ભગવાન ક્યાં છે? શોભાયાત્રાથી આત્મખોજ સુધીની સફર
પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા સાંજ પડવા આવી હતી. રામજી પોતાનું કામ પતાવી ઘર અને વાડી માટે ખરીદેલ

પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
સાંજ પડવા આવી હતી. રામજી પોતાનું કામ પતાવી ઘર અને વાડી માટે ખરીદેલી વસ્તુઓ બળદગાડામાં ગોઠવી રહ્યો હતો ત્યાં ચોકમાં કોલાહલ સંભળાયો. ગાડામાં પડેલ થોડું લીલું ઘાસ બળદોની પાસે નાખી અને તે ચોક તરફ ગયો. જોયું તો ચોકની ચારે બાજુ તરફ સ્ત્રી-પુરુષોની ભીડ હતી. આમ તો એ પંદરેક દિવસે એકવાર પોતાને ગામડેથી શહેરમાં આવતો. તે વિચારે છે કે,' આવી કોલાહલ કે આવી ભીડ તો મેં ક્યારે પણ જોઈ નથી.' ચોકના ખૂણા પર ઉભેલા એક સજ્જનને પૂછે છે કે,'ભાઈ, આજે લોકોની આટલી બધી ભીડ શેના માટે છે ?' તે કહે,' ધમર્મોત્સવની શોભાયાત્રા અહીંથી પસાર થશે ત્યારે ભગવાનનાં દર્શન થાય એટલા માટે બધા અહીં રાહ જુએ છે.' રામજીની વાડીથી થોડે દૂર નદીકિનારે મંદિર હતું. તે મંદિરમાં ક્યારેક કોઈ સંત આવતા તેમના સત્સંગમાં પણ જાય. એ સત્સંગમાં ભગવાન પ્રતિ પ્રાર્થના થાય તેની તેને ખબર પડતી. તો વળી ક્યારેક મંદિરમાં કોઈ કથાકાર આવે અને તે કથા-વાર્તા કરે તેમાં પણ ભગવાનની વાત આવતી.
પણ આજે તો અહીં શોભાયાત્રામાં સ્વયં ભગવાન આવવાના છે તો તેને પણ થયું કે હું પણ ભગવાનનાં દર્શન કરું. કથા-વાર્તામાં વિવિધ ભગવાનની વાતો આવે છે. ત્યારે એ મુંઝાતો કે 'આમાં ક્યા ભગવાનને ભજું ? તે વિચારે છે,'હમણાં રાત પડી જશે. મારે ઘરે પહોંચવાને મોડું થઈ જશે' પણ જવા પગ ઉપાડતા નથી. તેને થાય છે કે, ' આજે ભગવાનનાં દર્શન થાય પછી જ હું અહીંથી નીકળું.' ભીડને એળંગી એક સડકને કિનારે બરાબર ઉભો રહે છે. થોડીવારમાં ભજન ગાતી એ મંડળી આગળ ચાલે છે અને પાછળ ખુલ્લા રથમાં એક પ્રતિભાવંત પુરુષ દેખાય છે. બાજુવાળાને પૂછે છે કે, ' શું ભગવાનની શોભાયાત્રા આવી ગઈ ? આ શું છે ?' પેલો કહે, 'ના કહે, ' ના ભાઈ, આ તો મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ છે. અને તેમને ભજવાવાળા ભક્તો છે અને પાછળ શ્રીરામને માનવાવાળા તેમના અનુયાયીઓ છે.' ધ્વનિ સંભળાય છે… સિયાવર રામચંદ્ર કી જય.' થોડીવારમાં વળી કેટલીક સ્ત્રીઓ રાસ રમતી દેખાય છે અને પાછળ રથમાં પ્રતિભાવંત પુરુષ છે. તેને લાગ્યું કે 'આ ચોક્કસ ભગવાન હશે.' બાજુવાળાને પૂછે છે કે, 'આ કોણ છે ?' તે કહે, ' આ યોગીપુરુષ શ્રીકૃષ્ણ છે. ગોપીઓ રાસ રમતી રમતી આગળ ચાલે છે અને પાછળ શ્રીકૃષ્ણને માનવાવાળા તેમના અનુયાયી છે.' ધ્વનિ સંભળાય છે…'શ્રીકૃષ્ણ શરણં મમ:' ત્યાં તો વાજિંત્રો વગાડતી સાધુબાવાની એક મંડળી આવી અને રથમાં પ્રતિભાવંત પણ વેષભૂષાવાળી વ્યક્તિ જોઈ અને તે પૂછે છે કે ' આ કોણ છે ?' પેલો કહે,' આ શિવશંકર છે.' એટલામાં હર હર ભોલે નો ધ્વનિ સંભાય છે. આમ એક પછી એક મહાપુરુષોની શોભાયાત્રા તેમના ભક્તો અને અનુયાયીઓ સાથે નીકળે છે. મહાવીર, બુધ્ધ, ઇશુ અને મહમદની શોભાયાત્રા પણ નીકળે છે. તેમનો વિશાળ અનુયાયી વર્ગ પણ તેમનો જયજયકાર કરતો નીકળે છે.
