મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Sahiyar : વાર્તા : નીલમની લાચારી 

- મારાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. કંકોત્રીઓ છપાઈને તૈયાર થઈ ગઈ. એક નિમંત્રણ-પત્રિકા એ બૂથવાળી યુવતીને પણ મેં આપી. તેણે પત્રિકા

Sahiyar : વાર્તા : નીલમની લાચારી 

- મારાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. કંકોત્રીઓ છપાઈને તૈયાર થઈ ગઈ. એક નિમંત્રણ-પત્રિકા એ બૂથવાળી યુવતીને પણ મેં આપી. તેણે પત્રિકા વાંચી અને તેના ચહેરા પર કાયમનું ફીકું, ઉદાસ સ્મિત વેરાયું. તે બોલી, 'લગ્ન માટે તમને હૃદયથી અભિનંદન અને શુભકામના આપું છું. પણ માફ કરજો, હું તમારાં લગ્નમાં હાજર નહિ રહી શકું.'

બગાસું ખાતાં મોંમાં પતાસું પડે એવી ઘટના ઘટી હતી. સાવ અણધારી અને તદ્ન આકસ્મિક. હું આટલો બધો ભાગ્યશાળી છું એવી તો મેં સપનામાંય કલ્પના કરી નહોતી.

બન્યું એવું કે તે દિવસે પોસ્ટમેન મને બે પત્રો આપી ગયો. એક પત્ર મુંબઈની એક બેન્કમાંથી આવ્યો હતો, જ્યાં થોડાક દિવસો પહેલાં હું ઈન્ટરવ્યૂ આપી આવ્યો હતો.  બેન્કે મને સિલેક્ટ કરી લીધો હતો અને આવતી પહેલી તારીખથી ફરજ પર હાજર થવાની વિનંતી કરી હતી. બીજો પત્ર પણ મુંબઈથી મારા એક મિત્રે લખી મોકલ્યો હતો. તેને દુબઈમાં ત્રણ વરસ માટે એક સરસ નોકરી મળી ગઈ હતી. અને તે આવતા અઠવાડિયે પોતાનો ટુ રૂમ કિચનનો સુંદર ફ્લેટ છોડીને પોતાની પત્ની સહિત દુબઈ ઉપડી જવાનો હતો. આ ત્રણ વર્ષ માટે તે પોતાનો મુંબઈનો ફ્લેટ મને રહેવા માટે સાવ મફતમાં આપી રહ્યો હતો! એક પણ રૂપિયાની ડિપોઝીટ કે ભાડા વગર!

આમ અચાનક નોકરી અને ફ્લેટ એકસાથે મળતાં મને જે હરખ થયો તેનું વર્ણન શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરવું?

આ વણમાંગ્યા લાભથી મારાં લવ-મેરેજ આડેનાં બંને નડતર એક ઝાટકે દૂર થઈ ગયાં. હવે ગમે તે ઘડીએ મારી પ્રેમિકા મનીષાના સેંથામાં સિંદૂર પૂરીને તેને મારી જીવનસંગિની બનાવી શકવા હું સમર્થ હતો.

બીજે દિવસે સવારે પહેલી ટ્રેનમાં જ હું મુંબઈ પહોંચી ગયો. મારી નવી જોબ અને ફ્લેટની ખબર મનીષાને સંભળાવવા હું એવો અધીરો બની ગયો હતો કે મુંબઈની ધરતી પર પગ મૂકતાંવેંત પહેલવહેલાં મનીષાને ફોન કરવાનું નક્કી કરી રાખ્યું.

મને ખાતરી હતી કે મનીષા અત્યારે 'એવરગ્રીન સાડી સેન્ટર'માં ગ્રાહકોને સાડીઓ બતાવવામાં વ્યસ્ત હશે. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની બહાર આવેલા અપંગ વ્યક્તિ દ્વારા સંચાલિત એક ટેલિફોન બૂથ તરફ ઝટ ઝટ આગળ વધતો હું પહોંચી ગયો અને તેના નંબર ડાયલ કરવા લાગ્યો. બીજી જ મિનિટે મનીષાનો ઝાંઝરના ઝણકાર સમો સૂર સંભળાયો: 'હેલ્લો! કોણ બોલો છો?'

