મનમાં શંકાઓ સાથે સત્ય શોધવા નીકળેલા આધુનિક 'ચાર્વાક' અને ઇન્ટરનેટનું અધૂરું જ્ઞાન!

- તારી અને મારી વાત
- હંસલ ભચેચ
'મારા જેવું તો ઘણા બધાને થતું હોય છે, તમે એને ડિપ્રેશન તરીકે નિદાન કરો અને કહો કે મારા મગજમાં અમુક રસાયણોની ગરબડ છે તો કેવી રીતે માની લેવું કે એ વાત સાચી છે?!' હમણાં મને એક વ્યક્તિએ તેના નિદાન અંગે આવો પ્રશ્ન પૂછયો. તમને જો એવો પ્રશ્ન થતો હોય કે આવું કોણ પૂછે?! તો હું તમને કહી દઉં કે લોકો કંઈપણ પૂછતાં હોય છે, પૂછનારા તો રોજના પાંચ પેગ પીતા હોય અને દવાની લીવર પર અસર વિષે પૂછતાં હોય છે! રોજીંદુ ફાસ્ટફૂડ, આઈસ્ક્રીમ-ગોળા-ચોકલેટ્સ ખાતા હોય અને દવાથી વજન વધે કે નહીં એમ પણ પૂછતાં હોય છે. વાસ્તવમાં એમને દારૂ પીવાથી લીવર બગડે કે કેલેરી અને ખાંડથી ભરપૂર ખોરાક લેવાથી વજન વધે તે બાબતથી કોઈ લેવા-દેવા નથી હોતી! કદાચ એવું માનતા હશે કે મારી આદતોથી મારા શરીરનું જે થવું હોય તે થાય પરંતુ સારવારથી કઈં ખોટું ના થવું જોઈએ!
'મોટાભાગના કિસ્સાઓમાં અમે આ નિદાન લક્ષણો, કેસ હિસ્ટરી અને અમારા અનુભવના આધારે કરતા હોઈએ છીએ' મેં કહ્યું.
'તો આના માટે કોઈ ટેસ્ટ કે એવું ના આવે જેથી ખબર પડે કે રસાયણોની વધ-ઘટ છે કે નહીં?!' હજી એમનો સંશય ત્યાં જ હતો, કદાચ વધુ ઘેરો થયો હતો. આડકતરી રીતે તેમણે મને કહી દીધું હતું કે લક્ષણો કે અનુભવ, એ બધું તો ઠીક, મને સાબિતી મળે એવું કોઈ પરીક્ષણ કહો!
એમનું કન્સલ્ટેશન પત્યા પછી મારી સાથે બેઠેલી ઇન્ટર્ને મને પૂછયું 'કોઈ નિદાન પર આવી શંકાઓ કરે તો તમને ખરાબ ના લાગે?!'
'સવાલ શંકાનો નથી, ક્યાં, ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવી એનો છે. ફિલોસોફીમાં ચાર્વાકને ભણી છું?! આ વ્યક્તિઓને હું આધુનિક ચાર્વાક ગણું છું, જે પ્રત્યક્ષ હોય તેને જ સાચું માનવાનો એમનો સ્વભાવ હોય એવું બને, એમાં આપણે નારાજ થઈને આપણો મૂડ થોડો બગાડવાનો હોય?! શક્ય તેટલું પ્રમાણ આપવાનું નહીંતર એમની પાસે ચેટ જીપીટી કે ગૂગલ તો છે જ!' આટલું કહીને હું બીજા દર્દી સાથે વ્યસ્ત થઇ ગયો પરંતુ એ પહેલા મેં એને આશ્વાસન આપી દીધું કે આ વિષયમાં હું લખીશ ચોક્કસ.
ચાર્વાક એક વ્યક્તિ હતો કે સમુદાય એમાં મતમતાંતર છે, આપણે એ બાજુમાં મૂકીને એમની એક વિચારધારા વિષે વાત કરીએ. જે પ્રત્યક્ષ અનુભવાય છે એટલું જ માનવું અર્થાત ઇન્દ્રિયોથી અનુભવાય એટલું સાચું બાકી બધું સંદેહજનક! સંદેહ હોવો ખોટો નથી પરંતુ પ્રત્યક્ષ સિવાય કોઈ બાબત માટે અન્ય પ્રમાણ, સાબિતી હોઈ શકે એ ના માનવું મુશ્કેલીજનક છે કારણ કે એ સંદેહ નથી શંકા છે. શબ્દકોશમાં ભલે સંદેહ અને શંકા સમાનાર્થી હોય પરંતુ મારી દ્રષ્ટિએ એમાં તીવ્રતા અને જડતાનો ભેદ છે, શંકાઓ તીવ્ર અને જડ હોય છે. સંદેહમાં તીવ્રતા અને જડતા આવવા માંડે ત્યારે તેનું સ્થાન શંકા લેવા માંડે. સંદેહનું સમાધાન કરી શકાય પરંતુ શંકા દેખીતા સમાધાન પછી પણ હર્પીસ વાઇરસની જેમ વર્ષો સુધી શરીરમાં પડી રહે અને ગમે ત્યારે પાછી સક્રિય થાય!