ધીરે ધીરે તમામ ધર્મપુરુષોની શોભાયાત્રા નીકળી ગઈ. ધીરે ધીરે માનવમેહરામણ વિખરવા લાગ્યો. હવે ચોકમાં કે રસ્તા પર કોઈ માનવ દેખાતા નથી. તેણે વિચાર્યું કે, ભગવાન તો શોભાયાત્રામાં આવ્યા નહીં, લોકો તો ચાલ્યા ગયા. શું ભગવાનની શોભાયાત્રા નહીં હોય ? મધ્યરાત્રિના બાર વાગ્યા, રસ્તો સુમસામ હતો. ઊંડે ઉંડે તેને આશા હતી કે, કદાચ ભગવાનને ભીડ કે કોલાહલ ન ગમતો હોય, તે શાંતિપ્રિય હોય એટલે હવે નિરવ શાંતિમાં ભગવાન જરૂર આવશે.' એટલી વારમાં થોડે દૂર એક અશ્વ પર એક વ્યક્તિ બેઠેલી જોઈ અને આ ઘોડેશ્વારને આ તરફ આવતો જોયો. તેણે જોયું કે, તેણે શ્વેત વસ્ત્રો પહેરેલાં છે. મુખ પર પરમ શાંતિના ભાવો છે. જોતાં જ વહાલ ઉપજે તેવું તેનું મુખ જોતાં તેને લાગે છે કે ' ચોક્કસ આ જ ભગવાન છે.'
તે અશ્વ પાસે જઈને તે વ્યક્તિનાં ચરણને સ્પર્શ કરી કહે છે,' હે પ્રભુ ! તમારું નામ શું ? તો જવાબ મળે છે, ' હું આત્મા છું. રામજી કહે તો તમે ભગવાન નથી ? તે અશ્વસ્વાર કહે,' ના એવું નથી. મારામાં જે આત્મા છે તે જ ભગવાન છે માટે હું ભગવાનનો અંશ છું. રામ, કૃષ્ણ અને મહાવીરમાં જે આત્મા હતો તેવો જ આત્મા તારી અંદર છે. એ મહાપુરુષોએ પોતાના આત્મા પર જે કર્મના થર લાગ્યા હતા તે સત્કાર્ય-પુરુષાર્થ દ્વારા ધોયા. તેનો આત્મા નિર્મળ બની ગયો.' રામજી કહે,' બધા સાથે બહુ લોકો હતા. તમે એકલા કેમ ?' તે કહે, ' બધા અલગ અલગ મહાપુરુષોમાં વહેંચાઈ ગયા માટે હું એકલો છું પણ કશો વાંધો નહીં. તારા આત્મામાં પણ રામ બનવાની તાકાત છે. તું કોઈ પણ ભાંજગડમાં પડયા વિના તારા આત્માને જ ભગવાન માન અને સત્કાર્ય કર્યે જા, એ જ તારા માટે કલ્યાણનો માર્ગ છે' એટલું કહીને ઘોડેસ્વાર ઝડપથી ઓજલ થયો. તે વિચારે છે કે,' એવા ભગવાન છે કે મને કહે કે, તારામાં પણ ભગવાન બનવાની તાકાત છે. હવે મને સમજાયું કે કથામાં સંતો કે કથાકાર કહેતા કે 'આત્મા સો પરમાત્મા'. સાચે જ આજે મારી મૂઝવણ ટળી ગઈ અને મને સાચા ભગવાનનાં દર્શન થયાં.'