'મનીષા, હું છું. તારો કલ્પેશ.'

મેં ઉત્તેજિત સ્વરમાં કહ્યું.

મનીષાનો સ્વર એકદમ બદલાઈ ગયો : 'અરે કલ્પેશ, તમે? ક્યારે મુંબઈ આવ્યા?'

'બસ હમણાં જ ટ્રેનમાંથી ઊતર્યો.  ઉતરીને તરત તને ફોન જોડયો.

'હાઉ સ્વીટ.'

'મનીષા, તારા આ સ્વીટ ઉદ્ગાર કરતાંય અનેકગણા સ્વીટ સમાચાર તારા માટે લાવ્યો છું. મારી નોકરી પાકી થઈ ગઈ છે. એપોઈન્ટમેન્ટ લેટર મારા ખિસ્સામાં  જ છે.'

'આ તો ખૂબ સારા સમાચાર છે.'

'હવે એનાથી પણ વધારે સુખદ સમાચાર સાંભળ. આપણને અહીં ટુ-રૂમ કિચનનો ફ્લેટ પણ મળી રહ્યો છે. અને તે પણ સાવ મફતમાં.'

'હું તારી પાસે જ આવી રહ્યો છું. તને જે લેટર દેખાડીશ તેનાથી તને ખાતરી થઈ જશે.'

'ક્યારે આવો છો?'

'બસ, હમણાં જ. ફોન મૂકીને હું સીધો તારી પાસે જ આવવા નીકળું છું.' આટલું કહીને મેં રિસીવર મૂકી દીધું અને ખિસ્સામાંથી બે રૂપિયા કાઢીને બૂથ એટેન્ડેન્ટ મહિલાના હાથમાં મૂક્યાં.  રૂપિયા આપતી વખતે એની નજર સાથે મારી નજર ઘડીભર મળી અને હું તેને એકીટશે જોતો જ રહ્યો.

એ સ્ત્રી અઢાર-વીસ વરસની કોઈ  યુવતી નહોતી અને કોઈ આધેડ  વયની સ્ત્રી પણ નહોતી. એ રૂપાળી નહોતી. પરંતુ એનામાં એક ખેંચાણ હતું. એની ગોળમટોળ, મોટી મોટી આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતાં. ગમે તે ઘડીએ એ આંસુ તેના ગાલ પર સરકી પડે તેમ હતાં. તેના ચહેરા પર કરુણા અને ઉદાસીના ભાવ સ્પષ્ટ તરવરી રહ્યા હતા. તે મારા માટે તદ્ન અજાણી-અપરિચિત હતી. છતાં કોણ જાણે કેમ પણ મારું હૈયુ દ્રવી ઉઠયું. મેં પૂછ્યું, 'અરે, શું થયું?

'ક્યાં?. ના, ના. કંઈ નહીં? સ્મિત વેરવાની નિષ્ફળ કોશિશ કરતાં તે બોલી.

હકીકતમાં મનીષાને મળવા હું એકદમ બેતાબ બન્યો હતો. છતાં મારા પગ ત્યાં જ થંભી ગયા. મારા મનમાં એ સ્ત્રી માટે અનાયાસ સહાનુભૂતિ અને જિજ્ઞાાસા જાગી ઊઠયાં અને મેં સહજભાવે તેને કહ્યું, 'જુઓ, તમે ખૂબ ઉદાસ અને બેચેન દેખાઓ છો. શું હું તમને કશી મદદ કરી શકું?' 

'તમારી હમદર્દી બદલ હું આભારી છું. પરંતુ મને કોઈ મદદ કરી શકે તેમ નથી.' આટલું બોલતા તેનું ગળું રુંધાવા લાગ્યું.  આંખોમાંથી દડ દડ વહેતા આંસુઓને તે રોકી ન શકી. એવામાં ફોન કરવા માટે ત્યાં બીજા બે-ત્રણ જણ આવી ચડતાં હું ત્યાંથી ચાલી નીકળ્યો.

