ચમકતા હીરા પાછળની અંધકારમય કહાણી: 'નૂર-ઉલ-ઐન' અને 'દરિયા-એ-નૂર'નો લોહિયાળ ઈતિહાસ

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- જે રાણીના મસ્તક પર ક્યારેક 1469 હીરાથી જડેલો તાજ શોભતો હતો, આજે તે એક સામાન્ય નાગરિકની જેમ વિદેશમાં માતૃભૂમિની યાદોના સહારે જીવી રહી છે.
'The most beautiful Jewels often hide the darkest stories.
સૌથી સુંદર રત્નો મોટેભાગે સૌથી અંધકારમય કહાણીઓ પોતાની અંદર છુપાવી રાખે છે.
Noor-ul-Ain Glittered like a star, yet every hand that sought to possess such treasures paid a hidden price.
નૂર-ઉલ-ઐન તારાની જેમ ઝગમગતો હતો, છતાં આવા ખજાનાને મેળવવા ઈચ્છનાર દરેકને કોઈને કોઈ છૂપી કિંમત ચૂકવવી પડી.'
'The Brilliance of Darya-i-Noor dazzles the eye, but its history is shadowed by conquest, loss and whispers of curse.'
દરિયા-એ નૂરની તેજસ્વિતા આંખોને ચકાચોંધ કરી દે છે, પરંતુ તેનો ઈતિહાસ વિજય, હાનિ અને શાપની રહસ્મય ગૂંજથી આચ્છાદિત છે ?
કેટલાક લોકો માને છે કે નૂર-ઉલ-ઐન સૌભાગ્ય લાવે છે, બીજા એના ઝગમમગાટમાં ભૂલાઈ ગયેલી દુર્ઘટનાઓના પ્રતિધ્વનિ જુએ છે.
નૂર-ઉલ-ઐન અને દરિયા-એ-નૂર (Noor-ul-Ain and Darya-i-Noor) બન્ને હીરાનો ઈતિહાસ એકબીજા સાથે જોડાયેલો છે કેમ કે તે બન્ને એક જ વિશાળ શાપિત હીરાના બે ટુકડા છે. ઈતિહાસકારક અને રત્નવિશેષજ્ઞાો (Gemologists) ના માનવા પ્રમાણે મોગલકાળમાં ભારતની ગોલકુંડા ખાડામાંથી 'ગ્રેટ ટેબલ ડાયમન્ટ' નામનો એક દુર્લભ ગુલાબી હીરો નીકળ્યો હતો. કોઈ કારણસર તેના ટુકડા થઈ ગયા કે કરી નંખાયો તેનો મોટો ભાગ દરિયા-એ-નૂર (૧૮૦ કેરેટ) બન્યો અને નાનો ભાગ નૂર-ઉલ-ઐન (૬૦ કેરેટ)
બન્ને એક જ મૂળ રત્નના ભાગ છે એટલે એમની સાથે જોડાયેલી ખૂની અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ એક જેવી છે. ઈ.સ. ૧૭૩૯માં ફારસ (ઈરાન) ના ક્રૂર શાસક નાદિર શાહે દિલ્લી પર આક્રમણ કર્યું ત્યારે તેણે ભારે કતલેઆમ મચાવી અને આ હીરાઓને લૂંટી લીધા. એ શાપિત હોવાને કારણે ૧૭૪૭માં નાદિરશાહનું માનસિક સંતુલન બગડવા લાગ્યું. એના જ બે પહેરેદારોએ તે સૂતો હતો ત્યારે એની નિર્દયપણે હત્યા કરી નાંખી. નાદિરશાહના મરણ પછી એ હિરાઓ એના વંશજો પાસે ગયા જ્યાં સત્તાની લાલચમાં ખૂની સંઘર્ષ થયો. નાદિર શાહના પૌત્ર શાહરુખ મિર્ઝા પાસે જ્યારે આ હીરા હતા ત્યારે દુશ્મનોએ તેને કેદમાં પૂરી દીધો. હીરા ક્યાં છે એ જણાવવા એના પર ભારે ત્રાસ ગુજાર્યો અને તેની આંખો કાઢી નાંખી તેને અંધ કરી દીધો અને તેના માથા પર પીગળેલું ગરમ સીસું રેડવામાં આવ્યું જેના લીધે તેનું તડપીને મૃત્યુ થયું.
તે પછી તે દરિયા-એ-નૂર-હીરો જંદ રાજવંશના અંતિમ શાસક લોત્ફ અલી ખાનની પાસે પહોંચ્યો. કાજાર રાજવંશના ક્રૂર શાસક આગા મોહમ્મદ ખાનને એને હરાવીને કેદી બનાવ્યો, એની આંખો ફોડી નાંખી અને તેનું ભયાનક રીતે મોત નિપજાવ્યું. કાજાર રાજવંશના રાજા નાસિર-ઉદ-દીન શાહને દરિયા-એ-નૂર હીરો બહુ જ ગમતો હતો. તે એને પોતાના હાથ પર પટ્ટામાં લગાવીને કે બ્રોચ રૂપે પહેરતા હતા. ઈ.સ. ૧૮૯૬માં એક મસ્જિદ બંદગી કરતા હતા ત્યારે મિર્જા રઝા કરમાની નામના એક ક્રાંતિકારીએ નાસિર-ઉદ-દીન શાહની ગોળી મારીને હત્યા કરી નાંખી.
