મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Ravipurti: માનવી મૈત્રીથી પુનર્જન્મ પામે છે! 

Ravipurti: Humans are reborn through friendship! | -જાણ્યું છતાં અજાણ્યું -સંત કબીર કહે છે, માળા ગણવાથી કે તિલક કરવાથી ધર્મ થતો નથી, કારણ એ કે એ તો માત્ર બાહ

Ravipurti: માનવી મૈત્રીથી પુનર્જન્મ પામે છે! 

-જાણ્યું છતાં અજાણ્યું

-સંત કબીર કહે છે, માળા ગણવાથી કે તિલક કરવાથી ધર્મ થતો નથી, કારણ એ કે એ તો માત્ર બાહ્ય ક્રિયા છે. એનું ભીતર સાથે અનુસંધાન હોવું જોઈએ

સાધનાના માર્ગે ગતિ કરતી વ્યક્તિએ પોતાના દોષોથી ગભરાયા વિના એ દોષોને ઓળખીને, એને અળગા કરવા માટે આધ્યાત્મિક પુરુષાર્થ ખેડવો જોઈએ અને એ રીતે પોતાના ચિત્તની નિર્મળતા સાધવી જોઈએ. આથી જ સંત કબીરે કહ્યું છે:

'માલા તિલક બનાય કે, 

                    ધર્મ વિચાર નહીં,

માલા બિચારી ક્યા કરે, 

               મૈલ રહા મનમાંહિ!'

માળા ગણવાથી કે તિલક કરવાથી ધર્મ થતો નથી, કારણ એ કે એ તો માત્ર બાહ્ય ક્રિયા છે. એનું ભીતર સાથે અનુસંધાન હોવું જોઈએ. વ્યક્તિનાં ચિત્તમાં દ્વેષ, રોષ, ઈર્ષ્યા, વાસનાની મલિનતા હોય અને બહાર હાથમાં માળા ફરતી હોય, તો તેનો અર્થ શું ? ધર્મની બાબતમાં આંતર જગતનો વિચાર કરવાને બદલે આપણે બાહ્ય જગતનો અસબાબ વધુ ખડો કરીએ છીએ. પોતાની આંતરઓળખને બદલે બાહ્ય જગત તરફ સતત દ્રષ્ટિ દોડાવતાં હોઈએ છીએ.આમેય વ્યક્તિને આ આંતર જગત તરફ જવું બહુ પસંદ હોતું નથી. આનું કારણ એ કે જન્મથી જ એણે બાહ્ય-જગતના ભોગ-ઉપભોગો જોયાં છે. એને સતત બાહ્ય વસ્તુઓનું આકર્ષણ રહ્યું છે. એના જીવનમાં એણે બાહ્ય ઘટનાઓમાં વિશેષ રસ લીધો છે અને એની વાતોમાં પણ બાહ્ય જીવનની વાતો ઘણી આવતી હોય છે.

કોઈ સંસારમાં ડૂબેલા માનવીને મળીએ, ત્યારે એની પાસે મોજ-મજા, વસ્ત્રો, સંપત્તિ, સત્તા એની જ વાતો હોય છે, કારણ કે એનું ધ્યાન માત્ર બહારની ચીજ-વસ્તુઓ પર છે એ બહારની વાત કરીને પોતાની જાત માટે માન મેળવવા કોશિશ કરે છે. એની આ સાંસારિક વૃત્તિ એની વાણી, વર્તન અને વ્યવહારમાં સતત પ્રગટ થતી હોય છે. માત્ર ધનની પાછળ દોડનાર વ્યક્તિને તમે આંતરિક સાધનાની વાત કરો, તો તે તમારી તરફ વિચિત્ર નજરે જોયા કરશે. એને થશે કે પૃથ્વી પર બિચારો આ માનવી ભૂલો પડયો છે. જે આનંદોમાં જગત મહાલી રહ્યું છે એ આનંદનો બિચારાને લેશમાત્ર ખ્યાલ નથી! આથી જ પાકા સંસારી ઉચ્ચ સાધકની પહેલાં અવગણના કરતા હોય છે. એમને થાય છે કે આમની વાતો તો સાવ તર્કહીન છે અને સહેજે લાભદાયી નથી.

