જ્યારે પિતા માત્ર એક બેંક બેલેન્સ બનીને રહી જાય... બાપના અણમોલ સંબંધની એક હૃદયસ્પર્શી કહાની

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
આ જે એવા માણસની વાત કરવી છે જે જીવનમાં સૌથી વધારે કૂરબાની આપે છે. છતાં પણ તેને સૌથી ઓછી ક્રેડીટ મળે છે.આ માણસ છે પિતા.કોણ છે આ પિતા ?
પિતા એ એક એવો માણસ છે કે એ જ્યારે ઓફિસે જાય છે ત્યારે જુવાન હોય છે અને પાછો ફરે છે ત્યારે ઘરડો થઇ જાય છે.
પિતા એનું સમગ્ર જીવન પોતાના સંતાનોના ભવિષ્ય માટે લગાવી દે છે.એક બાપ પોતાની જિંદગી સંતાનોના સ્વપ્ના પુરા કરવામાં અને ઘરને સારી રીતે ચલાવવામાં વિતાવે છે. એનાં ખીસામાં પૈસા હોય કે ન હોય પણ એના દિલમાં ઘણી હિમ્મત હોય છે.પોતાના આનંદ માટે તે પાંચસો રૂપિયાના જોડા પણ નહીં ખરીદે પણ પુત્રની ઈચ્છા પૂરી કરવા દસ હજારના જૂતા પણ એ પુત્રના પગમાં પહેરાવી દેશે. આવા વ્યક્તિ સાથે પુત્રના આદર્શ સંબંધો જ હોવા જોઈએ. પણ હંમેશા એવું બનતું નથી.
સૌ પ્રથમ આપણે એક પિતા-પુત્રના આદર્શ સંબંધની વાત કરીશું.
આ વાત છે શ્રી હરિવંશરાય બચ્ચન અને અમિતાભ બચ્ચનની. યુવાન ઉંમરના હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ શ્રી હરિવંશરાય બચ્ચન આજુબાજુના શહેરોમાં મુશાયરા કરીને ઘર ચલાવવા માટેની વધારાની આવક ઉભી કરવા સતત જહેમત ઉઠાવતા હતાં. થોડાક રૂપિયા રળીને થાક્યા પાક્યા હરિવંશરાયજી પોતાના અલ્હાબાદના ઘરે મોડી રાત્રે પહોંચતા અને બંધ દરવાજાની બહાર દરવાજો ઉઘડવાની રાહ જોતા ઉભા રહેતા. એ વખતે સ્કૂલમાં ભણતો એમનો મોટો દીકરો પિતાજીના આવવાની રાહ જોતો ઘરમાં જાગતો રહેતો હતો. પિતાજીના પગલાનો અવાજ સંભળાતાજ એ બારણું ઉઘાડવા દોડી જતો. એ સાથે જ એને થાકીને ચુર થઇ ગયેલા પિતા ઉભેલા દેખાતા હતાં. પુત્રે નહીં પૂછેલા અને પૂછેલા સવાલોનો ખુલાસો કરતાં કરતાં હરિવંશરાયજી કહેતા ''પૈસા બડી મુશ્કિલસે મિલતા હૈ, બેટા.'' વર્ષો વિતી જાય છે. હરિવંશરાય સધ્ધર થાય છે. એમનો મોટો પુત્ર પણ ફિલ્મ લાઈનમાં સંઘર્ષ કરીને તેમનાથી પણ વધારે સધ્ધર થાય છે.
મુંબઈની જુહુ સ્કીમમાં પ્રતિક્ષા નામના બંગલામાં પિતા-પુત્ર અને એ બંનેના પરિવાર રહે છે. પુત્ર અમિતાભ સુપરસ્ટાર બની ગયો અને લાખો કમાતો થયો પણ મહેનત ઓછી ન થઇ. પુત્ર અમિતાભ રાતનાં બે-ત્રણ વાગે શૂટિંગ પરથી પાછો ફરે ત્યારે અત્યાર સુધી એની રાહ જોઈ જાગી રહેલા એનાં પિતા પોતે દરવાજો ખોલવા દોડી આવતાં. પિતાને જોઇને દિવસ આખાનો થાકેલો પુત્ર બોલી ઉઠતો ''પૈસા બડી મુશ્કેલસે મિલતા હૈ બાબુજી.''
