નકલી માલનું ગ્લોબલ હબ એટલે ચીન: જાણો ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ પાછળનું અબજો ડોલરનું અર્થતંત્ર

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
દુ નિયાના નંબર વન કાઉન્ટરફિટર તરીકે ચીન આપણા દેશ કરતાં વધુ કુખ્યાત છે. એંસીના દાયકાના અંત ભાગમાં સામ્યવાદી રાષ્ટ્ર ચીને વિદેશી મૂડીરોકાણ માટે પોતાના દરવાજા ઉઘાડા મૂક્યા ત્યારે બીજિંગ તરફ દોટ મૂકનારાઓમાં સૌથી આગળ પાઇરેટ્સ (નકલી વસ્તુઓ બનાવનારાઓ) જ હતા. હોંગકોંગ, તાઇવાન અને દક્ષિણ કોરિયાથી આવેલા આ લોકો પોતાની સાથે બ્રાન્ડ ન્યુ ઓજારો અને ઉપકરણો લઈ આવ્યા હતા. ચીનના મજૂરીના દરો પર સવાર થઈને આ બે નંબરી ઉત્પાદકો મોટા પાયે બોગસ વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. એમના માલનું પેકિંગ એટલું અફલાતૂન હતું કે ગમે તેવો હોશિયાર ગ્રાહક પણ એને અસ્સલ બ્રાન્ડની વસ્તુ માની બેસે. વાસ્તવમાં, એશિયાનો એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં ચાંચિયાગીરી (પાઇરસી) ચાલતી ન હોય. એશિયન દેશોમાં વેપાર કરતી મોટી કંપનીઓ તો હવે ચીજવસ્તુઓની ચાંચિયાગીરીથી ખૂબ જ ત્રાસી ગઈ છે મને ઉત્પાદનની સાથોસાથ નકલખોરો સામે ઝઝૂમવા સારી એવી રકમનું અલગ બજેટ ફાળવવાની ફરજ પડી છે. મોટા ભાગની નકલી ચીજો એશિયામાંથી જ બીજા ખંડોના દેશોમાં ઘુસાડાય છે. આજે બજારમાં એવી કોઈ જ વિખ્યાત બ્રાન્ડ નથી જેની નકલી બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ ન હોય. કોઈ મોટી કંપની ગમે તેટલી ગુપ્તતા જાળવીને તેની પ્રોડક્ટ બહાર પાડે, પણ મહિનાઓ નહી, ગણતરીના જ દિવસોમાં હૂબહૂ તેના જેવી જ દેખાતી નકલી પ્રોડક્ટ બજારમાં અચૂક આવી જ ગઈ હોય. નવાઈ તો એ વાતની છે કે આ દેશોમાં એવુ તે કેવું તંત્ર છે કે સ્થાનિક નાના ઉત્પાદકો પાઇરેટેડ આઇટમોથી બજાર છલકાવી દે છે. એ વાત સાબિત થઈ ગઈ છે કે નકલખોરોને સરકાર તથા સશસ્ત્ર દળોમાંથી જ શક્તિશાળી વ્યક્તિઓનું પીઠબળ પ્રાપ્ત હોય છે એને કારણે તેઓ સિન્ડિકેટ બનાવીને નિશ્ચિતપણે પાઇરેટેડ ચીજાનો વેપાર કરતા હોય છે. આ ધંધામાં એશિયાના દેશોના નકલખોરો માટે ચીન ગુરુજી જેવું રહ્યું છે.
વિચિત્ર શોખનું વિચિત્ર પરાક્રમ
જે સંશોધન મેડિકલ સાયન્સે કરવાની માથાકૂટ કરી નથી એવું ઇરાકના અબ્દુલ્લા અલ-બસરી નામના મહાશયે કર્યું છે. આ ભાઇને કંઈક વિચિત્ર શોખ જાગ્યો અને તેમણે એમની બંને આંખના ડોળાંને શક્ય એટલાં માથાની બહાર કાઢવાની 'કળા' શીખી લીધી. તેઓ એમની આંખની આસપાસના સ્નાયુઓને કન્ટ્રોલ કરીને ડોળાં બહાર કાઢી શકે છે. આવું થઈ શકે છે એવું જાણવાની આજ સુધી કોઇએ પરવા સુદ્ધાં કરી નહીં હોય ત્યારે અલ-બસરી એમની આ 'ટ્રિક' દેશવિદેશમાં બતાવી રહ્યા છે. જોર્ડનના પાટનગર અમાનના એક ક્લિનિકમાં તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો ત્યારે ત્યાંના ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. તેમણે ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવું ભાગ્યે જ કોઈ કરી શકે. જોકે અલ-બસરીને આવું કરવાની એમની આંખોને કેટલું નુકસાન પહોંચતું હશે એ વિશે હજી સુધી કોઈ વાત બહાર આવી નથી.
આઇબીએસ કઈ બલા છે?