જેનો પ્રત્યક્ષ અનુભવ કરીએ તેને સાચું માનીએ એમાં કંઈ ખોટું નથી પરંતુ માત્ર એને જ સાચું માનવું એ ખોટું છે. સંદેહના સમાધાન માટે કે જ્ઞાન માટે પ્રત્યક્ષ સિવાય બીજા પાંચ પ્રમાણ ભારતીય તત્વજ્ઞાનમાં છે. તમે ટીવી ચાલુ કરો અને ટીવીમાં જમીનદોસ્ત થઇ ગયેલા મકાનોના કાટમાળને દર્શાવતા દ્રશ્યો આવતા હોવ તો તમે તરત અનુમાન કરો કે ક્યાંક ભૂકંપ આવ્યો હશે કે બોમ્બમારો થયો હશે. આવા સમયે એવું થોડું કહેવાય કે મેં અનુભવ્યો નથી એટલે હું ના માનું! સવારમાં શહેર ભલે ચારેકોર ભીનું હોય પણ રાત્રે વરસાદ આવ્યો હશે એ હું ના માનું! તો સાચું કે યોગ્ય અનુમાન કરવું એ એક પ્રકારની સાબિતી છે. બીજું પ્રમાણ છે, શબ્દ પ્રમાણ. મિકેનિક આપણને કહે કે કારની બેટરી બદલાવવી પડશે તો આપણે મીટર લઈને પાવર ચેક કરવા થોડા બેસીએ છીએ?! ચેક કરવાવાળા કેટલાક ચાર્વાક હશે તેની ના નહીં પરંતુ મોટાભાગે આપણે એના શબ્દોને પ્રમાણ માનીએ છીએ. અનુભવીઓ, નિષ્ણાતો, જાણીતી વ્યક્તિઓ, વક્તવ્યો, પુસ્તકો વગેરેના પ્રામાણિક-વિશ્વસનીય અભિપ્રાયને આપણે સાબિતી તરીકે માનીએ છીએ. અલબત્ત આપણી આ ચેષ્ટાનો લાભ જાહેરાતોમાં સેલિબ્રિટીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વગેરે દ્વારા પુષ્કળ ઉઠાવવામાં આવે છે. આજે ઘણી વ્યક્તિઓ શબ્દ પ્રમાણ માટે ગુગલદેવ, ચેટ જીપીટી, વોટ્સએપ યુનિવર્સીટી વગેરેના સહારે છે. જાણકારો, અનુભવીઓ કે નિષ્ણાતો ગમે તે કહે પણ હું તો ઓનલાઇન પ્રમાણપત્ર મળે તો જ માનું નહીંતર હજાર પ્રશ્નો કરું અને મને મન ફાવે તેવા અખતરાઓ કરું ! હમણાં મને એક ટીવી મુલાકાતમાં કાર્યક્રમ સંચાલકે પૂછયું કે ડોક્ટર પર ભરોસો રાખવો કે ચેટ જીપીટી પર?! મેં કહ્યું 'તમારી સમસ્યાનું સમાધાન અને સારવાર જોઈતી હોય તો ડોક્ટર ઉપર, નહીંતર ચેટ જીપીટી પર!
ગુગલ કે ચેટ જીપીટી સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણકારી મગજમાં ઘુસી જાય!! સરવાળે, મૂંઝવણમાં વધારો, મન ભયભીત અને શંકાઓનો પાર નહીં. પાંચ દિવસમાં ઠેકાણે પડતી બાબત પંચાવન દિવસે કઈંક નવું જ રૂપ ધારણ કરીને ખોળામાં બેઠી હોય! એવું નથી કે આ સમજાતું નથી પરંતુ આ આદત હવે છૂટવાની નથી. કારણ કે, આપણા દરેકના મનમાં એક સંશોધક, એક વિજ્ઞાની જીવે છે જેને અન્યની વાત પર ભરોસો કરતા પોતે કરેલી સાવ ખોટી અને હમ્બગ શોધ પણ વધુ કિક આપતી હોય છે! ડોકટરે નિદાન કરીને સારવાર લખી આપી એમાં શું મઝા આવે?! આપણે એ સારવારમાં પાંચ સાચી-ખોટી શક્યતાઓ કે ભૂલો કાઢીએ તો મનની ખંજવાળ શમે. ગુગલ કે ચેટ જીપીટી કરવામાં સુષુપ્ત સ્તરે સત્યની શોધમાં નીકળેલા સન્યાસી જેવી અનુભૂતિ થતી હોય છે અને કંઈક પોતાને અગત્યનું કે સાચું લાગે એવું જડી આવે તો રહસ્ય ઉકેલીને બેઠેલા ડિટેક્ટિવ જેવો ઉન્માદ મગજમાં છવાઈ જાય! હજુ સત્ય અને જ્ઞાનના ત્રણ બીજા પ્રમાણ છે, આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ...
પૂર્ણવિરામ : હજી સુધી મને એક પણ વ્યક્તિ એવી નથી મળી કે જેણે મને કહ્યું હોય, કે ઓનલાઇન ખાંખાખોળા કરીને મને મારી બીમારીની સાચી સમજ મળી ગઈ છે. મળી છે તો, અન્ય નિદાનની શક્યતાઓ, દવાની આડઅસરો કે અખતરા જેવા ઉપચારો!