હરિવંશરાય બચ્ચન અને અમિતાભ બચ્ચન જેવા સંબંધ કેટલા પિતા-પુત્ર વચ્ચે હશે. કારણ કે આ સંબંધ હતો સમજણનો, સન્માનનો અને સંઘર્ષનો. સાચો પિતા પુત્રને પૈસા કમાતા શીખવે છે અને એનો થાક પણ સમજે છે અને સાચો પુત્ર પિતાની મહેનત અને બલિદાનને ક્યારેય ભૂલતો નથી. પૈસા કમાવા જીવનમાં બહુ જરૂરી છે પરંતુ પિતાના આશીર્વાદ અને પુત્રનો આદર એ જિવનની સૌથી મોટી કમાણી છે.
જોકે દરેકે પિતા-પુત્ર વચ્ચેના સંબંધો બચ્ચન પિતા-પુત્ર જેવા સંઘર્ષના, સમજણના અને સન્માનના હોતા નથી. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે બાબર, અકબર, શાહજહાથી માંડીને ઔરંગઝેબ સુધીના પિતા-પુત્રો ક્યારેક એકમેક માટે મરી ફૂટતા તો ક્યારેક એકમેકનું કાસળ કાઢી નાખવા માટે પણ તત્પર રહેતા. મહાત્મા ગાંધી અને હરીલાલ ગાંધીની જેમ પિતા-પુત્ર વચ્ચે પ્રેમ અને તિરસ્કારનો સંબંધ અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળે છે. કારણ કોઈપણ પિતા સજાગ રહીને તેના સંતાનોમાં સંસ્કારનું સિંચન કરી શકતો નથી. નહીં તો ગાંધીજીમાં એવા ક્યાં સંસ્કારની ઉણપ હતી કે એમનો પોતાનો સગો દીકરો મોટો થઈને રખડું, દારૂડિયો, દેવાળિયો અને લંપટ બન્યો. અન્ય સેલિબ્રિટીઓમાં પિતા પુત્ર સંબંધોની વાત કરીએ તો અર્જુન સચિન તેંદુલકર, રોહન સુનીલ ગવાસ્કર, અભિષેક અમિતાભ બચ્ચન આ બધાં મહાન પિતાઓના બાળકો તેમના પિતાની જેમ પોત પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ કેમ નથી બનાવી શક્યા ? શું તેમની પાસે ક્ષમતાનો અભાવ હતો? શું તેમનામાં કંઇક પ્રાપ્ત કરવાની ઈચ્છાનો અભાવ હતો? શું તેમને યોગ્ય તાલીમ આપવામાં આવતી નહતી? શું તેમના પિતા પોતે જ મહાન બનાવામાં એટલા બધાં વ્યસ્ત હતાં કે તેમને સંતાનો માટે સમય નહતો? અથવા તો તેમની સંતાનો પાસેથી અપેક્ષા એટલી બધી ઊંચી હતી કે સંતાન ક્યારેય એ ઊંચાઈ સુધી પહોંચી જ ન શકે કે પછી એ ઊંચાઈએ પહોંચવાની દોડમાં લઘુતાગ્રંથીનો શિકાર બની જાય? આ બધા અથવા તો આમાંથી કોઈપણ કારણોને લીધે મોટા બાપનો દીકરો મોટો ન બની શકે તે શક્ય છે. બીજું એક મહત્વનું કારણ એ છે કે દરેક બાળકને મન તેના પિતા દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે. અને પોતે તેના જેવા બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલીક વાર કેટલાક બાળકોના આ બધાં જ પ્રયત્નો નિષ્ફળ જાય છે અને તેના મનમાં એક ગાંઠ બંધાય છે કે હું ક્યારેય મારા પિતા જેટલો સક્ષમ નહીં બની શકું. જ્યારે કેટલાક બાળકો પિતાની સાથે સંપૂર્ણ ઓળખ પ્રસ્થાપિત કરીને તેમનો વારસો સંભાળી લે છે અને બાપ કરતા બેટો સવાયો થાય છે.
