Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Russia's back broken on the battlefield? Know the truth of the three and a half year war!

યુદ્ધના મેદાનમાં રશિયાની કમર તૂટી? જાણી લો સાડા ત્રણ વર્ષના યુદ્ધનું સત્ય!

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
યુદ્ધના મેદાનમાં રશિયાની કમર તૂટી? જાણી લો સાડા ત્રણ વર્ષના યુદ્ધનું સત્ય!
સોર્સ : gstv

ટોપ્સીટર્વી-અજિત પોપટ

App Store

આ ખરે ટચૂકડું યુક્રેન પોતાને મહાસત્તા માનતા રશિયાને હરાવી દે એવી શક્યતા ઊભી થઇ છે. ૨૦૨૨ના ફેબુ્રઆરીથી શરૂ થયેલી આ લડાઇ નજીકના ભવિષ્યમાં રશિયાના પરાજય સાથે પૂરી થશે એવું દુનિયાભરના અને ખાસ કરીને યૂરોપના યુદ્ધ નિષ્ણાતો સર્વાનુમતે માનતા થયા છે. આવું માનવા પાછળ આ નિષ્ણાતો જુદાં જુદાં કારણો અને પૃથક્કરણ વર્ણવે છે. એ કારણોની વિગતોમાં ઊતરતાં પહેલાં આ યુદ્ધનું નિમિત્ત સમજી લઇએ. ઇરાન અણુશક્તિ વિકસાવી રહ્યું છે એવા બહાના હેઠળ અમેરિકાએ ઇઝરાયેલના કહેવાથી ઇરાન સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારનો સિનારિયો યાદ કરવા જેવો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગળા સુધીની ખાતરી હતી કે ચપટી વગાડતાં ઇરાન ખતમ થઇ જશે. એમનું એ ગણિત ખોટું પડયું.

રશિયાના સરમુખત્યાર પ્રમુખ વ્લાદીમીર પુટિનને યુક્રેનમાં વિવિધ ખનિજોની જે મબલખ ખાણો છે એના પર કોઇ પણ બહાને કબજો મેળવવો હતો એટલે એમણે કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના યુક્રેન સાથે લડાઇ શરૂ કરી. પુટિન પણ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ આત્મવિશ્વાસના અતિરેકમાં રાચતા હતા કે આંખના પલકારામાં યુક્રેન મારા હાથમાં આવી જશે. હકીકત જુદી છે. આજે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, યુક્રેન રશિયાને મચક આપતું નથી. વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીને પોતાને ત્યાં તેડાવીને દબડાવવાના નિષ્ફળ પ્રયાસો કરી જોયા. પણ કંઇ વળ્યું નહીં.

રશિયાની વાત કરીએ તો તમને એ જાણીને આઘાત લાગશે કે આજે જ્યારે આખી દુનિયા ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયા વિના ચાલતી નથી ત્યારે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન આજે પણ સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટ વાપરતા નથી. પુટિન પોતાની જાસૂસી સંસ્થા અને એના સાથીદારો જે માહિતી આપે એના આધારે ચાલે છે. સમીક્ષકો માને છે કે પુટિનના માણસો પુટિનને ગમે એવી માહિતીજ પુટિનને આપે છે. આમ પુટિન વાસ્તવિકતાથી ઘણા દૂર છે. જેમ કટોકટીના સમયગાળામાં મોટા ભાગના સરકારી અમલદારો અને કોંગ્રેસી નેતાઓ ઇંદિરા ગાંધીને ગમે એવી વાતો (અર્થાત્ ખુશામત) કરતા હતા અને ઇંદિરા ગાંધી વાસ્તવિકતાથી અજાણ હતાં એવું અત્યારે પુટિન સાથે થઇ રહ્યું છે. બીજું, આ માણસ આજે પણ એવા ભ્રમ હેઠળ જીવી રહ્યો છે કે રશિયા પણ અમેરિકાની જેમ મહાસત્તા છે. હકીકત એ છે કે છેક ૧૯૯૧ના ડિસેંબરમાં સોવિયેત રશિયાનું વિસર્જન થઇ ગયેલું. એના પંદરે પંદર રાજ્યો સ્વાયત્ત પ્રજાસત્તાક બની ગયા હતા.

