ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં પહેલી મુલાકાત... અને પછી આવ્યો જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ!

- રજનીગંધા
- વિભાવરી વર્મા
'મિટીંગ માટે હોટલનો રૂમ બુક કરવાનું કોણે કીધું હતું ?' આસ્થાનું મગજ ગુસ્સાથી તમતમી ગયું હતું. સામે સાવ છોભીલો પડી ગયેલો આર્જવ ગરદન ઝુકાવીને ઊભો હતો.
'કંઇ ડિસન્સી જેવું પણ હોય કે નહીં માણસમાં ?' આસ્થાનો ગુસ્સો હજી શમવાનું નામ લેતો નહોતો. તીખી નજરો વડે આર્જવને જાણે વીંધી નાંખવાનો હોય તેમ તેની લગોલગ જઇને તે બોલી રહી હતી :
'આપણે એકબીજા સાથે મેરેજ કરવાં છે કે નહીં તે નક્કી કરવા માટે આ જ જગ્યા સુઝી ? શું અહીં આપણે સૌથી પહેલાં એ નક્કી કરવાનું છે કે આપણે ફિઝિકલી એકબીજા સાથે કોમ્પેટિબલ છીએ કે નહીં ? આઈ મિન, બોડી જ તમારા માટે એટલી અગત્યની છે ?'
આર્જવ હજી ગરદન ઝુકાવીને જ ઊભો હતો. આસ્થાએ ગુસ્સામાં પગ પછાડતાં કહ્યું :
'આઈ એમ લિવીંગ ! હું જઈ રહી છું. ધ મિટીંગ ઇઝ ઓવર !'
'જાઓ એ પહેલાં જરા મારી વાત ફક્ત એક વાર સાંભળશો ?' આર્જવ ધીમા અવાજે માત્ર આટલું જ બોલી શક્યો. આસ્થા તેની સામું જોઇને હજી ઊભી હતી.
'હવે કંઇ બોલશો ?'
'શ્યોર.' આર્જવે ગળું સાફ કર્યું. 'પહેલી વાત તો એ કે તમારી પાસે રાત્રે સાડા આઠથી સાડા નવનો જ ટાઈમ અવેલેબલ હતો. બીજું તમે શરત મુકી હતી કે મિટિંગની જગ્યા તમારા બંગલાથી દસ મિનિટની ડ્રાઈવ પર જ હોવી જોઇએ. ત્રીજું, તમે જેટલા પૈસાદાર છો એ હિસાબે મારે તમારું સ્ટેટસ જળવાય એવી જગ્યા જ બુક કરવી જરૂરી હતી એટલે -'
'એટલે આ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરી ? રેસ્ટોરન્ટમાં ના મળી શકાય ?'
'નીચે રેસ્ટોરન્ટમાં બધાં ટેબલ બુક હતાં. આજે સન્ડે ખરો ને ? વળી, નજીકમાં રેસ્ટોરન્ટો છે પણ એ બધી ઢોંસા, પરોઠા, ચાઇનિઝ ટાઈપની ઘોંઘાટવાળી જગ્યાઓ છે. એટલે -'
'એટલે તમને લાગ્યું કે કોઈ છોકરીને ડાયરેક્ટ રૂમમાં જ બોલાવી લઇએ તો શાંતિ જ શાંતિ ! એમ ને ?'
'ના ના, તમે કહેતા હો તો રૂમનું બારણું ખુલ્લું રાખીએ. બારીના પરદા પણ ખોલી નાંખીએ કેમ કે મારો એવો કોઈ ઇરાદો જ નહોતો.'
આસ્થા બે ઘડી આર્જવના ચહેરા તરફ જોઈ રહી. આંખો ઝુકાવીને ઊભા રહેલા આર્જવનો આ 'શરણાગતિવાળો' પોઝ જોઇને આસ્થાને જરા હસવું આવી ગયું. એના ચહેરા પરનું સ્માઇલ જોઇને આર્જવ તરત જ બોલ્યો :
'તમે ચા પીશો ને ? અહીં રૂમમાં એની સામગ્રી હોય જ છે. જો કે મને મિલ્ક, પાવડરની ચા નથી ભાવતી એટલે હું - '
આર્જવે એના ઝોલામાંથી દૂધનું પાઉચ કાઢ્યું એ જોતાં જ આસ્થા હસી પડી. આર્જવે તરત જ કહ્યું :
'ચા સાથે ખાવા માટે હું ચીઝ ગ્રીલ સેન્ડવીચ પણ લાવ્યો છું, જાતે બનાવીને, કેમ કે આવી મોટી હોટલોમાં ઓર્ડર આપ્યા પછી અડધો કલાક સુધી ફૂડ આવતું જ નથી હોતું.'