ઉપર આપણે જોયું કે પુત્ર જ્યારે નાનો હતો ત્યારે તેના પપ્પા જ તેના હીરો હતાં. તેને ક્યારેક એન્જીનીયર બનવું હતું, ક્યારેક પાયલોટ બનવું હતું પણ હકીકતમાં તો પપ્પા જેવા બનવું હતું પરંતુ પછી ઉંમર વધી, સમજ વધી અને કદાચ અહંકાર પણ વધ્યો. પપ્પાની દરેક વાત રોકટોક લાગવા માંડી. તેમની છત્રછાંયા કેદ જેવી લાગવા માંડી અને મનમાં વિચાર આવે છે કે મારે એમના કરતા જુદા બનવું છે. મોટેભાગે પુત્ર પિતાથી દૂર નથી જતો પરંતુ એ પોતાની ઓળખ શોધવા માટે નીકળે છે. એમાં કશું જ ખોટું નથી.
આ દરમ્યાન આપણે ઈતિહાસનાં અને રાજકારણનાં ઉદાહરણો જોઈ ગયા તેમ જે પિતા-પુત્ર વચ્ચે પ્રેમ હતો એમની વચ્ચે અહંકારની લડાઈ પણ થાય છે અને જીત-હારનો સંબંધ પણ બને છે. ક્યારેક સંતાનો તેમની ઓળખ, તેમનું કુટુંબ અને તેમની જવાબદારી નિભાવવામાં પિતાની જાણ્યે અજાણ્યે અવગણના કરે છે. આ એજ પિતા છે જેમણે પોતાના સ્વપ્નાઓ અધૂરા રાખીને સંતાનોના સ્વપ્ના પુરા કરવા માટે રસ્તાઓ બનાવ્યા હોય છે. આ એજ પિતા છે જેણે સંતાનોના ભણતર, ઘડતર, કેરિયર અને નોકરી ધંધે લગાડવામાં લાખો રૂપિયા ખર્ચ્યા હોય છે. એટલે કેટલીક વાર સંતાનોની અવગણના, આદરનો અભાવ જેવા વર્તનથી પિતા આઘાત પામે છે. એટલે ભૂતકાળમાં પિતાએ કરેલા તન, મન અને ધનનાં બલિદાનની યાદ અપાવે છે. ત્યારે સંતાનો કહે છે કે તમે જે કર્યું એ બધું આમ ગણાવો નહીં કારણ આ તો દરેક માતા-પિતા કરે છે અને આ તો તમારી ફરજ છે. પરંતુ પિતાને આ ત્યારે યાદ અપાવવું પડે છે જ્યારે સંતાનો કૃતજ્ઞાતા દાખવવામાં ઘોર નિષ્ફળ જાય છે.
અત્રે સંતાનોને મારે એટલું કહેવાનું કે સંતાનો માટે પિતા એ ફક્ત મફત લોજિંગ કે બોર્ડીંગ આપતી વ્યક્તિ નથી. જ્યારે પિતાની છત્રછાયાં વગર સંતાનો પોતાના કુટુંબની જવાબદારી ઉપાડશે ત્યારે સમજાશે કે પિતા ઘરનું માત્ર ફ્રી લોજિંગ નહતા પણ આખા ઘરની સિક્યોરિટી હતાં. યાદ રાખો પિતા ફક્ત છત નથી આપતા પરંતુ પડતા પહેલા પકડવા માટે હાથ પણ આપે છે અને દુ:ખ અને નિષ્ફળતાના સમયે ખભો પણ આપે છે.
કેટલીકવાર સંતાનો બુઢાપામાં પિતાને છોડવાનો નિર્ણય લે છે. આજકાલ સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે કારણ નવી પેઢીને સ્વતંત્રતા જોઈએ છે. આ સમયે પિતા પુત્રને જુદો થતા રોકી પણ નથી શકતા. કારણ કદાચ રોકવાનો હક પણ તેમની પાસે રહ્યો નથી. પુત્ર આર્થિક રીતે પગભર થાય એટલેકે ૩૫-૪૦ વર્ષ સુધી તે પિતાની સાથે તેમના ઘરમાં નહીં પણ તેમના જીવનમાં રહે છે. પિતાની બધી જ મહેનત, ત્યાગ, ગુપચુપ થતી લડાઈઓ બધુ જ પુત્ર માટે જ હોય છે. અને જ્યારે શરીર થાકી જાય છે, અવાજ ધીમો પડી જાય છે અને પુત્રની જરૂર વધી જાય છે ત્યારે પુત્રનો અલગ થવાનો નિર્ણય એ સ્વતંત્રતા કરતા સ્વાર્થ પ્રેરિત નિર્ણય વધારે લાગે છે. કારણ જ્યાં સુધી પિતાની જરૂર હતી ત્યાં સુધી પુત્ર પિતાની સાથે હતો અને જ્યારે પિતાને સૌથી વધારે જરૂર છે ત્યારે પુત્ર દૂર થવાનું પસંદ કરે છે.
