Sahiyar : પુર્નલગ્નના પાયામાં પ્રેમ કે સમાધાન?

- પહેલાં લગ્નનો સુખદ અનુભવ હોય તો પતિ-પત્ની એકબીજામાં પહેલો પ્રેમ શોધતાં હોય છે
કારતક સુદ અગ્યારસને દિવસે તુલસી વિવાહ સંપન્ન થતાં જ લગ્નસરાનો આરંભ થાય છે. આમ તો શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ દિવાળીની સાથે લગ્ન સંબંધિત ખરીદીની પણ શરૂઆત થઈ જાય છે. લગ્નનું નામ પડતાં ચોમેર ઉલ્લાસપૂર્ણ વાતાવરણ, મીઠી મજાક-મસ્તી, શરમાતી નવવધૂ, આંખોમાં સોનેરી સપનાં સાથે ઘોડે ચડતાં વરરાજા જેવા અનેક દ્રશ્યો નજર સમક્ષ તાદ્રશ થઈ જાય છે, પણ જો ઘરભંગ થયેલા કોઈ યુવક અથવા યુવતીના બીજા લગ્ન હોય તો બીજા લગ્નમાં ઉલ્લાસને બદલે માત્ર ઔપચારિકતા હોય છે. ઉમંગ અને લાગણીઓના સ્થાને આ લગ્ન નભશે કે કેમ એવી આશંકા હોય છે. તથા પ્રત્યેક વડીલ 'હવે આ વખતે તો બધુ હેમખેમ પાર પાડજો' એવી પ્રાર્થના ઈશ્વરને કરતાં હોય છે. ફરી વખત લગ્ન કરનારા યુગલના મનમાં ઠરીઠામ થવાની આશા તો કોઈક માતાને દીકરીનું ઘર ફરી વસ્યાનો હરખ હોય છે.
પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું બીજા લગ્ન કરનારા દંપતી એકમેકને પ્રેમ કરી શકે છે કે પછી માત્ર સમાધાનકરી જીવન પૂરું કરે છે? આજે આપણી આજુબાજુ બીજા લગ્ન કરનારા અનેક દંપતીઓ જોવા મળે છે. પણ તેમનું અંગત જીવન સુખી છે કે નહિ તેની આપણને જાણ હોતી નથી.
એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચપદે નોકરી કરતાં સૌમિલ શાહે જણાવ્યું હતું કે, બીજા લગ્નની સફળતાનો આધાર પહેલા લગ્નની નિષ્ફળતાના કારણ પર હોય છે. જો પહેલી પત્નીનું મૃત્યુ થતાં પુરુષ બીજા લગ્ન કરે તો દુ:ખ, અવસાદ અને નિરાશા હોવા છતાં તે લગ્ન નભી જાય છે, કારણ કે તેમાં બન્ને પક્ષનું વલણ સહાયતાપૂર્ણ હોય છે. મારા બીજા લગ્ન છે. પહેલાં લગ્નના ત્રણ વર્ષ પછી મારી પત્ની હેમાંગી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી. ત્યારે મારી દીકરી એક વર્ષની હતી. એટલે દીકરીને ઉછેરવા માટે હું બીજા લગ્ન કરવા તૈયાર થયો હતો. બીજા લગ્ન પછી મેં દીકરીની સાથે બીજી પત્ની શ્વેતાને પણ સુખ આપવાનો પ્રયાસ કર્યો છે. સાચું કહું તો શ્વેતાને જોઈને ક્યારેક મને અપરાધબોજ લાગે છે. શ્વેતા સુંદર, શિક્ષિત અને કુંવારી હતી. તેને મારા કરતાં વધુ સારો જીવનસાથી મળી શકત. પરંતુ સારા જીવનસાથીની શોધમાં તે ૩૦ વર્ષની થઈ ગઈ હતી. એટલે છેવટે તેણે સમાધાન કરી માતા-પિતાને ખાતર લગ્ન માટે હકાર ભણ્યો હતો.
