પિયરનો અતિરેક પ્રેમ ક્યારે બની જાય છે લગ્નજીવન માટે જોખમ?

હું અને મારી પ્રેમિકા છેલ્લા બે વર્ષથી પ્રેમમાં છીએ. બે-ત્રણ મહિને મુલાકાત થાય ત્યારે અમે શરીર સુખ માણીએ છીએ.
હું ૨૧ વર્ષનો છું. મારી પ્રેમિકાની ઉંમર ૨૦ વર્ષ છે. અમે છેલ્લા બે વર્ષથી પ્રેમમાં છીએ. હું અમદાવાદ અને તે વડોદરા રહેતી હોવાથી અમે ફોન પર વાત કરીએ છીએ. બે-ત્રણ મહિને મુલાકાત થાય ત્યારે અમે શરીર સુખ માણીએ છીએ. અમારી જ્ઞાાતિ એક હોવા છતાં અમારા પરિવારજનોને આ લગ્નનો વિરોધ છે. અમે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
લગ્ન જેવો ગંભીર નિર્ણય લેવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. શું તમે પગભર છો? પરિવારની આર્થિક જવાબદારી ઉપાડવા સક્ષમ છો? આ ઉંમરે લાગણીના પ્રવાહમાં તણાઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય છે અને પાછળથી જવાબદારી માથે પડતા વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે સંબંધોમાં કડવાશ ભળે છે અને આ નિર્ણયનું ગંભીર પરિણામ આવે છે. તમારી જ્ઞાાતિ એક હોવા છતાં તમારા પરિવારજનો આ સંબંધ માટે રાજી નથી આનું કોઈ કારણ તો જરૂર હશે. આ કારણ દૂર કરવાનો પ્રયાસ કરો. અને વડીલોને મનાવી લગ્ન કરો. પરંતુ આ પૂર્વે તમારે પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. લગ્ન માટે હજુ થોડા વર્ષ રાહ જોવામાં વાંધો નથી. આ વર્ષો દરમિયાન પણ તમારી લાગણીઓમાં ફેર ન પડે તો તમે લગ્ન કરો. વડીલોને નારાજ કરી લગ્ન કરવાનો નિર્ણય લેવાની ગંભીર ભૂલ કરતા નહીં. હજુ તમારા પ્રેમને પરિપક્વ થવા દો અને ભવિષ્યનો વિચાર કરીને જ લગ્નનો નિર્ણય લો.
હું પરિણીત અને નોકરિયાત શિક્ષિત મહિલા છું, મારે ત્રણ સંતાન છે. મારા પતિ પણ પૈસે-ટકે સુખી છે. અમારું લગ્નજીવન પણ સુખી છે. મારું પિયર મધ્યમ વર્ગનું પણ સુખી છે. મારો ભાઈ નોકરી કરે છે. તેમ છતાં મારા પિયરના વધુ પડતા નાણાકિય લોભને કારણે મારું લગ્નજીવન જોખમમાં છે. અગાઉ બે વર્ષ પૂર્વે આ જ કારણને લીધે અમે છૂટા પડયા હતા. ફરી પાછા જાતે જ ભેગા થયા હતા. મારા પિયરિયાની નાણાકિય તકલીફને કારણે મારાથી કેટલીક ગંભીર ભૂલો થઈ હતી. પણ મારી સમયસૂચકતાને કારણે અમારુ લગ્ન જીવન ટકી શક્યું હતું. મારા પતિન કોઈ દોષ નથી. પણ, પિયરિયાને કેવી રીતે સમજાવ્યા? મારી મમ્મીએ તેની પુત્રીની જિંદગી બગાડવી ન જોઈએ એમ મને લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (આણંદ)