તે દિવસ બાદ હું મારા કામકાજમાં બિઝી રહેવા  લાગ્યો.  બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયા બાદ જ્યારે હું બેન્કમાં જવા લાગ્યો ત્યારે ઘણીવાર એ સ્ત્રી સાથે લગભગ રોજ મુલાકાત થવા લાગી. બસસ્ટોપની નજીકમાં જ એનું બૂથ હતું. એટલે રોજ એ સ્ત્રીની નજરો મારી નજર સાથે મળતી. એના ચહેરા પર પરિચયનું સ્મિત ઉભરાતું પરંતુ તેની ઉદાસી છૂપી નહોતી રહેતી.

હું પણ હાસ્ય વેરતો. પરંતુ તેના દુ:ખનું સ્વરૂપ જાણવાની ઈચ્છા મનમાં  ડોકાયા કરતી. ક્યારેક ક્યારેક ટેલિફોન કરવા માટે હું તેના બૂથ પર પહોંચી જતો ત્યારે  અમે બેએક વાતો પણ કરી લેતાં. પરંતુ એ વાતો કેવળ ફોર્મલ રહેતી.  પછી તો મારાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. કંકોત્રીઓ છપાઈને તૈયાર થઈ ગઈ. એક નિમંત્રણ-પત્રિકા એ બૂથવાળી યુવતીને પણ મેં આપી. તેણે પત્રિકા વાંચી અને તેના ચહેરા પર કાયમનું ફીકું, ઉદાસ સ્મિત વેરાયું. તે બોલી, 'લગ્ન માટે તમને હૃદયથી અભિનંદન અને શુભકામના આપું છું. પણ માફ કરજો, હું  તમારાં લગ્નમાં હાજર નહિ રહી શકું.'

'કેમ? શા માટે નહિ આવી શકો?' મેં તરત સવાલ કર્યો. 'સાહેબ, હું બંને પગે અપંગ છું. કાંખઘોડીના સહારે ચાલુ છું. આવી હાલતમાં કઈ રીતે હું તમારા લગ્નમાં આવી શકું?

'ઓહ નો! અપંગ? બંને પગે?'

'જી હા. એટલે સ્તો આ બૂથ મને અપાયું છે.' 'આઈ એમ વેરી સોરી. મને આ વાતની ખબર જ નહોતી.'

ત્યાર પછી લગ્નની તૈયારીની ધમાલમાં હું એને લગભગ ભૂલી જ ગયો. લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ હું વધુ બિઝી રહેવા લાગ્યો. લગ્નના એક દિવસ અગાઉ જ્યારે હું તેના બૂથ સામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ એણે મને હાક મારી, 'ઓ સાહેબ,  જરા અહીં આવશો?'

હું બૂથ પાસે પહોંચ્યો. તેની સામે જોઈને સ્હેજ હસ્યો.  તેણે એક રંગીન બંધ કવર મને આપતાં કહ્યું, 'કાલે તમારાં લગ્ન છે ને? મારા તરફથી શુભેચ્છારૂપે આ નાનકડી ભેટ સ્વીકારો.'

'તમે શા માટે આવી તકલીફ લીધી? લગ્નપ્રસંગે હું કોઈ ભેટસોગાદ નહિ સ્વીકારું એવું મેં વેડિંગ-કાર્ડમાં જ છાપ્યું છે.'

'આની અંદર કોઈ ભેટસોગાદ નથી. એક લાચાર, અપંગ અને ગરીબ એવી હું તમને આપીઆપીને શું આપવાની હતી? આમાં ફક્ત મારી શુભકામનાઓ જ છે.'

'એમ? તમારો ખૂબ ખૂબ આભાર.' કહેતા મેં કવર લઈને ખિસ્સામાં સરકાવ્યું અને ઝડપભેર ત્યાંથી ચાલી નીકળ્યો. સાંજે જેવી ફુરસદ મળી કે તરત કવર ખોલ્યું. એમાં કેવળ એક પત્ર હતો :

''સપ્રેમ નમસ્કાર.