 લગ્ન સમયે મોટો ખર્ચ કરીને 'ભપકો' દેખાડનાર વ્યક્તિ ધર્મકાર્યોમાં પણ એ 'વટ પાડવાનો' વિચાર કરતો હોય છે

ઘણીવાર એવું બને છે કે સંસારનું આ બાહ્ય આકર્ષણ ધર્મના ક્ષેત્રમાં પણ ચાલુ રહે છે. સંસારમાં પોતાના પુત્રના લગ્ન સમયે મોટો ખર્ચ કરીને 'ભપકો' દેખાડનાર વ્યક્તિ ધર્મકાર્યોમાં પણ એ 'વટ પાડવાનો' વિચાર કરતો હોય છે. આમ સંસારમાંથી એ ધર્મ તરફ ગયો છે, પરંતુ એની બાહ્યવૃત્તિ એવી ને એવી જ અખંડ રહી છે અને એથી ક્યારેક તો લગ્નના ભવ્ય સમારંભો જેમ ધર્મના સમારંભો યોજાતા હોય છે. મોટા પાયે લગ્ન કરનારની જેવી પ્રતિષ્ઠા હોય છે, એવી જ પ્રતિષ્ઠા મેળવવાનો ધર્મના ક્ષેત્રે પ્રયત્ન થાય છે. આમાં એવું બને છે કે વ્યક્તિ સંસારમાંથી સંન્યાસમાં જાય છે, પરંતુ એની વૃત્તિમાં પરિવર્તન આવતું નથી. લગ્નની મોંઘી કંકોતરીનું એને આકર્ષણ હોય છે અને એ જ આકર્ષણ સાધુ કે સંન્યાસી બન્યા પછી પણ હોય છે.

આનો અર્થ એટલો જ કે પહેલાં જગત તરફ મુખ હતું, એ જ રીતે આજે પણ જગત તરફ એનું મુખ મંડાયેલું છે. માત્ર પહેલાં સાંસારિક બાબતોમાં એનું  લક્ષ્ય હતું, તો હવે ધાર્મિક બાબતોમાં એનું લક્ષ્ય છે. આને પરિણામે તો વ્યક્તિ ભવ્યાતિભવ્ય મંદિરોનું નિર્માણ કરે છે. એક મંદિર હોય તો બાજુમાં પોતાનું બીજું મંદિર ઊભું કરે છે. જેમ વ્યવહાર જગતમાં એ ધંધાની હરીફાઈ કરતો હતો, એ સ્થૂળતા જ અહીં સૂક્ષ્મતા રૂપે પ્રવર્તે છે. આથી ખરું કામ તો આંતર પરિવર્તનનું છે. બહાર ઘુમતા ચિત્તને ભીતરમાં વાળવાનું છે.

આને માટે 'યોગશાસ્ત્ર'માં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાવનાઓની વાત કરી છે. આ ભાવનાઓ જેમ ભીતરમાં વધતી જાય, તેમ તેમ વ્યક્તિમાં આંતરિક પરિવર્તન આવતું જાય છે. મૈત્રી જાગૃત થતાં સમગ્ર જગતનું દર્શન બદલાઈ જશે. પહેલાં  આપણાં સંબંધો મિત્ર અને શત્રુ એવાં બે ખાનાંમાં વહેંચાયેલા હતા. અમુક માણસો આપણને પસંદ હોય છે અને અમુક માણસો આપણને નાપસંદ હોય છે. અમુક વ્યક્તિઓ વિશે વાત થાય, ત્યારે આપણે એની પ્રસંશામાં ડૂબી જઈએ છીએ અને અમુક વ્યક્તિની વાત થાય તો તરત જ આપણું ચિત્ત એની ટીકા કરવા માટે ઉદ્યુક્ત બની જાય છે.

આનું કારણ એ છે કે આપણે જીવનને લાભ અને હાનિના ત્રાજવે તોળીએ છીએ. અનુકૂળતા અને પ્રતિકૂળતાની દ્રષ્ટિએ જોઈએ છીએ. જ્યાં આવો ભેદ હોય ત્યાં મૈત્રી સાધી શકાતી નથી. જૈનદર્શને એવી મૈત્રીની વાત કરી છે કે વ્યક્તિ માત્ર મનુષ્ય સાથે જ મૈત્રીના નાતે જોડાય એટલું જ પૂરતું નથી, પરંતુ પ્રાણી  અને પ્રકૃતિ સાથે પણ એણે મૈત્રી સાધવી જોઈએ, એ ગુસ્સામાં આવીને પોતાના હાથમાં આવેલી કોઈ ચીજ કોઈના પર ફેંકે, એ જેટલું અયોગ્ય છે એટલું જ અયોગ્ય એ વિના કારણે રસ્તે ચાલતાં ફૂલોનો નાશ કરતો રહે અને પ્રાણીઓને પથ્થર મારતો રહે તે છે. જ્યારે આવો મૈત્રીનો ભાવ હશે, ત્યારે વ્યક્તિમાં પરિવર્તન થવા માંડશે. એને એક પ્રકારનું બળ મળશે. એનો પ્રેમ વધશે, એના હૃદયની કોમળતામાં વૃદ્ધિ થશે અને આ રીતે એના જીવનમાં મોટું પરિવર્તન આવશે. સૌથી વિશેષ તો એનામાં અન્યને માટે સ્નેહ, હૂંફ અને સકારાત્મક વૃત્તિ જાગશે. આવી મૈત્રી નિષ્ઠુરતા અને ક્રૂરતાને ઓગાળી નાખે છે. સ્વામી શ્રદ્ધાનંદજીએ આ જ મૈત્રીભાવથી ઘાયલ સિંહને પોતાનો મિત્ર બનાવ્યો હતો. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં એમના પર લાઠીઓનો વરસાદ વરસાવનાર આલમગીર પઠાણ તરફ ક્ષમા દાખવી હતી અને એને પોતાનો મિત્ર બનાવી દીધો.