મારા માટે તો બીજા લગ્ન જીવનનું સૌથી મોટું સમાધાન હતું, પણ શ્વેતાએ પોતાના અરમાનોને ભસ્મીભૂત કરી મને સ્વીકાર્યો હતો. ખેર, અમારા લગ્નજીવનની શરૂઆત ભલે બાંધછોડથી થઈ હતી. પણ આજે અમારી વચ્ચે આદર અને પ્રેમનો સંબંધ બંધાઈ ગયો છે.' સૌમિલની પત્ની શ્વેતાએ પોતાના લગ્ન અંગે વાત કરતાં થોડા ખચકાટ સાથે જણાવ્યું હતું કે, 'એક વિધુર સાથે લગ્ન કરવાની વાત સાંભળીને મને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. હું સતત રડતી રહેતી તથા ભગવાન મને મોત આપી દે એવી પ્રાર્થના કરતી હતી. જેમને પણ મારા લગ્નની જાણ થતી તેઓ સહાનુભૂતિપૂર્વક મારી સામે જોતા. મારો લગ્ન કરવાનો ઉત્સાહ જ મરી પરવાર્યો હતો. જ્યારે લગ્ન કરનારી બે વ્યક્તિમાંથી એકના બીજા લગ્ન હોય ત્યારે ત્યાં પ્રેમ નહિ સમાધાન વૃત્તિ જ હોય છે. મને મારા થનારા પતિ પર ચીડ ચડતી હતી. ત્યારે મારી ઉંમર ૩૦ વર્ષની હતી અને તેઓ ૩૯ વર્ષના હતા.
બીજા લગ્ન કરવા તે શા માટે કોઈ ત્યકતા કે વિધવાને પસંદ કરતા નથી? એવો સવાલ વારંવાર મારા મનમાં ઊઠતો હતો. મારી ઉંમર મોટી થતાં મારાં લગ્ન થશે કે કેમ તે વિચારે મારા માતા-પિતા તાણગ્રસ્ત રહેતા હતા. વળી મારા પિતાને હાર્ટની તકલીફ હતી એટલે મારે મજબૂરીમાં આ પ્રસ્તાવ સ્વીકારવો પડયો હતો. સગપણ થયા બાદ મને જ્યારે ખબર પડી કે તેમને એક દીકરી પણ છે ત્યારે મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. લગ્ન પછી અમે હનીમૂન પર પણ નહોતા ગયા કે નવવધૂ સાથે કરવામાં આવે તેવો કોઈ વ્યવહાર કે મસ્તી પણ મારી સાથે કરવામાં આવ્યા નહોતા. બસ, ઘરમાં પ્રવેશતા જ હું 'મમ્મી' બની ગઈ હતી. દીકરી જરાપણ રડતી તો સહુ મારી સામે જોતાં અને મારે જ તેને સંભાળી લેવી પડતી હતી. અચાનક આવી પડેલી આ જવાબદારી માટે હું માનસિક રીતે તૈયાર નહોતી. પણ મારા પતિ મારી સ્થિતિ સમજી ગયા હતા અને તેમણે મને સધિયારો આપ્યો હતો. આથી જ આજે અમે એકમેક સાથે પ્રેમપૂર્વક રહીએ છીએ.'
જોકે 'તુંડે તુંડે મતિર્ભિન્ના'ની જેમ બીજા લગ્ન કરનારી પ્રત્યેક વ્યક્તિનો અનુભવ પણ વેગળો જ હોય છે. અંજલિ પરીખે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, 'અમારા લવમેરેજ છે. અમે બન્ને એક જ ઓફિસમાં કામ કરતા હતા. મારા પહેલાં પતિ વર્કોહોલિક હતા. તેમને મારામાં રસ નહોતો. આથી જ હું મારી પ્રત્યેક સમસ્યાની ચર્ચા સુનીલ પરીખ સાથે કરવા લાગી હતી. આમ ધીમેધીમે હું અને સુનીલ જાણે અજાણે લાગણીના બંધને બંધાતા ગયા. મારી સાથે મુલાકાત થઈ તે પહેલાં જ સુનીલ પોતાની પત્નીથી છૂટા થઈ ગયા હતો અને દીકરીને એકલે હાથે ઉછેરતા હતો. મારા પહેલાં પતિ મારી કદર ન કરતાં હોવાથી છેવટે મેં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.