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો યુદ્ધ થયું ત્યારથી દર મહિને રશિયાના ત્રીસ હજાર સૈનિકો કાં તો શહીદ થાય છે અથવા ગંભીર રીતે ઘવાય છે. સામ્યવાદી રશિયા સાચા સમાચારો ગમે તેટલી રીતે દબાવવાના પ્રયાસો કરે, વિદેશી મિડિયા પોતાની રીતે સાચી માહિતી મેળવીને એને જાહેર કરી દે છે. દર મહિને ત્રીસ હજાર સૈનિકો ગુમાવવાના આવે તો લડાઇ ક્યાં સુધી અને કેવી રીતે લંબાવી શકાય એ વિચારવાનું છે. એજ રીતે રશિયામાં લશ્કરી સાજસરંજામ પણ દિવસે દિવસે ખૂટતો જાય છે. યુક્રેનને બહારતી મળતી મદદ અટકાવવા પુટિને મરણિયા પ્રયાસો કર્યા છે પરંતુ યુક્રેનને સતત સહાય મળતી રહી છે. યૂરોપના મોટા ભાગના દેશો માને છે કે રશિયાએ ખોટી દાદાગીરી કરીને યુક્રેનને કબજે કરવાના પ્રયાસો કર્યા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રશિયાએ ગુંડાગીરી કરી છે.

બીજી બાજુ યુક્રેને ધાર્યા કરતાં વધુ ઝડપથી અને કુનેહપૂર્વક રશિયાના ઘણા વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલા કરીને રશિયન લશ્કરને ચોંકાવી નાખ્યું. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સતત પોતાના સાથીદારો અને લશ્કરી અમલદારો સાથે વ્યૂહરચના કરતા રહ્યા છે. જરૂર પડયે વ્યૂહરચના બદલતા રહ્યા છે. રશિયામાં જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને જઇ રહ્યા છે. યૂરોપિયન મિડિયાના કહેવા મુજબ રશિયામાં બળતણ (પેટ્રોલ, ડિઝલ, ગેસ વગેરે)ની ભયંકર અછત વર્તાઈ રહી છે અને ભાવવધારાની સાથોસાથ કરવેરા વધી રહ્યા છે એટલે નાગરિકો સતત અસંતોષ અનુભવી રહ્યા છે. રાતોરાત વિજેતા થવાની પુટિનની મનમુરાદ ફળી નથી ઊલટું પ્રથમ વિશ્વયુદ્ધની જેમ લડાઇ લંબાતી ગઇ છે.

રૉયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટીટયુટ નામની સંસ્થાના સમીક્ષકે લખ્યું છે કે ઝેલેન્સ્કીનો આત્મવિશ્વાસ ભરપુર છે કે ટૂંક સમયમાં આ લડાઇનો અંત આવશે, પુટિનને એના દેશમાં જ આકરી ટીકાનો સામનો કરવો પડશે. આમ તો પુટિન ૨૦૨૪માં ફરી ચૂંટાયા. (સામ્યવાદી દેશોમાં ચૂંટણી કેવી ગોલમાલ સાથે થાય છે એ આપણે જાણીએ છીએ.) રશિયાના કાયદા મુજબ પુટિન ૨૦૩૦ સુધી પ્રમુખપદે રહી શકે છે. એ યુક્રેન સાથેની લડાઇ જીતે તો કદાચ હજુ એક ટર્મ મળે અને ૨૦૩૬ સુધી પ્રમુખપદે રહી શકે. પરંતુ જે રીતે રશિયાનું માનવબળ અને સાધન સરંજામ ખૂટી રહ્યા છે એ જોતાં પુટિને ગમે ત્યારે સીઝફાયર જાહેર કરવું પડે તો નવાઇ નહીં.

યૂરોપના યુદ્ધ નિષ્ણાતો દ્રઢપણે માનતા થયા છે કે પુટિને યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરીને અવિચારી પગલું ભર્યું છે. એ આ યુદ્ધમાં હારી જાય તો કદાચ એણે પોતાનું પ્રમુખપદ અને પ્રતિષ્ઠા બંને ગુમાવવાના આવશે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા…..