Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : If a time in the past opens up in an incomprehensible way, one can reach a place in that time!

Shatdal: ભૂતકાળનો કોઈ સમય ખંડ અગમ્ય રીતે ખૂલી જાય તો તે વખતના સ્થળમાં પહોંચી જવાય!

Timeછેલ્લું અપડેટ : 28 May 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal: ભૂતકાળનો કોઈ સમય ખંડ અગમ્ય રીતે ખૂલી જાય તો તે વખતના સ્થળમાં પહોંચી જવાય!

- ગોચર-અગોચર 

App Store

- એ હોટલનું દેખાવું એ કોઈ દ્રષ્ટિભ્રમ કે ક્ષણિક ચિત્તભ્રમ નહોતો. તેઓ તેમાં રહ્યા હતા, જમ્યા હતા એ હકીકત હતી

મહાન ભૌતિક વિજ્ઞાાની આલ્બર્ટ આઈનસ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર સમય સાપેક્ષ છે. તે નિશ્ચિત દરથી પસાર થતો નથી. તે ગતિ પ્રમાણે બદલાઈ જાય છે. જો કોઈ વસ્તુ પ્રકાશની ગતિની ઝડપે મુસાફરી કરતી હોય તો તેના માટે સમય ધીમો થઈ જશે જ્યારે પૃથ્વી પર રહેનારા લોકો માટે સમય સામાન્ય દરથી પસાર થશે. તે કહે છે કે આકાશ અને સમય એકબીજા સાથે જોડાયેલા છે અને તે એક નિરંતરતા બનાવે છે જેને અંતરિક્ષ-સમય કહેવાય છે.

સામાન્ય રીતે આપણે કાળના ત્રણ વિભાગ માનવીએ છીએ-ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આમ તો કાળ એક જ છે - વર્તમાનકાળ. પરંતુ સૃષ્ટિ અને સમયની ગતિના કારણે આ વિભાગો દ્રશ્યમાન થાય છે. જગતની દરેક ક્રિયા વર્તમાનમાં જ થાય છે પણ થોડીવાર પછી તે ભૂતકાળ બની જાય છે. જીવનનો ઉદ્દભવ તો વર્તમાનમાં થાય છે. તે પછી તેની ગતિ ધીમી પડી જાય છે અને સમય ઘણો આગળ નીકળી જાય છે તેના પરિણામ રૂપે તે આગત એટલે કે 'આવી ગયેલ' અને અનાગત એટલે કે 'આવવાનો બાકી' એવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. દુનિયામાં બનતી બધી ઘટનાઓ સમયની સાપેક્ષ જ હોય છે. ક્યારેક ચેતનાની કોઈ કાલાતીત કહેવાતી દશામાં આવી જાય છે ત્યારે તે વર્તમાન સમયની બહાર નીકળી જાય છે અને ભૂતકાળ તથા ભવિષ્યકાળનું પ્રત્યક્ષીકરણ કરી લે છે. કોઈને ક્યારેક પ્રાચીન કાળના સ્થળો કે પ્રાગૈતિહાસિક ઘટનાઓ દ્રશ્યમાન થઈ જાય છે. આ ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં તત્કાલીન, પ્રાચીન કાળના નગર, ઈમારતો, સ્થળો, લોકો દેખાઈ જાય છે. એટલું જ નહીં એમની સાથે મુલાકાત, વાતચીત કે વ્યવહાર પણ થઈ જાય છે ! એ રીતે જો વર્તમાનમાં ભવિષ્યની શાખા ખૂલી જાય તો આગામી સમયમાં બનનારી ઘટના કે આકાર લેનારી ઈમારત વગેરે પહેલેથી દ્રશ્યમાન થઈ જાય છે.