'વાહ, બધું એડવાન્સમાં વિચારીને રાખ્યું છે ને કંઇ ? પણ આ ઠંડી સેન્ડવીચ-'
'ગરમ કરવા માટે રૂમમાં ઓવન હોય છે જ ને ? જો કે હું મારા માટે મમ્મીનાં હાથનાં થેપલાં લાવ્યો છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ-
આસ્થાને હવે મજા પડી રહી હતી, પોતે મલ્ટિમિલીયોનર બાપની એકની એક દિકરી હતી. બાવીસ વરસની થઇ છતાં હજી કોઇના 'પ્રેમમાં' પડી નહોતી. એટલે મેટ્રિમોનિયલ વેબસાઇટ થકી અલગ અલગ 'મૂરતિયા'ને મળી રહી હતી. એમાં આ આર્જવ-
'બાય ધ વે શું ભણ્યા છો અને શું જોબ કરો છો ?'
આસ્થાએ ચા તો જાતે જ બનાવી હતી. અને સેન્ડવીચને બદલે થેપલાં પર હાથ અજમાવ્યો હતો.
'વેલ, ભણવામાં તો બીકોમ જ થયો છું. કેમ કે આમ પણ મારે મારા ફાધરનો બિઝનેસ જ સંભાળવાનો હતો.'
'અને ડેડી તો ઇમ્પોર્ટ એક્સ્પોર્ટ કે એવું કંઇ મોટું જ કરતા હશે નહીં ?' અત્યાર સુધી આસ્થાને છોકરાઓ મળ્યા હતા એના અનુભવ ઉપરથી અનુમાન લગાવ્યું.
'ના, અમારી નાનકડી ફેકટરી છે. મિકસર ગ્રાઇન્ડર, બ્લેન્ડર, ઓવન જેવી કીચન આઈટમ્સ બનાવીએ છીએ.'
'આહા ! અને તમારી બ્રાન્ડ તો વર્લ્ડ ફેમસ હશે નહીં ?'
'ના.' આર્જવ જરા હસ્યો. 'અત્યાર સુધી તો અમે મોટી કંપનીઓ માટે લેબર જોબ કરતા હતા. પણ બે વરસથી મેં રસ લઇને પ્રોડક્ટસની નવી ડિઝાઈનો બનાવડાવી છે. એનું સોશિયલ મિડીયા પર એઆઈ જનરેટેડ વિડીયો માર્કેટીંગ શરૂ કર્યું છે. રાજસ્થાન, એમપી અને કર્ણાટકમાં નવા ડીસ્ટ્રીબ્યુટર્સ એપોઇન્ટ કર્યા છે. બિઝનેસ લગભગ ડબલ થયો છે. એમેઝોનથી પણ ખાસ્સા ઓર્ડરો આવી રહ્યા છે.'
'વાઉ ! ધેટ્સ ઇન્ટ્રેસ્ટીંગ. મતલબ કે તમારો તો હવે મલ્ટિ મિલીયોનેર બનવાનો જ ટાર્ગેટ હશે નહીં ?'
'ચીની કહેવત છે, હજારો માઇલની મુસાફરીની શરૂઆત એક જ સ્ટેપથી થાય છે. વધારે પડતાં મોટા સપનાં જોવામાં આપણી ઊંઘ બહુ બગડતી હોય છે !'
આસ્થાને હવે રસ પડવા લાગ્યો. બરાબર સાડા નવ સુધી બન્ને વાતો કરતા રહ્યા. જતાં જતાં આસ્થા 'ઓલ ધ બેસ્ટ ફોર યોર, ફ્યુચર' કહેતી ગઈ... બસ. એટલું જ !
દસ દિવસ પછી આર્જવ આસ્થાના બંગલે આસ્થાના પિતાજી સામે બેઠો હતો.
'સાચું કહું આર્જવ ? આઈ એમ ઇમ્પ્રેસ્ડ... આસ્થા મારી એકની એક દિકરી છે. એટલે એને પામવા માટે કંઇ ડઝનના હિસાબે ધનવાન નબીરાઓ તલપાપડ છે. પરંતુ બધા રૂપિયાના ગુમાનમાં છે. પૈસા ઉડાડતાં શીખી ગયા છે પણ એકેય મુરતિયામાં પૈસા કમાવાની ત્રેવડ નથી.'
આર્જવ હજી ચૂપ બેઠો હતો.
'આસ્થા એવા તમામ નબીરાઓને છેક બાળપણથી બહુ સારી રીતે ઓળખે છે. પણ આસ્થાએ તારામાં કંઇ ખાસ જોયું છે એટલે -'
આસ્થાના ડેડીએ મુદ્દાની વાત કરી : 'આર્જવકુમાર હું એમ નથી કહેતો કે તમે મારા ઘરજમાઇ બનો, પણ આસ્થાના જીવનસાથી બનવાની સાથે સાથે તમે મારા બિઝનેસમાં વર્કીંગ પાર્ટનર તરીકે જોડાશો ?'

