Shatdal : ફ્રાન્સના વિરોધમાં જ્યારે અમેરિકાએ ફ્રેન્ચ ફ્રાઈસનું નામ ફ્રિડમ ફાઈલ્સ કર્યું

- સેલિબ્રેશન
- 31 મે
- વિશ્વ બટેટા દિવસ
- અમેરિકામાં વર્ષ દરમિયાન બટાકાનો જે પણ પાક થાય તેમાંથી 40 ટકાનો ઉપયોગ ફ્રોઝન ફ્રાઈસ તરીકે કરવામાં આવે છે.
તાજેતરમાં પાકિસ્તાન સામે ભારે ઘર્ષણ થયા બાદ આપણા વોટ્સએપના વીરોએ એવા મેસેજ ફોરવર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું કે, હવે મૈસુરપાક, દૂધપાકના નામ પણ બદલવામાં આવે... પરંતુ આ પ્રકારે હાસ્યાસ્પદ વિરોધ કરવામાં અમેરિકનો પણ ઓછા તો નથી જ. વર્ષ ૨૦૦૩ની વાત છે. સ્વઘોષિત જગતજમાદાર અમેરિકાએ ઈરાક સામે યુદ્ધનું એલાન જાહેર કરી દીધું હતું. ઈરાક સામેના આ યુદ્ધમાં દરેક દેશ પોતાની સાથે જ રહેશે તેવો અમેરિકાને વિશ્વાસ. આમ માનવા પાછળ એમનું કારણ એવું કે, 'અમેરિકાને સાથ આપવાથી ઈન્કાર કરવાની ક્યા દેશમાં હિંમત છે?' પરંતુ ફ્રાન્સે ઈરાક સામેના આ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાથી ધરાર ઈન્કાર કર્યો. ફ્રાન્સના આ ઈન્કારથી ધૂંધવાયેલા અમેરિકનોએ ઠેકઠેકાણે એવા હોર્ડિંગ્સ લગાવ્યા કે, 'ફ્રેન્ચ ફ્રાઈસ નહીં હવે ફ્રિડમ ફ્રાઈસ' કહો.... જોકે, થોડા જ સમયમાં તેમનો રોષ સાવ ટાઢો પડી ગયો અને ફ્રેન્ચ ફ્રાઈસને નવું નામ મળ્યું નહીં.
આજે ફ્રેન્ચ ફ્રાઈસની વાત એટલા માટે કે દર વર્ષે ૩૦ મેની ઉજવણી 'બટેટા દિવસ' તરીકે કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને બટેટા અને તેમાંથી બનતી ફ્રેન્ચ ફ્રાઈસ પસંદ નહીં હોય. એવું મનાય છે કે ભારતમાં ૧૭મી સદીના પ્રારંભિક સમયમાં પોર્ટુગીઝોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ દરિયાકાંઠાના સુરત શહેરમાં તેનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાંથી પોર્ટુગીઝોના વર્ચસ્વ હેઠળ ગોવાના વિસ્તારમાં પણ બટાટાનું વાવેતર શરૂ થયું હતું. ગોવામાં વાવેતર કરાતા બટાટાનું નામ બટાટા સુરાતા એવું નામ મળ્યું હતું. સુરતમાં તેનું સૌ પ્રથમ વાવેતર થયું તેની નિર્દેશ કરતી આ બાબત છે.