સુનીલની ટીનએજ દીકરી મને ઓળખતી હતી તથા તેને મારી સાથે બનતું પણ હતું. પરંતુ જ્યારે મેં અને સુનીલે તેની સમક્ષ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તે ગુસ્સે થઈ ગઈ હતી. આમ પણ, માતા ન હોવાથી તે અસલામતી અનુભવતી હતી. એમાં હવે પિતા બીજા લગ્ન કરશે તો તે પણ દૂર થઈ જશે તે વિચારે તેણે અમારા લગ્નનો ખૂબ વિરોધ કર્યો હતો. તેના આ વલણને જોઈને મેં સુનીલને થોડો સમય થોભી જવાનું કહ્યું હતું, પરંતુ સુનીલ માન્યો નહિ. તેમણે જીદ કરીને મારી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેમની દીકરીએ મને ખૂબ હેરાન કરી હતી. તેજ પ્રમાણે સુનીલના ઘરમાં પ્રવેશ્યા બાદ મને ખબર પડી કે તે પણ દિલથી તેની પહેલી પત્ની સાથે જ જોડાયેલા છે. તેના ઘરમાં બધે જ પહેલી પત્નીની હાજરી અનુભવાતી હતી. સુનીલ દીકરીને પણ પહેલી પત્નીના રૂપમાં જ ઢાળવા ઇચ્છતા હતા અને મારામાં પણ તેને જ શોધતા હતા. આ હકિકતની મને જાણ થઈ ત્યારે હું ભાંગી પડી હતી. આજે પરિવાર, પતિ તથા તેમની દીકરી સાથે તાલમેલ સાધતાં જીવનમાંથી પ્રેમની બાદબાકી થઈ ગઈ છે.'
એક અગ્રણી મેરેજ કાઉન્સેલરના મતે લગ્ન પહેલાં હોય કે બીજા પણ તેને નિભાવવા માટે સંતુલન હોવું જરૂરી છે. જોકે બીજા લગ્નમાં સમસ્યા વધારે હોય છે. તેમાંય મધ્યમવર્ગના પરિવારમાં તો બીજા લગ્ન ટકાવવામાં ઘણા વિઘ્નો નડે છે. ત્યકતા કે વિધવા સ્ત્રી માટે એકલા જીવન જીવવું ખૂબ મુશ્કેલ હોય છે. ઉપરાંત માતા-પિતા પણ પોતાની વિધવા કે ઘરભંગ થયેલી દીકરીને ઝટપટ બીજે પરણાવી દઈ જવાબદારીમાંથી મુક્ત થવા ઇચ્છતા હોય છે. આવી મહિલાઓ માટે પણ વિધુર કે છૂટાછેડા લીધેલા પુરુષને જ શોધવામાં આવે છે.
બીજા લગ્ન કરતી વખતે મહિલા-પુરુષ તથા પરિવારે સામા પક્ષ વિશે મહત્તમ માહિતી મેળવવી જોઈએ. તથા ખૂબ જ સાવધાની પણ રાખવી જરૂરી છે. ઘણી વખત બીજા લગ્નમાં ફસાઈ ગયાનો પણ અનુભવ થતો હોય છે. અને પછી જીવનભર ખોટા પાત્રને વેંઢારવાનો વારો આવે છે.
