાકાળ બાદ તો વર્ક ફ્રોમ હોમ, વર્ક રિમોટલી અને હોમ વર્ક જેવા ઘણા શબ્દો થકી કામની નવી નવી પદ્ધતિઓ અમલમાં આવી છે. હવે સ્થિતિ એ થઈ કે કોરોના તો જતો રહ્યો પણ આ કામની પદ્ધતિઓ અટકી નહીં. વર્ક ફ્રોમ હોમની સાથે સાથે હવે વર્ક ફ્રોમ ઓફિસ અને વર્ક ફ્રોમ ઓફિસ પછી વર્ક ફ્રોમ હોમ પણ એડ થઈ ગયું. કર્મચારી ઓફિસથી ઘરે જાય અથવા તો રજા હોય છતાં ઓફિસથી કોલ આવે એટલે તેણે કામ કરવું જ પડે. 

આ એક એવું દુષણ હતું અને કદાચ કહીએ કે અનિવાર્ય અનિષ્ટ હતું. મહામારીથી બચવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો પણ હવે આ કામની પદ્ધતિ નોકરી આપનારાઓ માટે હથિયાર અને નોકરી કરનારાઓ માટે સોનાનું પિંજરુ બની ગઈ છે. તેના કારણે સ્થિતિ એવી થાય છે કે, ઓફિસમાંથી બોસનો, મેનેજરનો, માલિકનો અથવા તો ગમે તે સિનિયર વ્યક્તિનો ફોન આવે, ઈમેલ આવે અથવા તો ઓફિસ સિસ્ટમનું નોટિફિકેશન આવે એટલે કર્મચારીએ જવાબ આપવો જ પડે, કામ કરવું જ પડે અને અપડેટ રહેવું જ પડે. 


આપણે જો આ કામની પદ્ધતિને માત્ર કામથી અથવા તો ઓફિસથી અલગ કરીને વિચારીએ અને તેને સમાજવ્યવસ્થા સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે આપણે કેવી વિચિત્ર વ્યવસ્થાનો ભાગ છીએ. જ્યારે સમાજ વ્યવસ્થાની વાત આવે ત્યારે સમજાશે કે આપણા ઘરમાં નારી એટલે કે સ્ત્રી, પત્ની, માતા, બહેન કોઈપણ હોય, તે ઘરથી મુક્ત થઈ શકે તેમ જ નથી. તેવી જ રીતે કર્મચારી પછી તે સીઈઓ હોય, મેનેજર હોય કે કોઈપણ લેવલ ઉપર કામ કરતો હોય તે પણ તેની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. તેની ઈચ્છા હોય કે ન હોય, તેની લાગણી હોય કે ન હોય, તે કરવા માગે કે ન કરવા માગે પણ તેણે કામ કરવા જ પડે છે. 

ઘરની વાત કરીએ તો સવારે ચા-પાણી કરવાથી કામ શરૂ થાય છે. ત્યારબાદ મમ્મી મારા કપડાં નથી મળતા, મમ્મી મારા મોજા ક્યાં છે, મમ્મી મારો નાસ્તો રેડી થયો કે નહીં, કહુ છું સાંભળે છે મારો ટુવાલ ક્યાં પડયો છે, ટિફિનમાં આજે થોડું વધારે મુકજે કે પછી આજે ટિફિનમાં શું ભરવાનું છે, લાઈટ બિલ ભરી આવજે, ટેલિફોન બિલ ભરી આવજે, કરિયાણાવાળાને ત્યાંથી વસ્તુઓ લાવવાની છે, મમ્મી-પપ્પાને ક્લિનિક લઈ જવાના છે, તેમની દવાઓ ખલાસ થઈ ગઈ હશે જોઈ લેજે અને લઈ આવજે જેવી નાની- નાની બાબતો દરરોજ થતી હોય છે. 

