ભક્તની જીદ સામે ઝૂક્યા ભગવાન: સ્નાન પૂર્ણિમાએ ભગવાન જગન્નાથજીને શા માટે કરાય છે હાથી વેશ?

ઑડિશાના પુરીમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં સ્નાન પૂર્ણિમા મનાવવામાં આવી રહી છે. આ એ દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દેવીનો મહાઅભિષેક કરવામાં આવે છે. આ જ ધાર્મિક વિધિથી જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મહાસ્નાન પછી ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે. આ દરમિયાન બીજી એક અદ્ભુત પરંપરા પણ નિભાવવામાં આવે છે, જે સ્નાન પૂર્ણિમાના દિવસે જ થાય છે. આ પરંપરા છે 'ગજ વેશ' (હાથી વેશ) ની પરંપરા. ભગવાન જગન્નાથ અને બલભદ્રજીનો વિશેષ શૃંગાર કરીને તેમને હાથીના વેશમાં સજાવવામાં આવે છે.
ભગવાનના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો પુરી પહોંચે છે. સ્નાન પૂર્ણિમાના દિવસે સૌપ્રથમ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને મંદિરના સ્નાન મંડપ (સ્નાન વેદી) પર લાવવામાં આવે છે અને 108 પવિત્ર કળશના જળથી તેમનો મહાઅભિષેક કરાય છે. ત્યારબાદ ત્રણેયનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ અને ભગવાન બલભદ્રને હાથીના મુખ જેવી સજાવટ વાળી આકૃતિ પહેરાવવાની પરંપરા છે, જ્યારે સુભદ્રા દેવીને કમળના સ્વરૂપમાં સજાવવામાં આવે છે. આ જ દિવ્ય શૃંગારને 'ગજ વેશ' અથવા 'હાથીનો વેશ' કહેવામાં આવે છે. ભગવાનના આ ગજ વેશ પાછળ એક રસપ્રદ કથા છે, જાણો અહીં...
પૌરાણિક કથા અનુસાર...
કથા અનુસાર, 15મી સદીમાં એક મહાન વિદ્વાન હતું, જેમનું નામ ગણપતિ ભટ્ટ હતું. તેઓ ભગવાન ગણેશના બહુ મોટા ભક્ત હતા. એક દિવસ તેઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવાના હેતુથી પુરી પહોંચ્યા હતાં. તેમણે સ્નાન યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને જોયા હતાં, પરંતુ તેમને ભગવાનમાં પોતાના આરાધ્ય ગણેશજીનું ગજમુખ (હાથી જેવું મુખ) સ્વરૂપ દેખાયું નહીં. આ કારણે તેઓ ખૂબ જ દુઃખી અને નિરાશ થયા હતાં.
ગણપતિ ભટ્ટે પુરી છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો હતો. ભગવાન જગન્નાથ જાણતા હતા કે તેમના આ ભક્તની ભાવના પવિત્ર હતી, તેથી તેમણે પોતાની દિવ્ય લીલા રચી અને ભક્તની શ્રદ્ધાનું સન્માન કર્યું હતું. બીજી વાર જ્યારે ગણપતિ ભટ્ટે સ્નાન મંડપ પર ભગવાનના દર્શન કર્યા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ભગવાન જગન્નાથનું શ્યામવર્ણ ગજાનન (હાથીમુખ) સ્વરૂપ તેમની આંખોની સામે હતું!
ભગવાને દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા
ભગવાન આ જ સ્વરૂપમાં તેમને અને પોતાના અસંખ્ય ભક્તોને દર્શન આપી રહ્યા હતા. ભગવાન બલભદ્ર શ્વેત (સફેદ) ગજાનન સ્વરૂપમાં અલૌકિક તેજ રેલાવી રહ્યા હતા, જ્યારે સુભદ્રા દેવી દિવ્ય કમળના રૂપમાં સુશોભિત થઈને ભક્તો પર કૃપા વરસાવી રહ્યા હતા. ભગવાન જગન્નાથના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ગણપતિ ભટ્ટ ભાવવિભોર થઈ ગયા હતાં.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

