મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Shatdal : બરોળવૃદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય : ગાજરનો રસ

- આરોગ્ય સંપદા - સાંજ પછી ગાજરનો ઉપયોગ કરવો નહિ. ગાજરને ઉપયોગમાં લેતા પહેલાં ગાજરની વચ્ચે રહેલો સફેદ ભ

Shatdal : બરોળવૃદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય : ગાજરનો રસ

- આરોગ્ય સંપદા

- સાંજ પછી ગાજરનો ઉપયોગ કરવો નહિ. ગાજરને ઉપયોગમાં લેતા પહેલાં ગાજરની વચ્ચે રહેલો સફેદ ભાગ કાઢી નાખવો.

બરોળનું વધી જવું એને સ્પ્લીનોમેગાલી કહેવાય. સામાન્ય રીતે સવાસો ગ્રામ વજન ધરાવતી બરોળ રોગની સ્થિતિમાં વધીને અડધા કિલો જેટલી થઈ જતી હોય છે.

જૂનો મેલેરિયા,ઈન્ફેકશન,લીવર (યકૃત)ને લગતા રોગો અને કેન્સર જેવી સ્થિતિમાં અથવા આવી રોગજન્ય સ્થિતિ ન હોય તો પણ બરોળ વધી ગયેલી જોવા મળે છે. એના ઇલાજરૂપે નીચેના પ્રયોગો ધીરજપૂર્વક કરી શકાય.

એકવીસ દિવસ સુધી રૂચિ અનુસાર ખોરાકમાં માત્ર બાફેલાં મગ-ભાત લેવા. કોઈપણ મસાલાનો ઉપયોગ કરવો નહિ. નમકનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરવો. આ ઉપરાંત જ્યારે પણ રૂચિ હોય ત્યારે તાજા ગાજરનો રસ પીવો. રસમાં બીજું કોઈ દ્રવ્ય ઉમેરવું નહિ. એક ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણ વખત લઈ શકાય. સાંજ પછી ગાજરનો ઉપયોગ કરવો નહિ. ગાજરને ઉપયોગમાં લેતા પહેલાં ગાજરની વચ્ચે રહેલો સફેદ ભાગ કાઢી નાખવો.

વાંચક મિત્રો, ગાજરમાં પ્રોટીન, કોર્બોહાયડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ જેવાં તત્વો તો રહેલાં જ છે 

હાઉઝર અને બર્ગના પુસ્તક 'ડિકશનેરી ઓફ ફૂડ'માંથી મળતી માહિતી અનુસાર ગાજરમાં ઈન્શ્યુલીન જેવું તત્વ મ્યુસીન અને હોર્મોન જેવું તત્વ ટોકોનીન રહેલાં છે.

ડોક્ટર ક્રાઇલના મત મુજબ ગાજરમાં સૂર્યકિરણોની વિશેષરૂપે કેન્દ્રિત થયેલી ઉર્જા છે, જે જીવનક્રિયા માટેની આવશ્યક શક્તિ પૂરી પાડે છે.

ડોક્ટર બોર્ગોટ નોંધે છે કે, ગાજરમાં ચેપ થતો અટકાવવાનો ગુણ છે. એટલું જ નહિ પણ શરીરમાં રહેલી ખટાશ (અમ્લતા) અને ખારાપણું (ક્ષારતા) આ બંનેને સંતુલિત કરવાનો ગુણધર્મ રહેલો છે.

ગાજર માત્ર બરોળવૃદ્ધિ જ નહિ પણ આંખને લગતાં રોગોમાં, લોહીની ઉણપમાં અને ઈન્ફેકશનમાં પણ લાભદાયી પરિણામ લાવી શકે છે.

બરોળવૃદ્ધિ માટે આપણી પ્રાચીન 'કાશ્યપસંહિતા'માંથી બીજો એક સિદ્ધ પ્રયોગ આ મુજબ છે. રસોઈમાં માત્ર ને માત્ર સરસિયાના તેલનો ઉપયોગ કરવો. એ સિવાય અન્ય કોઈપણ તેલ કે ઘીનો ઉપયોગ કરવો નહિ. લાંબા સમય સુધી આમ સરસિયાના તેલનો ઉપયોગ કરવાથી અવશ્ય ફાયદો થશે.

વાચકમિત્રો, ઉપર જણાવેલા પ્રયોગો અનુભવસિદ્ધ છે. ધીરજપૂર્વક એનું પાલન કરવાથી ફળદાયી પરિણામ મળશે. સાથે યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી.

-  વિસ્મય ઠાકર

આ સમાચાર શેર કરો