આપણે વિચારીએ કે ઘરમાં સ્ત્રી આ કામ દરરોજ કરતી જ હોય છે અને કદાચ તેણે કરવાના જ હોય છે. વાત એક રીતે જોઈએ તો સાચી છે કે, ઘરની પુત્રવધુ, પત્ની, મમ્મી, બહેન કે અન્ય કોઈ સ્વરૂપે ઘરમાં રહેલી સ્ત્રીને ઘરના કામ કરવાના જ હોય છે. પ્રેક્ટિકલી આ કામ તેની નૈતિક જવાબદારીનો ભાગ છે. તેના માટે તેને કોઈ પૈસા મળતા નથી કે કોઈ વળતર મળતું નથી. સમાજે નક્કી કરેલું છે કે, સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય પછી તમામ જવાબદારીઓ તે સ્ત્રીની જ હોય છે. સ્ત્રી તેમાંથી મુક્ત થઈ શકતી જ નથી. ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવે છે કે, આખું ઘર તે સ્ત્રીને આધિન થઈ જાય છે. તેમાંથી સ્ત્રી અંતિમ શ્વાસ સુધી મુક્ત થઈ શકતી નથી.

આ સ્ત્રી જ્યારે ક્યારેક પિયર જાય, કોઈ કામ અર્થે બહારગામ જાય, કોઈ પ્રસંગમાં હાજરી આપવા જાય કે પછી કે સારા અથવા મરણકાર્યના કામમાં બહાર ગઈ હોય અને ઘરમાં હાજર ન હોય ત્યારે પણ તેનો આત્મા, તેની ચેતના અને તેનું ધ્યાન ઘરમાં જ કેન્દ્રીત હોય છે. તે ભલે ઘરને મુકીને ગઈ હોય પણ તેના ઘરે તેને મુકી હોતી નથી. તેનું ઘર તેને યાદ કરાવતું રહે છે કે, તે ઘર માટે જ સર્જાયેલી છે. તેનાથી તે માત્ર મૃત્યુ બાદ ડિસકનેક્ટ થઈ શકશે.

સ્ત્રી હજી તો ઘરની થોડે દૂર પહોંચી હશે ત્યાં ફોન આવશે, વહુ મારી દવાઓ ક્યાં પડી છે, તારા સસરાના આંખોના ટિપા ક્યાં મુક્યા છે. મમ્મી મારે સોમવારે પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે. તું શનિવારે પાછી આવે જજે, તો એક દિવસમાં કામ પૂરું કરી શકાય. મમ્મી મારું બ્લેક જિન્સ મળતું નથી, મમ્મી મારી ટીશર્ટ ક્યાં મુકી દીધી છે. વહુ ઉપરના માળની ચાવી ક્યાં પડી છે. મારા નવા ચશ્મા કઈ જગ્યાએ પડયા છે. છેલ્લે કશું જ નહીં હોય તો પતિનો ફોન આવશે.. મારા મોજા મળતા નથી... મારો ખાદીનો હેન્કી ક્યાં ગયો, પેલા કાગળિયા મેં તિજોરીમાં મુક્યા હતા તે અત્યારે ત્યાં પડયા નથી, ક્યાં મુકી દીધા તે. મારી નવી ઘડિયાળ ક્યાં છે, મારે મિટિંગમાં પહેરી જવાની હતી. 

નારીના જે અલગ અલગ સ્વરૂપ હોય પણ તે તમામ સ્વરૂપો ઘર સાથે જોડાયેલા જ રહે છે. વર્તમાન સમયમાં સ્ત્રી ભલે વકગ હોય પણ તેની એક આંખ, એક પાંખ અને જીવનનો એક ભાગ ઘર સાથે તો કનેક્ટેડ રાખવો જ પડે છે. નારી ક્યારેય ઘરથી અલગ થઈ શકી નથી અને થઈ શકશે નહીં. તેના માટે રાઈટ ટુ ડિસકનેક્ટ જેવું કશું હોતું જ નથી અને કદાચ હશે પણ નહીં.