માતા-પિતા તેમની પરિણીત પુત્રીના જીવનમાં વધુ પડતી દખલ કરે ત્યારે આવું ગંભીર પરિણામ આવી શકે છે. પુત્રી પરણે પછી માતા-પિતાએ તેમની પુત્રીના સંસારમાં માથું મારવું જોઈએ નહીં. પરંતુ તેઓ ન સમજે તો પુત્રીએ સમજવાની જરૂર છે. તમારે તમારા પિયરિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવાની જરૂર છે. આમ છતાં તેઓ ન માને તો તેમની સાથેના સંબંધો ઓછા કરી નાખો અને તેમનું કહ્યું માની તમારા સંસારને આગ લગાડો નહીં. તમારે માટે તમારા પિયરિયા તમારા પતિના માન-સન્માન વધુ મહત્ત્વના હોવા જોઈએ. સાસરામાં જઈ પિયરની પ્રણાલી પ્રમાણે ઘર ચલાવવાની જીદ રાખો નહીં. સાસરિયાની પધ્ધતિ પ્રમાણે તમારી જાતને અનુકૂળ બનાવો. તમારી મમ્મી ન માને તો તમે જાતે તેની સાથેના સંપર્કો ઓછા કરી નાખો અને તેની સલાહ પર ધ્યાન આપો નહીં. તમારે તેમને તેમની ભૂલ પ્રત્યે સજાગ કરવા જ પડશે. આ વાત કદાચ તમને ગમશે નહીં પરંતુ આ સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. હા, તમે તમારા પિયરના કોઈ વડીલ સમક્ષ તમારી પરિસ્થિતિ રજૂ કરી તમારા પિયરિયાને સમજાવવાનું કહી શકો છો.
હું ૨૮ વર્ષની છું, મારા સાસરાનું વાતાવરણ પસંદ ન પડતા મારી મમ્મી અને પપ્પાએ લગ્નના ત્રણ વર્ષ મને છૂટાછેડા લેવાની ફરજ પાડી હતી. હું નોકરી કરતી હતી. પરંતુ સંજોગોવશાત્ માટે નોકરી છોડી દેવી પડી. આજે ત્રણ વર્ષથી હું પિયરમાં રહું છું. હવે મારા મમ્મી-પપ્પાનું વર્તન પણ બદલાઈ ગયું છે. શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (સુરત)
તમારા મમ્મી-પપ્પાને તમારા સાસરાનું વાતાવરણ પસંદ નહોતું એટલે તેમણે તમને છૂટાછેટા લેવાની ફરજ પાડી અને તમે વગર વિચાર્યા વિના તેમની આ વાત માની પણ લીધી. આ તમારી ભૂલ હતી. પિયરિયાથી દોરવાઈ ન જતા તમારે તમારા ભવિષ્યનો વિચાર કરવો જોઈતો હતો. તમારે તમારા સાસરાના વાતાવરણને અનુકૂળ બનવાની જરૂર હતી. માતા-પિતાએ કહ્યા પ્રમાણે તમારો સંસાર ચલાવવાની ભૂલ કરવી જોઈતી નહોતી. સાસરુ છોડીને આવેલી પુત્રીના વખત જતા આવી જ હાલત થવાની શક્યતા છે. તમારે નોકરી છોડવી જોઈતી નહોતી, ખેર, થવાકાળ થઈ ગયું છે. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી. સૌ પ્રથમ તમારે શારીરિક, માનસિક તેમ જ સામાજીક રૂપથી સંતુલિત થવાની જરૂર છે. તમે કાબેલ અને શિક્ષિત છો અને તમારી ઉંમર પણ વધુ નથી આથી પ્રયત્ન કરવાથી તમને કોઈ નોકરી મળી જશે. અપરાધીભાવથી પીડાયા વગર માથુ ઊંચુ કરીને સન્માનથી જીવો. મા-બાપ પર નિર્ભર રહેવાને બદલે તમારા પગ પર ઊભો રહો. અને કોઈ સારું પાત્ર શોધી લગ્ન કરી લો. અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એ વાતનો ખ્યાલ રાખો. ભૂતકાળ યાદ કરી આંસુ સારીને બેસી રહેવા કરતા તેના પર શાખીને આગળ વધો અને તમારો વર્તમાન અને ભવિષ્ય સુધારો.