લેન ગિસ્બી અને સિમ્પસન દંપતીના જીવનમાં બનેલી એક ઘટના દૂરના ભૂતકાળના સમય અને સ્થળના પ્રત્યક્ષીકરણની છે. લેન ગિસ્બી અને તેની પત્ની સાઈન્નિઆ તેમના મિત્ર દંપતી સિમ્પસન અને તેની પત્ની પોલિન સાથે સ્પેનની મુસાફરીએ જવા નીકળ્યા હતા. તે ૧૯૭૯ના ઓક્ટોબરના દિવસો હતા. તેમણે જે રસ્તો પસંદ કર્યો હતો તે ફાંસ થઈને સ્પેન જતો હતો. બન્ને દંપતીઓ મોટર કાર દ્વારા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ મોન્ટેલા બારમાં સાંજ પસાર કરી. પછી બાજુમાં આવેલી હોટલ ઈબિસના પાર્કિંગમાં કાર પાર્ક કરી હોટલમાં જઈને રાત્રિ રોકાણ માટે રૂમનું બુકિંગ થઈ શકે છે કે નહીં તે અંગે પૂછપરછ કરી ત્યારે રિસેપ્શનિસ્ટે જણાવ્યું કે તે રાત્રે એક પણ રૂમ ખાલી નથી. એટલે બીજી હોટલની શોધમાં આગળ નીકળ્યા.

ત્યાંથી થોડેક આગળ વધ્યા હશે ત્યાં રસ્તાની ડાબી બાજુએ લાલ પથ્થરોથી બનેલું એક બે-માળિયા મકાન દેખાયું. એ મકાન કોઈ હોટલ જ હશે એમ લાગતું હતું. છતાં તેની ખાતરી કરવા અને તે હોટલ જ હોય તો એમાં કોઈ રૂમ ખાલી છે કે નહીં તેની તપાસ કરવા લેન ગિસ્બી એની અંદર ગયો. એમાં અંદર પ્રવેશતાની સાથે જ તે સીધો એક બારમાં પહોંચી ગયો. ગિસ્બીએ ત્યાંના એક કર્મચારીને કોઈ રૂમ ખાલી છે કે નહીં તે વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું - 'અત્યારે એક નહીં, અનેક રૂમો ખાલી છે એટલે તમે અહીં રાત્રિ-રોકાણ કરી શકો છો.'

આ માહિતી મેળવી ગિસ્બી બહાર આવ્યો અને બધાને લઈને સામાન સાથે અંદર આવ્યો. એ ચારેયને આ હોટલની વ્યવસ્થા વિચિત્ર લાગી. હોટલમાં પ્રવેશતા પહેલા રિસેપ્શન રૂમ આવે, પણ અહીં તો સીધો બાર જ આવતો હતો. બારના કાઉન્ટર પરથી જ ખાલી રૂમની માહિતી મળી અને તેમની માગણી પ્રમાણે તેમને એક રૂમ ફાળવવામાં આવ્યો. હોટલની બધી જ બાબતો અનપેક્ષિત અને વિચિત્ર લાગતી હતી. એના ઓરડા, ફર્નિચર, પડદા, જાજમ વગેરે પ્રાચીન ફ્રેન્ચ શૈલીના દેખાતા હતા. તે બધા રૂમમાં જઈ તેના બાથરૂમમાં હાથ-પગ-મોં વગેરે ધોઈ ફ્રેશ થઈ પાછા બારમાં આવ્યા. ત્યાં બિયર પી સ્વાદિષ્ટ ભોજન કર્યું. પછી પાછા રૂમમાં આવી થાકને કારણે વહેલા સૂઈ ગયા.

સવારે ચા-કોફી-નાસ્તો કરી, નાહી-ધોઈ-તૈયાર થઈ એમનો સામાન લઈ નીચે આવ્યા. ત્યાં તેમણે એક પુરુષ અને સ્ત્રીને જોયા જેમનો પહેરવેશ બે-ત્રણ સદીઓ પહેલા ફ્રાંસના સ્ત્રી-પુરુષો પહેરતા હતા તેવો હતો. તે ચારેય બારના કાઉન્ટર પર આવ્યા અને રૂમનું ભાડુ, ભોજન વગરેનું કેટલું બિલ થયું તે માંગ્યું. ત્યાં બેઠેલા કર્મચારીએ હિસાબ કરીને બિલ આપ્યું. બધું મળીને બિલની રકમ હતી માત્ર ૨૯ ફ્રેન્ક એટલે કે ૨ પાઉન્ડ. આ વાંચીને તેમના વિસ્મયનો પાર ન રહ્યો. તેમને લાગ્યું કે કર્મચારીની કોઈ ભૂલ થતી હશે. આટલી ઓછી રકમ તો ના જ હોઈ શકે. તેમણે તેને ફરી હિસાબ કરવા કહ્યું. તેણે ફરી ગણતરી કરીને કહ્યું કે બધું બરાબર છે. તમારું આટલું જ બિલ છે. આટલું બધું ઓછું બિલ કેવી રીતે તેવું પૂછ્યું પણ ખરું તો તેણે કહ્યું - નિયમ પ્રમાણે જે છે તે આ જ છે. પછી પૈસા ચૂકવી તે ત્યાંથી નીકળી ગયા.

