ચહેરા પર સ્મિત અને ભીતરમાં ગંગા જેવી પવિત્રતા: ઓળખો એક સાફ દિલના અસલી માણસને

- એક જ દે ચિનગારી-શશિન્
પો તાના બે પુત્રોનો પરિચય આપતાં પિતા કહી રહ્યા હતા : 'આ અમારો નાનો સાવ ભોળો, પેટમાં કશું રાખે નહીં. જે કહેવું હોય તે તરત જ કહી દે.'
'પરંતુ અમારો મોટો ભારે ચાલાક છે. ભારે મીંઢો, તમે આડાઅવળા દસ સવાલ પૂછો પણ એના પેટનું પાણીયે ન હાલે. ભારે વહેવારકુશળ છે આ અમારો મોટો.'
આવા સંવાદો તમે અલગ અલગ ઠેકાણે અને અલગ અલગ માણસોને મોઢે સાંભળ્યા હશે. જેમ જેમ જમાનો ગણતરીબાજ બનતો જાય છે, સરળ અને નિષ્પાપ લોકો તેમાં જીવવા માટે ગેરલાયક ઠરે છે. કોણ જાણે જીવતર માટે આપણે એવી ખોટી ગણતરીનો પ્રચાર કરી દીધો છે કે સારી રીતે જીવવા માટે લુચ્ચાઈ ફરજિયાત છે. અને એ લુચ્ચાઈને આપણે અંગત જીવનમાં, પારિવારિક જીવનમાં અને સમાજ કે રાષ્ટ્રીય જીવનમાં એટલું મહત્વ આપી દીધું છે કે, એ પ્રકારનું ચાતુર્ય દેખાડનાર તરફ આપણે અહોભાવથી જોઈએ છીએ.
એકવાર ગાંધીજીને કોઈએ પૂછ્યું : 'બાપુ, આપનું અઠવાડિયું કેવું ગયું ?' ત્યારે એમણે બેફિકરાઈથી કહેલું 'મારું 'હરિજન બંધુ' છાપું જોઈ લો.'
ગાંધીજી પોતાની વાતો ખુલ્લંખુલ્લા મહાદેવભાઈ, સરદાર વલ્લભભાઈ, કિશોરલાલ મશરૂવાળા વગેરે આપ્તજનોને કશાય ઢાંકપિછોડા વગર કહેતા ત્યા ંસુધી તો ઠીક પણ આપ્તજનોના દોષોની છાપામાં ટીકા પણ કરતા. કહેવાય છે કે કસ્તુરબા એ પોતાની પુત્રવધૂ માટે થોડાક પૈસા બાપુને જણાવ્યા વગર સાચવી રાખ્યા હતા. ગાંધીજીને આ વાતની ખબર પડી કે એમણે છાપામાં આ વાતનો ઉલ્લેખ કરીને કસ્તુરબાના વર્તનની ટીકા કરેલી. ભલે માણસ ગાંધીબાપુની કક્ષાએ પહોંચીને 'સત્યના પ્રયોગો' સુધી પહોંચી ન શકે, પણ પોતે હળવોફૂલ રહે એ માટે એણે મનને જાતજાતના વિચારોના ભારણથી મુક્ત રાખવું જોઈએ. ઘર કે પરિવારના મોટા ભાગના ઝઘડાનું મૂળ આપણે તપાસીશું તો આપણને અવશ્ય માલૂમ પડશે કે આપણી છુપાવવાની પ્રવૃત્તિ જ આપણા નિખાલસ સંબંધો માટે શત્રુ બનતી હોય છે.
જાતને છુપાવનારાઓએ જ જગતને સદાય આફતમાં હડસેલ્યું છે. દેશને બરબાદ કર્યો છે, ને પરિવારોને પાયમાલ કર્યા છે. માણસને જાહેર કરીને શેતાન ઠરવા કરતાં છુપાવીને સાધુ બનવાનું વધારે ગમે છે, કારણ કે એમ કરવામાં સત્યાચરણને કારણે આવી પડનારા પડકારો અને સમસ્યાઓનો સામનો કરવામાંથી એને તાત્કાલિક મુક્તિ મળી જાય છે. ખાલી ન થવાને માણસ શાણપણ કે ચાતુર્ય માને છે અને પોતાના મનના ભાવો છુપાવીને સામેની વ્યક્તિને પ્રવંચિત, ભ્રમિત કે મૂર્ખ બનાવવામાં કેવી રીતે પોતે સફળ થયો એને પોતાની બુદ્ધિ અને વિચક્ષણતાનો વિજયધ્વજ માને છે. હકીકતમાં આવા પ્રસંગોએ આપણે જાતે જ છેતરાયા હોઈએ છીએ, આપણી જાત દ્વારા માણસે જેમ જેમ નિખાલસતાનો પાલવ છોડવા માંડયો તેમ તેમ તેનું અંગત, પારિવારિકસ તેમજ સામાજિક જીવન અટપટું, ગૂંચવાડાભર્યું અને અવિશ્વાસપૂર્ણ બનવા લાગ્યું. પરિણામે માણસ અંદરથી શંકિત બનવા લાગ્યો. શંકા શંકાને જન્માવે છે અને શ્રદ્ધા શ્રદ્ધાને નોતરે છે.