લગ્ન માટે હાર્દિક અભિનંદન. આ શુભ અવસરે હું પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે તમારું દામ્પત્યજીવન દીર્ધાયુ રહે. એકવાર લગ્નબંધન તૂટયા પછી પત્નીને જે યાતના ભોગવવી પડે છે તેનાથી વધુ યાતના આ સંસારમાં કદાચ બીજી એકેય નથી. તમારી પત્ની આવી યાતનાનો ભોગ ક્યારેય ન બને, એ જ મારી અંત:કરણની શુભેચ્છા.

તમારી શુભચિંતક 

નીલમ''

મને લાગે છે કે લગ્ન નિમિત્તે આવી શુભકામના આજ સુધી કોઈને નહિ મળી હોય. આ નાનકડા પત્રે મારા મનમાં વિચારોનું એક વાવાઝોડું સર્જી દીધું: તેણે શા માટે આવો પત્ર લખ્યો? પત્રમાં જે યાતનાનો ઉલ્લેખ તેણે કર્યો છે, એવી યાતનાઓ શું તેણે જાતે ભોગવી છે?  તેની રામકહાણી સાંભળવાની તીવ્ર જિજ્ઞાાસા મારા મનમાં સળવળી ઊઠી. પરંતુ આ જિજ્ઞાાસા સંતોષી શકું તેમ નહોતો. બીજે જ દિવસે મારાં લગ્ન હતાં. છતાં આટલી વ્યસ્તતામાં પણ હું નીલમને ભૂલી ન શક્યો.

આખરે રજાની એક બપોરે હું  તેના બૂથ પર પહોંચી ગયો. એ સમયે બૂથ પર ગ્રાહકોની ભીડ નહોતી. થોડીક ફોર્મલ વાતચીત બાદ મેં તરત તેને કહ્યું, 'જો તમને ખોટું ન લાગે, તો એક વિનંતી કરવા માગું છું.'

'શા માટે ખોટું લાગે? બોલો ને.' 

ઘડીક અચકાઈને હું બોલ્યો, 'હું તમારી સાથે થોડીક અંગત વાત કરવા માગું છું.  મને તમારી રામકહાણી સાંભળવી છે.'

તે એકીટશે મને જોઈ રહી. તેની નજરમાં રોષ હતો કે તિરસ્કાર, વિસ્મય હતું કે મૈત્રીભાવ તે ખબર ન પડી. એટલે હું થોડોક ખચકાયો અને બોલ્યો, 'માફ કરજો. તમારી અંગત  જિંદગી વિશે કુતુહલ પ્રગટ કરવું યોગ્ય ન ગણાય, એ હું જાણું છું. છતાંય....'

'પ્લીઝ, કશી ગેરસમજ ન કરશો.' તે અધવચ્ચે બોલી ઉઠી, 'હું તમારાથી જરાય નારાજ નથી. ઊલટું કશી જાણ્યા વગર પણ તમે મારા પ્રત્યે જે સહાનુભૂતિ બતાવી અને જે આત્મીયતા પ્રગટ કરી, તેનાથી તમારે માટે મારા મનમાં એક શ્રધ્ધા બંધાઈ છે. તમને કદાચ ખબર નથી કે આવી સહાનુભૂતિ અને આત્મીયતા મારા માટે કેટલી કીંમતી છે.'

નીલમના આ શબ્દોથી હું હળવોફૂલ થઈ ગયો. હું એને સામેની એક રેસ્ટોરાંમાં લઈ ગયો. અમે ખૂણાના એક ટેબલ પર ગોઠવાયાં. કોફી અને સમોસાને ઓર્ડર આપ્યો. લગભગ અડધો કલાક સુધી રોકાયાં. એ દરમિયાન નીલમે તેની આપવીતી સંભળાવી.

નીલમ દાદરમાં દસ બાય દસની એક જૂની ચાલમાં પોતાની વિધવા મા સાથે રહે છે. વરસો પહેલાં પિતાના અવસાન બાદ તેની માતા લોકોનાં કપડાં સીવીને પોતાનું અને પુત્રીનું ગુજરાન ચલાવતી.

