સૌંદર્ય સંજીવની: ચહેરાની કાળાશથી લઈને વાળની સમસ્યાઓનો સરળ ઘરેલું ઈલાજ!

હાથ-પગની સરખામણીમાં ચહેરાનો વાન ડાર્ક છે.ચહેરાનો વાન હાથ-પગના રંગ જેવો થાય તે માટેનો ઉપચાર જણાવશો.
હું ૨૧ વરસની યુવતી છું. વાળને ચમકીલા કરવા માટે મારી બહેનપણીએ મને વાપરેલી ચા ની ભૂક્કીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તો ચા ની ભૂક્કીનો ઉપયોગ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપશો.
એક યુવતી (અમદાવાદ)
ઉપયોગમાં લેવાયેલી ચા ની ભૂક્કીને ચાર કપ પાણીમાં ઉકાળવી અને ચૂલા પરથી નીચે ઉતારી ગાળી લેવી. અને તેમાં લીંબુનો રસ ભેળવી દેવો. શેમ્પૂથી વાળ ધોયા પછી અંતિમ વખતે વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરવો.
હું ૩૫ વરસની ગૃહિણી છું. મારા વાળ બિલકુલ સફેદ હજી થયા નથી છતાં હું વાળમાં મેંદીનો પેક લગાડી શકું કે નહીં તે જણાવશો.
એક મહિલા (ભરૂચ)
સફેદ વાળને રંગીન કરવા માટે જ મેંદી લગાડવી જરૂરી નથી. સામાન્ય વાળ માટે તો મેંદી ઉત્તમ હેર પ્રોડકટ ગણાય છે. જે કેશનો કુદરતી રંગ જાળવી રાખે છે. મેંદીમાં આંબળા,શિકાકાઇ,અને અરીઠા ભેળવી લગાડવાથી વાળ મજબૂત થાય છે.
હું ૨૦ વરસની યુવતી છું. હાથ-પગની સરખામણીમાં ચહેરાનો વાન ડાર્ક છે.ચહેરાનો વાન હાથ-પગના રંગ જેવો થાય તે માટેનો ઉપચાર જણાશો.
એક યુવતી (બારડોલી)
બદામને પાણીમાં પલાળી દેશો. તેની છાલ ઉતારી તેને દૂધ સાથે બરાબાર વાટી લઇ તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી.પેસ્ટ રોજ રાતના ચહેરા પર લગાડવી અને સવારે ચહેરો ધોવાથી ફાયદો થશે.
હું ૨૪ વરસની યુવતી છું. વેક્સિંગ બાદ મારા શરીર પર કાળા ડાઘા ફૂટી નીકળે છે. મારી આ સમસ્યાનો ઉપચાર જણાવશો.
એક યુવતી (કચ્છ)
વેક્સિંગ કરતી વખતે વાળ બરાબર તૂટયા ન હોય તો તૂટેલા વાળ બહાર દેખાતા હોય છે. વેક્સિંગ તમે કુશળ બ્યુટિશિયન પાસે કરાવશો.વેક્સિંગ કર્યા બાદ તરત જ રૂ પર એસ્ટ્રિજન્ટ લોશન લઇ લગાડશો જેથી ખૂલેલા રોમ છિદ્રો બંધ થઇ જાય રોમ છિદ્રો ખુલ્લા હોય તો તેમાં મેલ ભરાવાથી તે કાળા ડાઘા જેવું દેખાશે. તેથી રોમ છિદ્રો બંધ કરવા જરૂરી છે.
હું ૧૪ વરસની છું. મારામાં રક્તની ઉણપ છે. જેને કારણે ચહેરો ફિક્કો પડી ગયો છે. આર્થિક પરિસ્થિતિને કારણે દવાઓ પર વધુ ખર્ચ થઈ શકે તેમ નથી. કોઈ ઘરેલું ઉપાય દેખાડો.
એક યુવતી (મુંબઈ)
શરીરમાં રક્તની ઉણપ દૂર કરવા માટે આહાર પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. ડાર્ક લીલા રંગની ભાજીઓ જેવી કે પાલક, સરસો, ગુવારસીંગ, વટાણા, બાજરો, રાગી તેમ જ ગોળ જેવા પદાર્થો લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. એને મોસમ પ્રમાણે લેવાનું રાખો. દવાનો પ્રશ્ન છે તો તમારા ડોક્ટરની સલાહ લઈ એ દવાઓ શરૂ કરો.