હૃદયનો હૃદય સાથેનો સંવાદ વિસરાતો ગયો છે

મૈત્રી તમારી ભીતરમાં એક બીજા માનવીને જન્મ આપે છે. માનવીનો જન્મ એના જન્મ સમયથી થતો નથી, પરંતુ એના હૃદયમાં જ્યારે બીજો મૈત્રીભાવથી ભરેલો માનવી જન્મે ત્યારે થાય છે. આજના સમયમાં એક બાજુ વૈશ્વિકીકરણ (ગ્લોબલલાઈઝેશન) થાય છે અને આ દુનિયા 'ગ્લોબલ વિલેજ' બની જશે એમ કહેવાય છે, ત્યારે બીજી બાજુ માનવી વધુ ને વધુ સ્વાર્થકેન્દ્રી બનતો જાય છે. મકાનો મહુમાળી બન્યાં છે, પણ માનવીની ભાવના જમીનદોસ્ત થઈ ગઈ છે. રાજમાર્ગો વિશાળ બન્યા છે, પરંતુ જીવન વધુ ને વધુ મતલબી બન્યું છે. સંસાર માધ્યમને કારણે ક્રાંતિ થઈ છે, ,પરંતુ હૃદયનો હૃદય સાથેનો સંવાદ વિસરાતો ગયો છે.

જીવનમાં બધું જ સ્વની આસપાસ ચાલે છે અને તેવા સમયે માણસ સાધન સંપન્ન થવા માટે બધા ઉપાયો કરે છે. પણ સાધના સંપન્ન થવાનો લેશમાત્ર વિચાર કરતો નથી. એના જીવનનો આધાર ગમતાં અને અણગમતા પર છે. ગમતી વાતને માટે એ દોડે છે અને અણગમતું થતાં અકળાય છે. વળી,  એને માટે ગમતી વાત એ પોતાના લાભની વાત હોય છે. કાઈ સરસ મજાનું ખીલેલું પુષ્પ જોઈને એનું હૃદય નાચતું નથી, કોઈ બાળકનું હાસ્ય જોઈને એનું ચિત્ત પ્રફુલ્લિત થતું નથી, કોઈ સત્કર્મની વાત સાંભળીને એના હૃદયમાં સારા ભાવો ઉભરાતા નથી.

કવિએ કહ્યું કે, 'ગમતાંનો કરીએ ગુલાલ', પણ આજે તો અણગમતાંનો ઉત્સવ ઉજવીએ છીએ. પોતાને અણગમતી વાત એ સૌને કરે છે. કોઈને કહી ન શકે તો મનમાં મમળાવ્યા કરે છે. ટ્રાફિક જામમાં ફસાઈ ગયા બાદ કેટલાંય કલાકો સુધી ટ્રાફિક-જામ ચાલુ રહે છે. રામો, રસોઈયો કે ડ્રાઈવર એના જીવનનું કેન્દ્ર બની ગયા હોય છે અને એની ગેરહાજરી માણસને સતત ખૂંચતી હોય છે. જે માણસ બહારના કોલાહલથી ઘેરાયેલો છે અને એની પાછળ આંખો મીંચીને દોટ લાગે છે, એ માણસ જેવો પોતાની જાતનો બીજો કોઈ દુશ્મન નથી. જે માણસ પોતાની ભીતરમાંથી આનંદ મેળવતા શીખે છે એ પોતાની જાતનો સૌથી મોટો મિત્ર છે. ઘણાં ખરા લોકો અઠવાડિયાના છ દિવસ બાવળ વાવતાં ફરે છે અને સાતમા દિવસે મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરે છે કે, 'હે પ્રભુ! કાંટાની ફસલ ન થાય તે જોજે.'

મૈત્રી એટલે માનવીનો પુનર્જન્મ, મૈત્રી એટલે બીજાના હિતની ચિંતા. આને માટે સૌથી આવશ્યક બાબત એ જિંદગીનો અંતર્મુખ બનીને વિચાર કરવાની છે. અંતર્મુખતા હોય તો જ 'પરહિત'નો વિચાર થઈ શકે. આજના આપણા જીવનની સ્થિતિ એવી છે કે વ્યક્તિ જોતો થયો અને પછી સ્વાર્થ એ જ એની આદત બની ગઈ. કોઈપણ બાબતમાં એ વિચારે છે કે, 'મારું શું ?'  અને જો એમાં લાભ ન હોય તો એ એની અવગણના કરતાં વિચારે છે કે, 'મારે શું !' 

- મુનીન્દ્ર

આ સમાચાર શેર કરો