કામકાજના કલાકો બગાડવામાં શરદી બાદ આઇબીએસ (ઇરિટેબલ બોવલ સિન્ડ્રમ) બીજા નંબરે આવે છે. તબીબો માને છે કે આ સમસ્યા શારીરિક કરતાં માનસિક વધુ છે. જે લોકો ચિંતા, તાણ અને માનસિક અસ્વસ્થતા હેઠળ રહે છે એમને આ તકલીફ વધુ થાય છે. આઇબીએસના ઉપાય તરીકે ડૉક્ટરો કહે છે કે સવાર અને રાતનું જમવાનું દરરોજ નિયમિત સમયે લેવું જોઇએ. દરરોજ એક જ સમયે જમવાથી આંતરડાની પ્રક્રિયાનું નિયમન થાય છે. જમવાનું ચૂકવું પણ ન જોઇએ અને સાથોસાથ વધુપડતું પણ ખાવું ન જોઇએ. ખોરાકમાં રેસાવાળા પદાર્થો (ફાઇબર) વધારવા જોઇએ. દરરોજ ૨૦થી ૩૦ ગ્રામ ફાઇબર પેટમાં જવું જોઇએ. ધીમે ધીમે એનું પ્રમાણ વધારવું જોઇએ. તાજાં ફળો અને કાચા શાકભાજીમાંથી એ વધુ મળે. આઇબીએસવાળાઓએ પાણી ખૂબ પીવું જરૂરી છે. એને કારણે મળ સહેલાઇથી ઉતરે છે. દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઇઅ. આમાં કોલ્ડ ડ્રિન્ક્સને ગણતરીમાં લેવાનું નથી. જે ખોરાક તમારા આંતરડાને માફક આવતો ન હોય એને ઓળખીને તમારે એ ખાવાથી દૂર રહેવું જોઇએ.
નૃત્ય આવડવાનાં ફાયદા પણ છે!
હેલન લુઇસ નામની નર્તકીએ તેની આત્મકથામાં લખ્યું છે, ''બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓએ મને યહૂદી જોઇને પકડી.
ત્રીજે દિવસે મારે ગેસ ચેમ્બરમાં મરી જવાનું હતું. પણ બીજે દિવસે નાઝી લશ્કરમાં ઉજવણી હતી. મ્યુઝિક વાગ્યું ત્યાં મારા પગ થનક્યા. નાઝી સૈનિકોએ મને ખેંચીને ડાન્સ કરાવ્યો. મારો અદ્ભુત ડાન્સ જોઇને સૈનિકો આફરીન થઈ ગયા. મારી જાન બચી ગઈ.''
ગાવા માટેની હૂંસાતૂંસીમાં હિંસા!
આજથી બે ત્રણ દાયકાઓ અગાઉ ગામડામાં રમાતી ભવાઈઓમાં રસિયાઓ 'ફરમાઇશ' પર ઊતરી આવતા. એક વ્યક્તિ દસ રૂપિયાની ઓફર કરીને 'જૂઠ બોલે કૌઆ કાટે...' ગવડાવે એટલે બીજી વીસ રૂપિયા આપીને તે કટ કરાવે અને 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' ગવડાવે. વાત વટ પર અને અનેક વખત ખૂનખરાબા પર ઊતરી આવતી. થાઇલેન્ડના બેંગકોંક શહેરમાં આધુનિક સમયમાં જૂના વટને નવું સ્વરૂપ મળ્યું છે. બેંગકોંકમાં 'કારાઓકે' બાર મોટી સંખ્યામાં ખૂલ્યાં છે. તમે ત્યાં તમારું મનપસંદ ગીત તેના મૂળ સંગીત સાથે ગાઈ શકો છો. પણ દરેકને ગાવું હોય છે અને ઘણાંને પ્રથમ ગાવું હોય છે. કોનો વારો છે તે નક્કી કરવામાં મારામારી થઈ પડે છે, અને તેમાં આજ સુધીમાં છ ખૂન થઈ ગયાં છે. જેની પાસે આવા ફાલતુ શોખ માટે પૈસા હોય એ જ આવાં ખૂન ખરાબા કરે. અને કોની પાસે ફાલતુ પૈસા હોય છે? સીધો અને સરળ જવાબ છે, 'પોલીસ પાસે.' હાજી, બેંગકોંકના પોલીસ અધિકારી સાંગેવોમને કરાઉકે ગાવાનો જબરો નાદ લાગ્યો. એક પછી એક ગીત ગાવા માંડયા. બારના માલિકોને ખબર હતી કે સાહેબ પોલીસ ઓફિસર છે. એમને કોણ રોકે? પણ જાણતા ન હોય તેવા ગ્રાહકોનું શું? એમણે ત્રીજા ગીત બાદ સાંગવોમનો હુરિયો બોલાવવા માંડયો. સાહેબ પાસે પિસ્તોલ તૈયાર હતી. એકનું ઢીમ ઢાળી દીધું અને બીજા એકને ગંભીર રીતે ઘાયલ કર્યો. સંગીતની આ પણ એક દુનિયા છે!