રસ્તામાં તેમણે આ અસામાન્ય હોટલની જ વાતો કરી અને નક્કી કર્યું કે સ્પેનમાં વેકેશન ગાળ્યા પછી પાછા ફરતી વખતે આ હોટલમાં જરૂર બે-ત્રણ દિવસ રોકાશે. તેમણે નક્કી કર્યું હતું તે પ્રમાણે સ્પેનથી પાછા ફરતા તે હોટલવાળા સ્થળે પહોંચ્યા તો ત્યાં તે હોટલ જ નહોતી. તે કોઈ ખોટી જગ્યાએ તો આવી ગયા નથી ને ? તેની ખાતરી કરવા તે આજુબાજુમાં ફર્યા. પહેલાં જ્યાં ઈબિસ હોટલ હતી તે નો ત્યાં જ હતી. પછી મોન્ટેલા બાર ગયા. તે પણ ઈબિસની બાજુમાં જ હતો. તેમણે તે બન્ને જગ્યાએ નજીકમાં આવેલી બે-માળિયા, લાલ પથ્થરની હોટલ વિશે પુછપરછ કરી પણ તેમણે કહ્યું કે તમે કહો છો એવી કોઈ હોટલ અહીં ક્યાંય છે જ નહીં ! તેમણે આજુબાજુના કેટલાય માઈલના વિસ્તારોમાં ફરીને તેની તપાસ કરી પણ ક્યાંય તે ન જ મળી. તેમણે અનેક લોકોને આ વિશે પૂછ્યું પણ કોઈને એના વિશે કશી ખબર નહોતી. પછી તેમણે તપાસ પડતી મૂકી. આ ઘટના બની એના ચાર વર્ષ પછી ઈ.સ. ૧૯૮૩માં તે ફરી સ્પેન જવા નીકળ્યા અને મોન્ટેલા બાર અને હોટલ ઈબિસ પાસે રોકાયા અને પેલી લાલ પથ્થરવાળી બે માળિયા હોટલ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે ન જ મળી. એ આખી ઈમારત એમાં કામ કરતાં માણસો સાથે ક્યાં ગાયબ થઈ એનું વિસ્મય એ વખતે થયું હતું તેમ અત્યારે પણ થયું. એ હોટલનું દેખાવું એ કોઈ દ્રષ્ટિભ્રમ કે ક્ષણિક ચિત્તભ્રમ નહોતો. તેઓ તેમાં રહ્યા હતા, જમ્યા હતા એ હકીકત હતી. તેમણે તે વિસ્તારમાં રોકાઈ વધારે સંશોધન કરવાનો નિશ્ચિય કર્યો. તેમણે અનેક સદીઓ પહેલાની વિગતો પ્રાપ્ત કરી ત્યારે ખબર પડી કે અઢારમી સદીમાં એ જગ્યાએ એવી ઈમારત હતી અને તેમાં હોટલ ચાલતી હતી. એના આધારે એમને ખ્યાલ આવ્યો કે કોઈ અગમ્ય રીતે તે સમયની પ્રાચીન શાખામાં પહોંચી ગયા હતા અને એ વખતે ત્યાં જે સ્થળ હતું તેમાં રહી આવ્યા હતા. અઢારમી સદીનો કોઈ સમય ખંડ એકાએક ખૂલી જવાથી તે વખતનું ત્યાંનું સ્થળ પ્રગટ થઈ ગયું હતું.

- દેવેશ મહેતા