હવે ફ્રેન્ચ ફ્રાઈસ તરફ પરત ફરીએ. જેમ ભારતના બે રાજ્યો રસગુલ્લા માટે લાંબા સમય સુધી લડતા રહ્યા, તેવી જ રીતે વિશ્વના ત્રણ દેશો ફ્રેન્ચ ફ્રાઈસ પર સતત દાવો કરતા રહ્યા છે. ફ્રાન્સ, અમેરિકા અને બેલ્જિયમ-ત્રણેય દેશો કહે છે કે આ બટાકાની વાનગી સૌપ્રથમ તેમના દેશમાં બનાવવામાં આવી હતી. બેલ્જિયમના લેખક આલ્બર્ટ વર્ડેયને તેમના પુસ્તક કેરેમેન્ટ ફ્રાઈટ્સમાં ફ્રેન્ચ ફ્રાઈસનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે, બેલ્જિયમના મ્યુસ નદીના કિનારે આવેલા એક ખોબા જેટલા ગામમાં વસતા મોટા ભાગના લોકો નદીમાંથી માછલી પકડી તેને તેલમાં તળીને પેટમાં ખાડો પૂરતા હતા. જોકે, શિયાળા દરમિયાન હિમવર્ષા થતાં જ નદી થીજી જાય અને ત્યારે જઠરાગ્નિને કેવી રીતે શાંત પાડવી તે ગામના લોકો માટે પેચિદો પ્રશ્ન બની જતો. માછલી સિવાય તેમની પાસે ખાવાનો કોઈ વિકલ્પ જ નહોતો. શિયાળાની શરૂઆત થવાને ગણતરીના દિવસો હતા ત્યારે ગામની એક વ્યક્તિની નજર એક કંદમૂળ પર પડી એને તેને થયું કે આ કંઈક મજેદાર સ્વાદની વાનગી લાગે છે, ઘરે જઈને તેને રાંધવી પડશે. આ વ્યક્તિએ ઘરે જઈને માછલીને સ્થાને આ કંદમૂળને તેલમાં તળીને મસાલો ભભરાવીને આરોગી અને એ વાનગી સાથે તેને જાણે 'લવ એટ ફર્સ્ટ સાઈટ' થઈ ગયો. ગામના લોકોને પણ આ વાનગી પસંદ આવી અને તેમને એ વાતની રાહત થઈ કે હવે શિયાળામાં નદી બરફથી થીજી જશે ત્યારે આપણે ભૂખ્યા રહેવું નહીં પડે. હવે આ વાંચતાની સાથે જ એવો સવાલ થવો પણ સ્વાભાવિક છે કે બેલ્જિયમના લોકો દ્વારા શોધ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો તેને 'ફ્રેન્ચ ફ્રાઈસ' નામ કેમ અપાયું? 'બેલ્જિયમ ફ્રાઈસ' કે અન્ય કોઈ નામ કેમ નહીં. તો હુઆ યું કી, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના સૈનિકોએ બેલ્જિયમમાં છાવણી બનાવી હતી. અમેરિકાના સૈનિકોએ પણ એક વખત આ 'મસાલા ભભરાવેલા તળેલા બટાકા'ને આરોગી અને તેમને પણ સ્વાદ દાઢે વળગી ગયો. એ સમયે બેલ્જિયમના સૈનિકોની સત્તાવાર ભાષા ફ્રેન્ચ હોવાથી અમેરિકાએ તેને ફ્રેન્ચ ફ્રાઈસ નામ આપી દીધું. અમેરિકન ઈતિહાસકારો કહે છે કે ૧૮૦૨માં રાષ્ટ્રપતિ થોમસ જેફરસનએ ફ્રેન્ચ રસોઈયા હોનોરે જુલિયનને વ્હાઈટ હાઉસમાં રાત્રિભોજન પહેલાં બટાકાના ટુકડા તળીને પીરસવા કહ્યું. આ વાનગી ખુબ જ પસંદ આવી. ૧૮૫૦ના દાયકા સુધીમાં તેને સારો પ્રતિસાદ મળ્યો અને તે અમેરિકામાં લોકપ્રિય બન્યું. અમેરિકન રાષ્ટ્રપતિ થોમસ જેફરસને તેમના ૧૯મી સદીના હસ્તપ્રત ''પોમ્સ ડી ટેરે ફ્રાઈટ્સ એન પેટીટ્સ ટ્રાન્ચેસ''માં તેનો ઉલ્લેખ કર્યો હતો.