આર્થિક મુશ્કેલીઓથી એસએસસી. પાસ કર્યા પછી નીલમનું ભણતર અટકી ગયું. પછી તે માતાને ગ્રાહકો પાસેથી કાપડ લાવવામાં, સીવેલાં કપડાં તેમને પહોંચાડવામાં અને કપડાંના પૈસા ઉઘરાવવામાં મદદ કરવા લાગી. એ જ ચાલીમાં પહેલા માળે રહેતા. અશોક નામના એક ગ્રેજ્યુએટ યુવાન સાથે તેને પરિચય થયો. અશોક એક કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતો હતો. ધીમે ધીમે આ પરિચય મૈત્રીમાં અને પછી લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ નીલમ પહેલે માળે અશોક સાથે સાસરે રહેવા લાગી. છતાં અશોકને કશો વાંધો નહિ હોવાથી માતાને શિલાઈકામમાં મદદ કરતી રહી.

એવામાં એક દિવસ નીલમ ગ્રાહકનાં કપડાં આપીને ઘરે પાછી ફરી રહી હતી ત્યાં પાછળથી પૂરપાટ આવતી ટેક્સીની ટક્કરમાં તેના બંને પગ કચડાતાં તે બેહોશ થઈ પડી ગઈ. બંને પગ તેના બંને ઘૂંટણથી કાપી નાખવા પડયા. તે આજીવન અપંગ અને લાચાર બની ગઈ. દોઢ મહિનાની સારવાર બાદ તે કાંખઘોડીને સહારે ઘેર પાછી ફરી શકી. અને તે પણ સાસરિયે નહિ, પરંતુ પોતાની માતાને ઘેર!

અશોકના ઘરમાં તેની સાથે પાયલ નામની બીજી જ કોઈ યુવતી રહેતી હતી. જો કે પાયલે અશોક સાથે લગ્ન નહોતા કર્યાં છતાં તે પરિણીતાની જેમ જ બિન્ધાસ્ત અશોક સાથે રહેતી હતી.

એક અપંગ લાચાર, નિર્ધન અને લગ્ન કર્યાં છતાં કુંવારી જેવી દશામાં જીવતી નીલમ, અશોક સામે કઈ રીતે લડે? તેણે પોતાની 'નિયતિ' સ્વીકારી લીધી અને અન્યાયની ફરિયાદ કર્યા વગર ફરી માતાની સાથે રહેવા લાગી. થોડાક સમય બાદ તેને આ ટેલિફોન બૂથમાં નોકરી મળી ગઈ.

નીલમની આ કરુણ કહાણી સાંભળીને મને તેના પ્રત્યે વધુ કરુણા ઉપજી. જો હું એને થોડીક પણ મદદ કરી શક્યો હોત, તો મને સંતોષ થાત.

પરંતુ હું પણ લાચાર હતો. મેં તેની સમક્ષ મારી લાચારી વ્યક્ત કરી, તો તેણે ઊલટું મને આશ્વાસન આપતાં કહ્યું, 'હું જાણું છું કે મને કોઈ મદદ કરી શકે તેમ નથી. છતાં તમે મારા માટે જે હમદર્દી દેખાડી અને મારી આપવીતી સાંભળી,  તેનાથી મારું મન હળવાશ અનુભવે છે. આટલી મદદ પણ મારા માટે ખૂબ રાહતદાયક છે. બાકી આજકાલ કોને બીજાનાં દુ:ખદર્દ સાંભળવાની ફુરસદ છે?'

એ દિવસ બાદ અમે એકબીજાનાં આત્મીય બની ગયાં. હવે જ્યારે જ્યારે મોકો મળતો ત્યારે સમય કાઢીને હું નીલમના બૂથ પર જતો. તેની સાથે અલકમલકની વાતો કરીને તેનું મન બહેલાવતો અને તેની એકલવાયી જિંદગીમાં થોડોક આનંદ રેલાવવાની કોશિશ કરતો.

એવામાં કોઈક કામ માટે મારે મુંબઈથી બહાર જવું પડયું. બે અઠવાડિયાં સુધી નીલમને નહિ મળવાને કારણે હું બેચેન બની ગયો હતો. એટલે પાછો ફરતાંવેંત તરત બૂથ પર પહોંચ્યો. પણ જોયું તો નીલમ ત્યાં નહોતી. તેની જગ્યાએ આધેડ વયનો કોઈ પુરુષ બેઠો હતો. મારા મનમાં અનેક પ્રશ્નોની આંધી ઉઠી : શું થયું હશે નીલમને? તે બીમાર પડી ગઈ હશે? કે પછી બીજી કોઈ દુર્ઘટનામાં...?