તે જ પ્રમાણે જો પહેલા લગ્નજીવનનો સુખદ અનુભવ હોય તો પણ પતિ-પત્ની એકબીજામાં પહેલાં પ્રેમને જ શોધતાં હોય છે. આ પ્રકારના લગ્નમાં પ્રેમને બદલે સમાધાનનું જ પ્રમાણ વધારે જોવા મળે છે. મેરેજ કાઉન્સેલરોના મતે આત્મવિશ્વાસુ પુરુષ અને સ્ત્રી આવી સ્થિતિને સારી રીતે સમજી શકે છે તથા ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખે છે. તેઓ બાંધછોડ કરવા સાથે પ્રેમ દર્શાવવાનું પણ ચૂકતા નથી.
ઘણા લોકો એવું માને છે કે બીજા લગ્નમાં સૌથી વધુ હેરાનગતિ બાળકો ભોગવે છે. તેમાંય સ્ત્રી તો મમતાની મૂર્તિ હોય છે એટલે તે અન્યના સંતાનને અપનાવી લે છે, પરંતુ પુરુષ આટલી ઉદારતા દર્શાવી શકતો નથી. પરંતુ મનોચિકિત્સકો જણાવે છે કે, આપણો સમાજ સાવકી મા અને સાવકા બાપ બન્નેને વગોવે છે. પરંતુ હકિકતમાં એવું કંઈ હોતું નથી. લગ્નજીવન પ્રેમ કે સમાધાન નહિ, પરંતુ સમજદારી પર નભે છે. બીજા લગ્નમાં ઘણી વખત અજાણપણે પહેલી પત્ની કે પતિ સાથે તુલના થઈ જાય છે જે ન થવી જોઈએ.
એકમેક પરના વિશ્વાસ અને આનંદપૂર્ણ સેક્સને આધારે દાંપત્યજીવન સુખી બને છે. ઘણી વખત બીજા લગ્ન સંબંધોને સુંદર વળાંક પણ આપતાં હોય છે. બીજી વખત ચોરી ફેરા ફરનારા દંપતીઓમાં ક્યારેક પ્રેમ મેળવવા કરતાં આપવાની ભાવના વધુ હોય છે.
આજે બોલીવૂડના અનેક સેલિબ્રિટીઓ બીજી વખત લગ્ન કરી ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. તેમણે સામા પાત્રને તમામ ગુણ-અવગુણ સાથે હૃદયપૂર્વક સ્વીકારી લીધું છે. અમૃતા પ્રીતમ અને ઇમરોઝને આજે ચાહકો અમ્મા-બાબા તરીકે જ ઓળખે છે. જાવેદ અખ્તર-શબાના આઝમી કે અનુપમ ખેર-કિરણ ખેરની જોડી બીજા લગ્નનની સફળતા પુરવાર કરે છે. તેઓ માત્ર એકબીજા સાથે જ નહિ પરિવાર સાથે પણ સરસ રીતે જોડાઈ ગયા છે.
કોઈપણ સંબંધને ટકાવવા તથા ગાઢ બનાવવા માટે સમાધાનવૃત્તિ તો રાખવી પડે છે. લોહીનો સંબંધ હોય કે મૈત્રીનો સંબંધ હોય તે જાળવવા પ્રત્યેકે બાંધછોડ કરવી જ રહી. પતિ-પત્નીએ જીવનભર સાથ નિભાવવાનો હોય છે એટલે સહનશીલતા, આદર અને પ્રેમ હોવો જરૂરી છે. આજે બીજા લગ્નને સામાજિક માન્યતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને મહિલાઓના બીજા લગ્નને હવે સમાજ સ્વીકારે છે. જોકે સંબંધોમાં એક વખત ઠોકર ખાઈ ચૂકેલી નારી પછી બીજો સંબંધ બાંધવા જલ્દી તૈયાર થતી નથી. પણ સંજોગોને ધ્યાનમાં રાખી પ્રત્યેકે વિચારોમાં પણ બાંધછોડ કરવી પડે છે. છેવટે જીવનને કેવો વળાંક આપવો અને કઈ રીતે સુખી રાખવું તેની શોધ સહુએ આપમેળે જ કરવાની હોય છે.