ફૂલને ભાષા નથી તે છતાંય તેનું ખુલ્લાપણું આપણને આકર્ષે છે. આકાશ દૂર છે, છતાં એના હૈયાની વિશાળતા આપણને આહલાદક લાગે છે. નિષ્પાપ રીતે મરક મરક હસતું બાળક તમને ગોદમાં બેસાડવાની ફરજ પાડે છે. નિખાલસ લાગણી મૂગું પ્રાણી કે આંગણામાં આકસ્મિક રીતે ફરકતું પંખી પણ સમજે છે. પોતાના પ્રિય પાત્રની વાતમાં કયાં પ્રવંચના અને દંભ છે ને ક્યાં હેતભીની લાગણીનો લસરકો છે એનો ખ્યાલ પ્રિય પાત્રને વગર સ્પષ્ટીકરણે આવી જતો હોય છે.
ગણતરીપૂર્વકનું મૌન કે ઉપેક્ષા, મીંઢાપણું, એ હૃદયની અંદર ઊભા થયેલા સંકીૂર્ણતાના કોરડાંની ચાડી ખાય છે. તમારા અંત:કરણમાં રહેલી લાગણી, સહાનુભૂતિ, પ્રેમ, આતિથ્યભાવના, પરોપકારવૃત્તિ, ત્યાગ, ક્ષમા અને ઉદારતા જો તમારા સ્વાર્થના સેફ ડિપોઝીટ વોલ્ટમાં રાખી મૂકવાની વસ્તુ બની જાય તો વ્યક્તિ તરીકે તમારાથી તમારા પરિવાર કે સમાજને શો લાભ ?
'ઉદ્ગાર'માં હૃદયની ઉષ્માવિહોણા એક ભોજન સમારંભનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. જેમાં શોરોએ નોંધ્યું છે કે : 'એકવાર હું ભોજન સમારંભમાં બેઠો હતો. તેમાં સમૃદ્ધ ખાનપાનની વાનગીઓ પાર વગરની હતી ને દેખભાળમાં કશી મણા નહોતી, પણ નિષ્ઠા અને સત્ય ત્યાં ગેરહાજર હતાં. એટલે આતિથ્યશૂન્ય ભાણેથી હું ભૂખ્યો ને ભૂખ્યો જ ચાલ્યો ગયો. આતિથ્ય કેવળ ભાવશૂન્ય હતું. આસવ કેટલો જૂનો હતો કે દ્રાક્ષનો પાક કેટલો મશહૂર હતો તેની વાતો તેઓ મારી આગળ કરતા હતા. પરંતુ હું વધારે જૂના ને તાજા અને વધારે શુદ્ધ જે આસવનો અને પ્રશંસનીય દ્રાક્ષના જે પાકનો વિચાર કરી રહ્યો હતો તે તેમની પાસે નહોતો. ને તેઓ તે ખરીદી શકે એમ નહોતા. બાહ્ય આડંબર, ઘર અને બાગબગીચા અને આગતાસ્વાગતાની મારે મને કશી કિંમત નથી. મારી પડોશમાં એક માણસ ઝાડની બખોલમાં રહેતો હતો અને એની રીતભાત ખરેખર બાદશાહી હતી. હું જો એને મળવા ગયા હોત તો સારું થાત.'
પૈસાના સામ્રાજ્યવાળા જગતમાં આપણે પ્રત્યેક વસ્તુનું મૂલ્ય રૂપિયા કે
ઉપયોગિતામાં આંકીએ છીએ. બીજાને સુખી કરવા કરતાં સુખી થવાને જ આપણએ જીવનનો ઉદ્દેશ ગણીએ છીએ. એટલે ખુલ્લા મને કશું સમર્પિત કરવાનો આનંદ લઈ શકતા નથી. જન કે જગને નિખાલસતાની ખેરાત માટે પણ મર્દાનગી જોઈએ.
પણ ખૂબની વાત તો એ છે કે, રૂપિયાની જેમ પોતાની સંકુચિત ભાવનાઓ અને વૃત્તિઓનો સંગ્રહ કરી મીંઢા રહેનારને જગત 'વ્યવહારકુશળ' ગણી વખાણે છે.
આવી વ્યવહારકુશળતાએ આપણી પાસેથી અંતરની અમીરાત છીનવી લઈને આપણને વ્યવસ્થાનાં મહોરાં બનાવી દીધાં છે. છળકપટ, દ્વેષ, ઇર્ષ્યા, દંભ અને વેરવૃત્તિને છુપાવવાનું કૌશલ વ્યવહારકુશળતાના માપદંડો બની ગયા હોય ત્યાં બિચારી નિખાલસતાનો ભાવ કોણ પૂછે ?
નિખાલસ માણસ કેવા હોય ?
૧. નિખાલસ માણસ નિષ્કપટ, ખુલ્લા શુદ્ધ દિલવાળો અને સાચાબોલો હોય છે.
૨. નિખાલસ માણસનું અંત:કરણ નિષ્પાપ અને નિર્દંભ હોય છે એટલે પોતાના અંતરની વાત તે કશીય બનાવટ વગર કહી શકતો હોય છે.
૩. નિખાલસ માણસ જીવનમાં શું પામ્યો, એના લેખાં-જોખાં કરતો નથી. બનાવટી માણસોને મળેલી આકસ્મિક સફળતા કે ફાયદા જોઈને એ લલચાતો નથી. પોતાના પવિત્ર હૃદયને જ અનુસરે છે.
૪. નિખાલસ મનના સાચુકલા માણસો ભલે મુઠ્ઠીભર હોય પણ તેઓ આ જગતનું ગૌરવ છે.
૫. નિખાલસ માણસ અંતરાત્માની સ્વીકૃતિ ન મળતી હોય તેવા કાર્યો કરતો નથી.