આધુનિક ઈતિહાસમાં આ બન્ને હીરા પહેલવી રાજવંશ (Pahlavi Dynasty) ના શાહી ખજાનાની શાન બન્યા નૂર-ઉન-ઐન ને મહારાની ફરાહ દીબાના તાજમાં અને દરિયા-એ-નૂર ને શાહ રઝા ૫હેલવીના શાહી બાજુબંધમાં સજાવવામાં આવ્યો. ૧૯૬૭માં શાહ મોહમ્મદ રઝા પહેલવીએ એમની પત્ની ફરાહ દીબાને મહારાની (Empress) નો દરજ્જો આપવાનો ફેંસલો કર્યો. ઈરાનના પ્રાચીન ઈતિહાસમાં આ પહેલો અવસર હતો જ્યારે કોઈ રાજાએ પોતાની રાણીની તાજપોશી કરવાનો નિર્ણય લીધો હોય. આ ઐતિહાસિક તાજ બનાવવાની જવાબદારી પેરિસમાં મશહૂર લક્ઝરી જ્વેલર વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ
લાલ મખમલ અને સોના-ચાંદીથી બનેલા આ ભારે ભરખમ તાજમાં રત્નોનો ભંડાર ભરેલો છે. તેમાં ૩,૩૮૦ હીરા (કુલ ૧,૧૪૪ કેરેટ), પાંચ મોટા પન્ના, અને ૩૬૮ સુંદર મોતીઓ છે. આ તાજમાં વચ્ચે મોટો અને દુર્લભ પીળો હીરો જડેલો છે. જેનું વજન ૬૦ કેરેટ છે. એના ઉપર સૂર્યના કિરણો જેવું સોનાનું નકશી કામ કરાયું છે.
તે પછી તેમનો આખો શાસનકાળ અશાંત રહ્યો. ૧૯૭૯માં ઈરાનમાં ઈસ્લામી ક્રાંતિ ભડકી જેના પરિણામ રૂપે તેમને પોતાના દેશમાંથી જ ભાગવું પડયું. અને એમના હાથમાંથી સત્તા કાય માટે છિનવાઈ ગઈ.
મહારાણી ફરાહ દીબા મધ્ય-પૂર્વની સૌથી શક્તિશાળી અને ગ્લેમરસ મહિલાઓમાંની એક ગણવામાં આવતી હતી. એની પાસે દુનિયાના દુર્લભ સુખ-સમૃદ્ધિના સાધનો હતા. પણ કોઈ અભિશાપથી ૧૬ જાન્યુઆરી ૧૯૭૯ની સવારે એ બધું છોડીને, દેશ પણ છોડીને ભાગવું પડયું. શાહી યુગલ મિસર, મોરક્કો, બહામાસ, મેક્સિકો અને પનામાં જેવા દેશોમાં ભટકતું રહ્યું પણ તે કોઈએ શરણ આપવાનો ઈન્કાર કરી દીધો. છેવટે મિસરના રાષ્ટ્રપતિ અનવર સાદાતે એમને શરણ આપ્યું. ૧૯૮૦માં કેન્સરને કારણે અત્યંત લાચારી અને દુ:ખદ પરિસ્થિતિમાં મિસરમાં એમનું મરણ થઈ ગયું.
ફરાહ દીબાના દુ:ખનો કંઈ ત્યાં જ અંત ન આવ્યો નિર્વાસન દરમિયાન એમના બાળકોને ભારે, ગાઢ માનસિક અવસાદ (Depression)નો સામનો કરવો ૫ડયો. ૨૦૦૧માં એમની સૌથી નાની પુત્રી રાજકુમારી લૈલા પહેલવીનું લંડનની એક હોટલમાં ડ્રગ્સના ઓવરડોઝને લીધે દુ:ખદ મરણ થઈ ગયું. ૨૦૧૧માં એમના નાના પુત્ર રાજકુમાર અલી રઝા પહેલીએ અમેરિકામાં ડિપ્રેશનને કારણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
અત્યારે ૨૦૨૬માં ફરાહ દીબા લગભગ ૮૭ વર્ષની થઈ ચૂકી છે. તે તેનો મુખ્ય સમય પેરિસ અને વોશિંગ્ટન ડી.સી.માં વીતાવે છે. તે અત્યારે પણ ઈરાનના એ શરણાર્થીઓને મદદ કરે છે જે ક્રાંતિ પછી એમનો દેશ છોડીને જતા રહ્યા હતા. તેણે એક પુસ્તક લખ્યું છે. - An Enduring Love : My Life with the Shah (એન એન્ડયોરિંગ લવ : માય લાઈફ વિથ ધ શાહ )આ પુસ્તક તેમના સોનેરી અતીત અને કાળા વર્તમાનની દાસ્તાન રજૂ કરે છે. જે રાણીના મસ્તક પર ક્યારેક ૧૪૬૯ હીરાથી જડેલો તાજ શોભતો હતો, આજે તે એક સામાન્ય નાગરિકની જેમ વિદેશમાં માતૃભૂમિની યાદોના સહારે જીવી રહી છે.
નૂર-ઉલ-ઐન અને દરિયા-એ નૂર આ બન્ને હીરાના માલિકો સાથે સતત થયેલી હિંસક અને દુ:ખદ ઘટનાઓને કારણે ઈતિહાસમાં ભારે દુર્ભાગ્ય લાવનાર અભિશાપિત (Cursed) હીરા માનવામાં આવે છે.