ફ્રેન્ચ ફ્રાઈસને રાંધવાની શૈલી પણ દરેક દેશમાં અલગ-અલગ હોય છે. જેમકે, બ્રિટનમાં ફ્રેન્ચ ફ્રાઈસનું પડ વધારે જાડું રાખવામાં આવે છે. કેનેડામાં ગ્રેવી-ચીઝ કર્ડ સાથે મિક્સ કરીને, ગ્રીસમાં ગાલક સોલ્ટ-ગ્રીક ઓરેગોના-તમારી પસંદનું ચીઝ નાખીને ફ્રેન્ચે ફ્રાઈસને આરોગવામાં આવતું હોય છે. ફ્રેન્ચ ફ્રાઈસના જન્મ અંગે ભલે મતમતાંર હોય પણ
અમેરિકામાં તેનું 'પિયર'. થોડા સમય અગાઉ કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર એક અમેરિકન વર્ષ દરમિયાન સરેરાશ ૧૬ પાઉન્ડ ફ્રેન્ચે ફ્રાઈસ ઝાપટી જાય છે. ફ્રેન્ચ ફ્રાઈસનો ઉલ્લેખ મેકડોનાલ્ડ્સ વિના અધૂરા ગણાશે. અમેરિકામાં બટાકાનું કુલ ઉત્પાદન થાય છે તેના ૧૦ ટકા મેકડોનાલ્ડ્સ દ્વારા જ ખરીદવામાં આવે છે. ફ્રેન્ચ ફ્રાઈસને ફ્રોઝન રીતે રાખવાની શરૂઆત ૧૯૪૦ના દાયકામાં અમેરિકાની જ ધ જે.આર.સિમ્પલોટ કંપની દ્વારા કરવામાં આવી હતી. અમેરિકામાં વર્ષ દરમિયાન બટાકાનો જે પણ પાક થાય તેમાંથી ૪૦ ટકાનો ઉપયોગ ફ્રોઝન ફ્રાઈસ તરીકે કરવામાં આવે છે. બ્રિટનમાં ૮૦ ટકા ઘરમાં ફ્રોઝન ફ્રાઈસની ખરીદી કરવામાં આવે છે. બેલ્જિયમમાં તો ફ્રેન્ચ ફ્રાઈસનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં ફ્રેન્ચ ફ્રાઈસની અથ થી ઈતિ ગાથા દર્શાવવામાં આવેલી છે. અમેરિકા, યુરોપના દેશમાં ફ્રેન્ચ ફ્રાઈસ એટલી લોકપ્રિય છે કે ત્યાં અનેક ઠેકાણે ફ્રેન્ચ ફ્રાઈસ માટે ખાસ વેન્ડિંગ મશિન મૂકવામાં આવેલા છે.
૨૧મી સદીની શરૂઆતમાં ભારત દર વર્ષે સરેરાશ પાંચ હજાર ટન ફ્રોઝન ફ્રાઈસ આયાત કરતું હતું. જેની સરખામણીએ ભારત હવે એક વર્ષમાં ૧.૩૫ લાખ ટનથી વધુ ફ્રોઝન ફ્રાઈસની આયાત કરે છે. ભારતમાં બટાકાના ઉત્પાદનના કુલ ૭ થી ૧૦ ટકા ગુજરાતમાંથી છે. આ ઉપરાંત એશિયાના જે દેશો જ્યાં બટાકાનું ઉત્પાદન થતું નથી ત્યાં ફ્રેન્ચ ફ્રાઈસની માગ પૂરી કરવા બટાકા ખાસ ગુજરાતથી મોકલવમાં આવે છે. મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે ફ્રેન્ચ ફ્રાઈસ તેલમાં ખૂબ જ તળવામાં આવતી હોવાથી તે ચરબીમાં ખૂબ જ વધારો કરે છે. ફ્રેન્ચ ફ્રાઈસમાં મીઠાનું વધુ પ્રમાણ પણ નુકસાન પહોંચાડે છે. અન્ય એક અભ્યાસમાં એમ પણ સામે આવ્યું કે ફ્રેન્ચ ફ્રાઈસ વધારે પ્રમાણમાં ખાવાથી ડિપ્રેશન-એન્ક્ઝાઈટી જેવી સમસ્યા સર્જાઈ શકે છે. આમ, કોઈપણ વસ્તુ 'અતિ' હંમેશા નુકસાન જ પહોંચાડે છે....
- ચિંતન બુચ