મને મૂંઝાયેલો જોઈને પેલા માણસે પૂછ્યું, 'સાહેબ, અહીંયા પહેલાં નીલમબેન બેસતાં હતાં  તેમણે બૂથ છોડી દીધું.'

'પણ શા માટે?' મારાથી અનાયાસ પુછાઈ ગયું.

'એ તો રામ જાણે'

'એના ઘરનું સરનામું છે તમારી પાસે?'

'હા. તમને આપું?' કહીને તેણે મને દાદરની ચાલીનું સરનામું આપ્યું. હું શોધતો શોધતો ત્યાં પહોંચી ગયો. નીલમ ઘરના ઉંબર પાસે એક સ્ટૂલ પર બેસીને શર્ટમાં બટન ટાંકતી હતી.

મને જોતાવેંત તેનો ચહેરો મલકી ઊઠયો. પરંતુ એ મલકાટમાં કોઈ ઉદાસી કે કરુણાની છાયા નહોતી. એક પ્રકારની ખુશી તેના ચહેરા પર ઝળકી રહી હતી.  'અરે, તમે અહીં? આવો, આવો' કહીને તેણે ઉમંગભેર મારું સ્વાગત કર્યું. તમે આવ્યા, એ ખૂબ સારું કર્યું. મારું સરનામું તમને બૂથ પરથી મળ્યું ને? અચ્છા. પહેલાં કહો, શું લેશો? ચા-કોફી કે લીંબુ શરબત?'

'કશું જ નહિ.  પહેલાં કહો કે બૂથની નોકરી કેમ છોડી દીધી?'

એ હસતાં હસતાં બોલી, 'હવે બૂથ ચલાવવાની મને કશી જરૂરિયાત નથી. મારો ઘરસંસાર ફરી શરૂ થઈ ગયો છે.'

'ખરેખર? તો તો ખૂબ ખૂબ અભિનંદન.' મેં ખુશી પ્રગટ કરતાં કહ્યું અને સ્હેજ અટકીને પૂછ્યું, 'પણ આ ચમત્કાર થયો કેવી રીતે?'

'સાહેબ, અશોકની પ્રેમિકાએ તેને દગો દીધો. એ તદ્ન સ્વાર્થી અને લાલચું હતી. એને બીજો કોઈક અમીર પ્રેમી મળી ગયો એટલે અશોકને છોડીને તે એની સાથે રહેવા ચાલી ગઈ. પછી અશોકની આંખો ખુલી અને તે લાચાર બની પોતાને અપનાવી લેવા અને કરગરવા લાગ્યો. શરૂશરૂમાં તો મેં તેને ખૂબ ઠપકાર્યો અને ઘણું સંભળાવ્યું. 

પણ પછી વિચાર્યું કે હું પણ એને ઠુકરાવીશ તો મારા કરતાંય વધુ લાચાર બની જશે અને એના હૈયામાં સ્ત્રી વિશે કાયમ એક પ્રકારની નફરત ઘર કરી જશે.  એટલે તેના પસ્તાવાને દરગુજર કરીને સમાધાન કરી લીધું. ઝાઝું ભણી તો નથી. પરંતુ આટલાં વરસોમાં એટલું સમજી છું કે જિંદગી એટલે 'જીરવવું' અને 'જાળવવું'. જીરવી ન શકાય એને જાળવી લેવું અને જાળવી ન શકાય એને જીરવી લેવું.

નીલમની આ ફિલોસોફીએ મારા અંતરમાં તેના માટેનું માન ખૂબ વધારી દીધું. શારીરિક લાચારી છતાં માનસિક ખુમારી કેટલી બધી! 

મેં કહ્યું, 'હવે તો હું ચા પીને જ જઈશ. અને તે પણ મીઠી અને કડક.'

નીલમ ખડખડાટ હસી પડી અને માને બે કપ મીઠી મસાલેદાર ચા બનાવવા કહ્યું.

- અનામિકા 

આ સમાચાર શેર કરો