આ જ પરિસ્થિતિ કર્મચારીની પણ હોય છે. તે જ્યારે નોકરીમાં જોડાય છે ત્યારે તેને દિવ્ય સપનાં બતાવવામાં આવે છે, તેની સાથે ભવિષ્યની ચર્ચા કરવામાં આવે છે, પ્રલોભનો, લાભ અને ભવિષ્યના જોખમો સામે રક્ષણની લાલચ આપવામાં આવે છે. તેને એવો ઓળઘોળ કરી નાખવામાં આવે છે કે, તેનું અસ્તિત્વ માત્ર ઓફિસ સુધી સિમિત થઈ જાય છે. બીજી તરફ તેની જરૂરિયાતો, તેની મજબુરી અને તેના અભાવને એવી રીતે પુરવામાં આવે છે કે, બિચારો ઓશિયાળો થઈને પણ ઓફિસ સાથે જોડાયેલો રહે છે. 

તેના જીવનમાં ઓફિસ સિવાય કશું જ વધતું નથી. તે દિવસ-રાત બસ ઓફિસનું કામ, ઓફિસની મિટિંગો, ઓફિસના એડજસ્ટમેન્ટ, ઓફિસના એસાઈનમેન્ટ અને આ બધામાં એવો ખોવાઈ જાય છે કે, તેને પોતાને પરિવાર છે, તેના ઘરમાં સંતાનો છે, તેની પત્ની છે, તેના મા-બાપ છે, તેના ભાઈ-બહેન છે એવું બધું જ ભુલી જાય છે. તે માત્ર ભવિષ્યના ઈન્ક્રિમેન્ટ અથવા તો પ્રમોશનના લોભમાં એવો બંધાઈ જાય છે કે, સતત વૈતરું કર્યા કરે છે. તેને સપના આવે તો પણ ઓફિસના જ આવતા હોય છે. 

આ કર્મચારી ગમે ત્યારે, ગમે તે સમયે અને ગમે તે સ્થિતિમાં પણ કામ કરવા ઈમોશનલી બંધાઈ જાય છે કે વાત ન પૂછો. ઘણી વખત મજબુરી હોય છે, ઘણી વખત લાલચ હોય છે અને ઘણી વખત વિકલ્પ હોતો નથી પણ તેણે ઓફિસ સાથે કનેક્ટ રહવું જ પડે છે. બીજી તરફ આપણે ત્યાં કદાચ પાંચ-દસ ટકા નોકરીદાતાઓ, કંપનીઓ, પેઢીઓ કે સંસ્થાઓ એવી હશે જે કર્મચારીને માણસ સમજે છે, તેને પરિવાર છે તેવું સમજે છે, તેની જરૂરિયાતો છે તેવું સમજે છે. બાકી મોટાભાગની કંપનીઓમાં તો તમે જોડાયા એટલે તમારે કામ કરવાનું જ એવું અકથ્ય બંધન આવી જ જાય છે. ગમે ત્યારે ઉપરી અધિકારી, મેનેજર, ટીમ લીડર, માલિક કે કોઈપણ ફોન કરીને અપડેટ માગતા રહે છે. તમારે તરત જ ફોન ઉપાડીને અપડેટ આપવું પણ પડે છે. અહીંયા નોકરી ગુમાવવાનો ભય હોય છે. પ્રમોશન નહીં મળવાનો ભય હોય છે. આ બધા વચ્ચે સ્થિતિ એવી જ આવે છે કે, બીજા વર્ષે તેને પ્રમોશન મળતું નથી અને ઈન્ક્રિમેન્ટના નામે મજાક થઈ ગઈ હોય છે. ત્યારે તેને ગુસ્સો આવે છે પણ તે કશું જ કરી શકતો નથી. 

અંતે એટલું જ છે કે, નારી હોય કે કર્મચારી તે પોતાની લાગણીઓના કારણે એવા કાંટાળા તાજ પહેરીને બંધનમાં આવી જાય છે કે, તેમાંથી છુટી શકતા જ નથી. તેઓ છુટવા માગે તો પણ તે શક્ય બનતું નથી. તેમાં ગુમાવવાનો ભય વધારે હોય છે તેથી તેઓ તેમ કરી શકતા નથી. રાઈટ ટુ ડિસકનેક્ટ પશ્ચિમી દેશોમાં શોભે અથવા તો અમલમાં આવી શકે કારણ કે ત્યાં વ્યક્તિમાત્રની સ્વતંત્રતા, સ્વમાન અને લાગણીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા એવી કોઈ સંસ્કૃતિ નથી અને એવી કોઈ માનસિકતા પણ નથી