યાદ રાખો, પિતા માત્ર જવાબદારી નથી એમનું પણ સ્વમાન હોય છે. અહંકાર નહીં પણ આત્મસન્માન હોય છે અને જે પુત્ર પિતાના આત્મસન્માન પર ઘા કરે છે તે પોતાના જ મૂળિયા કાપે છે. પિતા એકલા રહેશે પણ સંબંધોની ભીખ ક્યારેય નહીં માંગે.
દેશના યુવાવર્ગને હું કહેવા માંગુ છું કે આજથી આ ત્રણ સિધ્ધાંતોનું પાલન કરો.
૧. ઓછામાં ઓછી ૩૦ મિનિટ પોતાના બાપ સાથે ચોક્કસ વિતાવો. આ દરમ્યાન તમે પોતે હસો, પિતાને હસાવો, એટલું યાદ રાખજો કે તમે જેમ મોટા થઈ રહ્યા છો એમ તમારા પિતા વૃધ્ધ થઈ રહ્યા છે. આ સમય ફરી નહી આવે.
૨. ક્યારેય તમારા પિતા સાથે ગેરવર્તન કરશો નહીં. એમની સાથે ઊંચી અવાજમાં ક્યારેય વાત ન કરશો. એમને ક્યારેય એવું લાગવા દેશો નહીં કે તેઓ બુઢા થઇ રહ્યા છે. કમજોર થઇ રહ્યા છે એટલે એમની સાથે આ રીતે વાત કરવામાં આવે છે. યાદ રાખો. તમારા કારણે એમની આંખમાંથી નીકળેલ એક આંસુ તમારું ભવિષ્ય બરબાદ કરી શકે છે. જો કે બાપ તો તમને માફ કરી દેશે પણ ઇશ્વર ક્યારેય માફ નહીં કરે.
શના યુવાવર્ગને હું કહેવા માંગુ છું કે આજથી આ ત્રણ સિધ્ધાંતોનું પાલન કરો.
૧. ઓછામાં ઓછી ૩૦ મિનિટ પોતાના બાપ સાથે ચોક્કસ વિતાવો. આ દરમ્યાન તમે પોતે હસો, પિતાને હસાવો, એટલું યાદ રાખજો કે તમે જેમ મોટા થઈ રહ્યા છો એમ તમારા પિતા વૃધ્ધ થઈ રહ્યા છે. આ સમય ફરી નહી આવે.
૨. ક્યારેય તમારા પિતા સાથે ગેરવર્તન કરશો નહીં. એમની સાથે ઊંચી અવાજમાં ક્યારેય વાત ન કરશો. એમને ક્યારેય એવું લાગવા દેશો નહીં કે તેઓ બુઢા થઇ રહ્યા છે. કમજોર થઇ રહ્યા છે એટલે એમની સાથે આ રીતે વાત કરવામાં આવે છે. યાદ રાખો. તમારા કારણે એમની આંખમાંથી નીકળેલ એક આંસુ તમારું ભવિષ્ય બરબાદ કરી શકે છે. જો કે બાપ તો તમને માફ કરી દેશે પણ ઇશ્વર ક્યારેય માફ નહીં કરે.
૩. તમારા દિવસની શરૂઆત બાપના આશીર્વાદ લઇને જ કરજો એમના દિલથી આપેલા આશીર્વાદને ભગવાન પણ ટાળી શકતા નથી.
બસ આ ત્રણ વસ્તુઓનો અમલ કરતાં શીખી જાવ. સફળતા તમારા કદમો ચુમશે.
ન્યુરોગ્રાફ :
ઈશ્વર પછીનું બીજું નામ છે પિતા

